અમેરિકામાં આ રીતે ઉજવાય છે દિવાળી…

ભારતીયો દેશ છોડીને જ્યાં વસ્યા છે ત્યાં પોતાના રીત-રીવાજો, રહેણીકરણી અને સંસ્કારો સાથે રાખીને વસ્યા છે. ૧૮૨૫ ની શરૂઆતમાં સાહસિક ભારતીયો દેશ છોડી અમેરિકા તરફ નીકળ્યા હતા. ત્યારથી તેઓ પોતાની સંસ્કૃતિ સાથે તહેવારોને પણ આ ધરતી ઉપર લઇ આવ્યા હતા.

ભારતીયો જ્યાં પણ વસે છે ત્યાં પોતાનો ખોરાક અને તહેવારો સાથે રાખે છે. હા ફેશનમાં કદાચ તેઓ બદલાઈ શકે છે, પરંતુ તહેવારોની ઉજવણીમાં આજે ભારત દેશને પણ પાછળ પાડી રહ્યા છે. કેલીફોર્નિયાના ડિઝનીલેન્ડ અને ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, શિકાગો, લાસવેગાસ જેવા લોકપ્રિય સ્થળો પણ હવે ભારતીય રંગમાં રંગાયા વિના રહ્યા નથી. મોટા શહેર કે નાના ટાઉન જ્યાં પણ ઇન્ડિયન સ્ટોર્સ હોય ત્યાં આ દિવસોમાં લોકોનો ભારે ધસારો અને ચહલપહલ જણાય છે.

વોશિંગ્ટન ડીસીના વ્હાઈટ હાઉસમાં પણ દિવાળી સેલિબ્રેશન થાય છે. ખુદ પ્રેસિડેન્ટ દિવાળીની શુભકામનાઓ પાઠવે છે. અમેરિકન ન્યુઝ પેપરમાં દિવાળીના સેલ અને ફટાકડાની જાહેરાતો આવે છે. પરદેશમાં ચારે તરફ દિવાળીની અસર જણાય છે. અમેરિકનો પણ દિવાળીમાં મિત્રોની સાથે ખાસ કરીને અન્નકુટના સમયમાં મંદિરમાં આવે છે. અહી સેંકડો અલગ અલગ વાનગીઓ મીઠાઈઓ સહુ સાથે મળી ઘરે જાતે બનાવી મંદિરમાં પ્રસાદી રૂપે મોકલી આપે છે. સહુ સાથે મળી ભાગ લે છે.

અન્નકુટની વાત આવે ત્યારે દરેક સંપ્રદાયના ખાસ કરીને બીએપીએસ મંદિરને તેમની વ્યવસ્થાને નજર અંદાજ ન કરી શકાય. જોતાં નજર ભરાય નહીં એવો અન્નકૂટનો થાળ,  સેંકડો અવનવી વાનગીઓની અદભુત સજાવટ દ્વારા ભગવાનની સમક્ષ ગોઠવી હોય કે જોનારને બધું કોઈ રંગોળી દોરાઇ હોય તેવું લાગે છે. મહિના પહેલા તેની તૈયારીઓ શરુ થઇ જતી હોય છે.

હ્યુસ્ટનમાં ઘણી મોટી માત્રામાં ભારતીઓ વસે છે. ત્યાં દિવાળી હોળી અને ઉતરાયણ જેવા તહેવારો ખાસ ઉજવાય છે. તેનું ખાસ કારણ ત્યાનું વેધર પણ ખરું. દિવાળીના દિવસોમાં અહીના સ્વામીનારાયણના બીએપિએસના વિશાળ મંદિરના પ્રાંગણમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. આશરે સાત હજાર લોકો અહી આવે છે. મંદિરના પ્રસાદ સાથે ખાણીપીણીના સ્ટોલ બનાવાય છે, જેના કારણે વિવિધ વ્યંજનોનો આનંદ સહુ માણી શકે. બાળકોને લગતા સંસ્કૃતિક પોગ્રામ કરાવાય છે. ત્યારબાદ ચકાચોંધ કરી દે એવા ફાયરવર્ક્સ શો નું  આયોજન થાય છે. મંત્રમુગ્ધ કરે તેવા ફટાકડા  આકાશને રંગીનીઓથી ભરી દે છે.

