જ્યારે નાનાભાઈની મદદ માટે ત્રણેય બહેનો આગળ આવી…

દિવાળી પછી શરુ થતા હિંદુ નવા વર્ષનો પહેલો તહેવાર એ ભાઈબીજ, જેને યમદ્વિતીયા બીજ પણ કહેવાય છે. જોકે હિંદુ પુરાણોમાં આ દિવસને આલેખીને બીજી ઘણી કથાઓ પ્રવર્તે છે. જે દરેક કથામાં ભાઈ બહેનનાં ઘરે જાય છે. યથાશક્તિ ભેટ આપે બદલામાં બહેનની અંતરની આશિષ પામે છે.

આપણા દરેક તહેવારોનું અલગ મહત્વ અને શીખ છે. ભાઈબીજ રક્ષાબંધન જેવા તહેવારો પુરુષોને તેમની સ્ત્રીઓ પ્રત્યેની દ્રષ્ટિ અને ભાવનામાં શુદ્ધિ લાવવાનું, આચરણમાં ભદ્ર દ્રષ્ટિ કેળવવાનું સૂચન કરે છે. બહેનનાં ચરિત્ર અને સંકટની રક્ષા કાજે ભાઈ સદા હાજર છે એમ જતાવવા આવા તહેવારો ઉજવાય છે. હકીકતમાં દરેક પુરુષે માત્ર પોતાની બહેન પ્રત્યે નહિ પણ સમસ્ત સ્ત્રી જાતી તરફ માન અને પ્રેમની દ્રષ્ટી કેળવવાની જરૂર છે.

બહેનને પ્રેમ અને હુંફ આપવા પોતે સદા હાજર છે એ જતાવવા,અંતરમાં આવતી દુરી મીટાવવા આવા તહેવારો ખુબ મહત્વના છે. બાકી જમાનો બદલાયો છે હવે સ્ત્રીને લાચાર અબળાના સ્વરૂપમાં જોવાની દ્રષ્ટિમાં ફેરફાર કરવો રહ્યો. ભાઈ બહેનની રક્ષા કરે એ વાત હવે સો ટકા સાચી નથી રહી. બહેન પણ ભાઈ માટે એટલીજ મહત્વની અને મજબુત ભૂમિકા ભજવી શકે છે.

ત્રણ બહેનો પછી લાડકા શાશ્વતનો જન્મ થયો. પુત્ર સ્વર્ગારોહણ અને મુક્તિના માર્ગ સુધી પહોચાડે એવી માન્યતા ઘરાવતા કુટુંબમાં શાશ્વતને પાણી માગતા દૂધ મળવા લાગ્યું. સામે ત્રણ છોકરીઓને ઓચ્ચી વાતી ઉપેક્ષા પણ મળતી રહી. એક માત્ર ઘરમાં વડીલ કાકાની હૂંફમાં ત્રણે બહેનો છોકરાઓને શરમાવે તેવી શારીરિક અને માનશીક રીતે સજ્જ થતી મોટી થઇ ગઈ.

કોલેજમાં આવતા સુધીમાં શાશ્વતને અનેક કુટેવોએ ધેરી લીધો. દિવાળીની રાત્રે મિત્રો સાથે જુગાર રમવું જાણે તેની માટે આધુનિક ફેશન હતી. મોડી રાત્રે ઘરે પાછો આવ્યો ત્યારે તેના પગ લથડતાં હતા, કપડા ફાટેલાં હતા. મોટી બહેન સુચિત્રાએ બારણું ખોલ્યું. તેની હાલત જોઈ તે ઘણું સમજી ગઈ હતી.

“શાશ્વત તને કઈ ભાન છે, આટલા મોડા સુધી ક્યા હતો? અને તારા આવા હાલ, શું થયું? કોઈની સાથે મારપીટ કરીને આવ્યો?” એક સામટા સવાલો સાથે કેટલીય ચિંતાઓ તેને ઘેરી વળી.

“મોટી બહેન ધીમે બોલ મમ્મી પપ્પા જાગી જશે, નકામી ચિંતા કરશે. બધું બરાબર થઇ જશે.” તેના અવાજમાં ચિંતા હતી.

“પણ શું થયું હતું એ તો કહે? બહેનના દબાણને કારણે તેણે આખી વાત કહી સંભળાવી

એ સાંજે મિત્રો સાથે આલ્કોહોલ અને તીનપત્તીની મહેફિલ પછી જીતેલા રૂપિયા હાથમાં પકડી ઘરે આવતો હતો ત્યાં સોસાયટીનાં નાકે બેઠેલા બે ત્રણ ટપોરીઓએ તેને ઘેરી લઇ માર માર્યો અને રૂપિયા પડાવી લીધા.

સુચિત્રા અને તેની બંને બહેનોએ આ વાત જ્યારે જાણી ત્યારે નાનાભાઈની કુટેવો ઉપર ગુસ્સો અને દુઃખ થઇ આવ્યા. હવે ફરી આવુ ના કરવાની પ્રોમિસ લઈને પેલા ટપોરીઓને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. ત્રણેવ બહેનો કરાટેમાં પાવરધી હતી. બીજા દિવસે સાંજે જરા વધુ ફેશન કરી જાણીને સોસાયટીનાં નાકે ઉભી રહી જ્યાં પેલા લોકો બેઠા હતા. તેમને ખબર હતી હમણા કોઈ એમાંથી તેમના વિશે કોઈક કોમેન્ટ જરૂર કરશે.

આમજ બન્યું કોઈકે વ્હીસલ સાથે અટકચાળો કર્યો, અને બદલામાં ત્રણેવ બહેનો પેલા લોકો ઉપર હાથ સાફ કરવા ઉતાવળી બની. કોઈ કશું વિચારે એ પહેલા ત્રણેવ ટપોરીઓને સારો એવો મેથીપાક મળી ચુક્યો હતો. “જો ખબરદાર આજ પછી શાશ્વત સામે આંખ ઉંચી કરીને જોયું છે તો હોસ્પીટલમાં મહિનાઓ માટે રહેવાનો દિવસ આવશે.” સુચિત્રા જતા જતા કહી દીધું.

ઘરે આવીને શાશ્વત સામે જોઈ ત્રણે બહેનોએ હસીને કહ્યું ” હેપી ભાઈ બીજ ”

– રેખા પટેલ (ડેલાવર)