દિવાળી: ઊંડા અંધારા માંથી પરમ તેજ તરફ જવાની ક્રિયા

જબ દીપ જલે આના.જબ શામ ઢલે આના. કે પછી કભી શામ ઢલે તો મેરે દિલમે આ જાના. જેવા ગીતો સાંભળીએ ત્યારે એક એવી રાતનો વિચાર આવે જ્યાં અંધકાર તો છે પણ સાથે સાથે એક આશાનું કિરણ છે. થોડો અજવાસ છે. બે અમાસ જે ભારતમાં પવિત્ર મનાય છે તે છે દિવાસો અને દિવાળી. તમસો માં જ્યોતિર્ગમય. ઊંડા અંધારા માંથી પરમ તેજ તરફ જવાની ક્રિયા એટલે દિવાળીની ઉજવણી. જે અંધકાર જગત આખાને ડરાવે છે તે ભારતમાં સન્માન પામે છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ સકારાત્મક છે અને તેમાં ભય જેવી નકારાત્મક લાગણીને કોઈ સ્થાન ક્યારેય ન હતું. રાત્રી એટલે પોતાને ગમતી ક્રિયાઓ કરવાનો સમય. રાત્રી એટલે પોતાની જાતને મળવાનો સમય. રાત્રી એટલે ગમતી વ્યક્તિને પામવાનો સમય. રાત્રી એટલે એક નવી સવાર તરફ જવાનો સમય. રાત્રી એટલે નવપલ્લવિત થઇ ચેતના જાગૃતિનો સમય. અને એમાં પણ ઝળહળતી રાત્રી એટલે દિવાળી.

આંગણામાં અને અટારીએ દીવા પ્રગટાવી પ્રકાશની અનુભતી કરીએ ત્યારે આપણે સહુ ભૂલી જઈએ છીએ કે દિવાળી એ વરસની છેલ્લી અમાસ છે. આપણે આસપાસ પ્રકાશને પામીને પેલા અંધકારને ભૂલી જઈએ છીએ. જીવનમાં પણ કેટલીક એવી ક્ષણો આવે છે જયારે અંધારું ઘોર લાગે છે. લાગે છે કે કોઈ રસ્તો નથી દેખાતો. લાગે છે કે બધુજ ખોરવાઈ ગયું છે. બસ એ ક્ષણે દિવાળીને યાદ કરીએ. થોડા દીવા અંતરમાં પણ પ્રગટાવીએ. જેવો પ્રકાશ થશે, કોઈને કોઈ રસ્તા દેખાશે. નવા રસ્તા રાહ ચીંધતા દેખાશે. કેટલાક અંધકાર સમાન માણસો આ પ્રકાશમાં વિલીન થઇ જશે અને ચિંતાઓના વાદળો ક્યાં દુર આકાશમાં રહી જશે. કારણ કે જે પ્રકાશ છે તે નજીક હશે. પોતાનો હશે. મોટા ભાગે હતાશા ઘેરી લે ત્યારે માણસ ખોટા નિર્ણયો લઇ લે છે. શું એનાથી લાભ થાય ખરો? શું જીવનને સમાપ્ત કરવાથી પ્રકાશિત થવાશે? ક્યારેય નહિ. એના કરતા જેમ દિવાળીના બીજા દિવસે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ એ રીતે જીવનને નવી નજરથી જોઈએ. જે કોઈ ગેર સમજો થઈ છે એને દુર કરવા પ્રયત્ન કરીએ અને સાવ નવી- બ્રાંડ ન્યુ લાઈફ જીવવાનું શરુ કરી દઈએ.

દિવાળી એટલે શારદા પૂજનનો દિવસ. એવું કહે છે કે લક્ષ્મી અને સરસ્વતી બંને ક્યારેય સાથે ન હોય. કળીયુગમાં એ વાત સાવ સાચી નથી. પણ એ બંનેની સાધના કરવાનો દિવસ એટલે દિવાળી. દિવાળીની પૂજામાં સજોડે બેસવામાં આવે તો વધારે લાભ થાય છે. એવું કહે છે કે ગૃહલક્ષ્મીના સહકારથી જ ધનલક્ષ્મી પ્રાપ્ત થાય છે. ભારતીય નિયમો અનુસાર તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ ગૃહલક્ષ્મીનો સહકાર જરૂરી છે. સારી વાણી, સદ્વ્યવહાર અને ગૃહિણીનો સહકાર એ સરસ્વતી થકી લક્ષ્મી એટલે કે જીવનના બધાજ પાસાની સમૃદ્ધિ આપે છે. અંતરના અંધકારને દુર કરી જીવનમાં અજવાશ પાથરે છે. પછી જીવન અલૌકિક પ્રેમના પ્રકાશથી ઝળહળે છે.

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)