આજકાલ ભારત કરતાં પણ વધારે રંગેચંગે દિવાળી પરદેશમાં ઉજવાય છે. ઘરના આંગણે દીવા અને સાથીયા સાથે તોરણો લટકાવાય છે. એકબીજાના ઘરે મીઠાઈના બોક્સ મોકલાવાય છે. કબાટમાં સચવાયેલા ભારતીય પોશાક બહાર આવી જાય છે.

ગુજરાતી સમાજની દિવાળી પાર્ટીઓમાં મ્યુઝીકલ નાઈટ સાથે ડીનર અને ગરબાનું આયોજન થાય છે. અલગ અલગ સમાજ અને ગામની દિવાળી પાર્ટીઓમાં સહુ એકબીજાને મળે છે.

ધનતેરસના દિવસે હજુ પણ દર વર્ષે એક ચાંદીનો સિક્કો ઉમેરી ધન ધોવાય છે. ટૂંકમાં, દરેક દિવસને મહત્વ અપાય છે. બાળકો નાના હોય ત્યાં સુધી આ દરેક દિવસને બહુ કુતુહલતા અને આનંદથી માણે છે. દિવાળીના દિવસે મંદિરમાં ચોપડા પૂજન માટે ખાસ સમય નક્કી કરાય છે. ઘણા કુટુંબોમાં ઘરે ભેગા મળીને પણ ચોપડા પૂજન થતું હોય છે. ભારતીયતા અને ભારતીય સંસ્કારો સાચવવા માટે આ બધું ખૂબ જરૂરી છે એવું લગભગ દરેક પરદેશી માને છે.

ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય એ રસમ અહીં પણ એવી જ રીતે મનાવાય છે.

દિવાળી પહેલા ઘરની સાફસફાઈ થાય છે. ઘરની બહાર દીવડા કે ઝીણી ઝબુકતી લાઈટોની રોશની કરાય છે. રંગોળીની સજાવટ થાય છે. મોટાભાગના ઘરોને અંદરથી ઠેકઠેકાણે આભલાં અને મોતીનાં વર્કવાળાં દીવડાઓ કે મીણબત્તીઓ ગોઠવીને સજાવાય છે. આ દિવસોમાં પરંપરાગત વાનગીઓ લાડુ, કંસાર, દૂધપાક વગેરે બનાવીને સમુહભોજન લેવાની આપણી વર્ષો જૂની પરંપરા હજુ પણ એવી જ છે.

દિવાળીની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને અમેરિકામાં વર્ષ ૨૦૧૬માં ‘‘દિવાળી પોસ્ટલ સ્ટેમ્પ” બહાર પાડવામાં આવી હતી. દીવાના પ્રતિક સાથેની આ સ્ટેમ્પના લોકપર્ણ પ્રસંગનું ઉદઘાટન ન્યુયોર્કના ભારત ખાતેના કોન્સુલર જનરલ દ્વારા દીપ પ્રગટાવીને કરાયું હતું. દિવાળીની લોકપ્રિયતાને લઈને અમેરિકાના ઘણા રાજ્યોમાં સ્કૂલ અને નોકરીમાં જાહેર રજા પણ શરુ કરાઈ છે.

હા, અહીં આ બધા માટે એક જ દિવસ નથી હોતો. એટલે કે ધનતેરસ ધનતેરસના દિવસે કે દિવાળીની ઉજવણી દિવાળીના દિવસે જ ઉજવાય એવું જરૂરી નથી. અહીં તો દિવાળી અને ભાઈબીજ એ બધું એક મહિના સુધી ચાલે છે. જેવો સમય એ રીતે બધા ભેગા મળે છે. ટૂંકમાં, છેક નવેમ્બરના અંતમાં થેન્ક્સ ગિવીંગ સુધી દિવાળી ચાલે અને એ પછી ભારતીયો અમેરિકન બની જઈને ક્રિસમસની તૈયારીઓમાં લાગી જાય.

ઈન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનના કારણે દરેક સંસ્કૃતિને ઝડપથી ફેલાવાનો માર્ગ મળી રહ્યો છે. આ બધામાં હિંદુ સંસ્કૃતિ સહુથી મોખરે છે. બે અલગ કલ્ચરને ભારતયો ખૂબ સરસ રીતે બેલેન્સથી જીવી જાણે છે.

દિવાળીની શુભકામનાઓ.

  • રેખા પટેલ (ડેલાવર, યુએસએ)