બૌદ્ધિક અને આધ્યાત્મિક ધનસંપદાનું આદિપર્વ

સંપત્તિ અને સંપદાની વાત આવે ત્યારે આજનો માણસ મોટાભાગે ભૌતિક માલ-મિલ્કત અંગે જ વિચારતો થઈ જાય છે. ધનતેરસના તહેવારને માત્ર સાંસારિક સુખ-સગવડો અને સુવિધાઓનો સ્રોત ગણવાને બદલે બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક ધન પ્રાપ્ત કરવાના અવસર તરીકે પણ જોવામાં આવે, તો તેની મહત્તા ખરેખર ચરિતાર્થ થઈ ગણાય.

ધનતેરસના દિવસે જેના ઉચ્ચારણનું સવિશેષ મહત્ત્વ છે, એવા ‘શ્રીસૂક્તમ્’નો ત્રીજો શ્લોક છે:

अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीम्।

श्रियं देवी मुपह्वये श्रीर्मा देवीजुषताम्॥

વિશ્વના સૌથી પૌરાણિક ગ્રંથ એવા ઋગ્વેદ અને લક્ષ્મીતંત્રમાં શ્રીસૂક્ત પ્રયોગ આપવામાં આવ્યો છે, જેનો ઉપરોક્ત ત્રીજો શ્લોક સાધનામાર્ગે ચાલી રહેલાં એક સાધકની મનોદશા વર્ણવવાનું કામ કરે છે. શ્રીસૂક્તના ઉદ્ભવની કથા પણ અત્યંત રોચક છે. પૌરાણિક કાળમાં મહાવિષ્ણુથી નારાજ થઈને લક્ષ્મીજી જ્યારે સમુદ્રદેવ પાસે ચાલ્યા ગયાં, ત્યારે સમસ્ત સૃષ્ટિ શ્રીહીન થઈ ગઈ. એમને પરત લાવવા માટે વિષ્ણુજીએ એક અભિયાન શરૂ કર્યુ. ઋષિ વેદવ્યાસ સહિત અનેક ઋષિ-મુનિઓને એકત્ર કરીને એમને શ્રીસૂક્તના 1-1 મંત્રો સોંપવામાં આવ્યા. મૂળ શ્રીસૂક્તમાં કુલ 16 મંત્રો જ હતાં, પરંતુ કાલાંતર દરમિયાન તેમાં અન્ય મંત્રો ઉમેરાયાં. મૂળ 16 મંત્રોમાંથી એ મંત્ર સ્વયં ભગવાન વિષ્ણુ અને 1 મંત્ર સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાની તપસ્યા વડે જાગૃત કર્યા. બાદમાં, સમુદ્રમંથન વખતે શ્રીસૂક્તનો પાઠ કરવામાં આવ્યો અને લક્ષ્મીજી પ્રસન્ન થયાં તથા તેમના વિવાહ વિષ્ણુજી સાથે થયાં.

પથિક જ્યારે પોતાના પ્રવાસના માર્ગે ચાલવાનું શરૂ કરે, ત્યારે તેનું મન એક અશ્વની માફક દોડતું રહે છે. જેવી રીતે ઘોડાંના ડગ એકધારા ‘તબડક તબડક’ સાથે દોડતાં રહે, એવી રીતે સાધકનું મન સતત આમથી તેમ ભાગતું રહે, ભટકતું રહે. સાધકના મનને કોઈ લગામ ન હોય. પરંતુ જેમ જેમ એ પોતાના પ્રવાસમાં આગળ વધે, એમ એમ એનું મન રથમાં બેઠેલાં મુસાફર સમાન થોડું સ્થિર બને. આ અવસ્થામાં તે પોતાની આસપાસની સ્થિતિ અને અનુભવોનું અવલોકન કે નિરીક્ષણ કરતો થાય છે. એક સમય પછી એવું બને છે કે પોતાની મંઝિલ એટલે કે ગંતવ્યસ્થાન તેને ઘણું દૂર લાગવા માંડે છે. રથની એકધારી ગતિ તેને કંટાળો આપવા માંડે છે. આવી સ્થિતિમાં જો તેની યાત્રા અટકી જાય તો તે સાધનાસિદ્ધિ મેળવી શકતો નથી. બીજી બાજુ, જો તે ધીમી પરંતુ એકધારી ગતિ સાથે સાધનાના માર્ગે આગળ ધપતો રહે તો એક ક્ષણ એવી આવે છે, જ્યારે હાથીની દહાડની માફક તેને આત્મસાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. હસ્તિ અર્થાત્ હાથી! જેવી રીતે હાથીની ગર્જના ક્ષણવારમાં દૂર દૂર સુધી સંભળાઈ જાય છે, એવી જ રીતે સાધકની કુંડલિનીરૂપી શક્તિ ક્ષણવારમાં જાગૃત થઈને તેને ઈશ્વરત્વનો અનુભવ કરાવે છે.

વર્તમાન સમયમાં શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામી વિશે એવું કહેવાય છે હિમાલયની કંદરાઓમાં જઈને કઠોર સાધના કર્યા બાદ એમની પાસે કેટલીક વિશેષ દૈવી શક્તિ છે, જેનો ઉપયોગ તેઓ લોકકલ્યાણ અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે કરી રહ્યા છે. તેઓ તાંત્રિક, માંત્રિક અને મહાયોગી છે, આમ છતાં એમના સાંનિધ્યમાં ભયની નહીં પરંતુ વ્હાલ-હૂંફ-આસ્થાની અનુભૂતિ થાય છે. તેમણે વર્ષ 2007-08માં સર્વપ્રથમ વખત વિધિવત્ રીતે શાસ્ત્રોક્ત શ્રીસૂક્તમ્ સાધના કરી રહી હતી, જે 960 દિવસની હોય છે. રસપ્રદ વાત એ છે કે શ્રીવિદ્યા સાધનામાં આગળ વધવા માગતાં સાધકો માટે શ્રીસૂક્તમ્ સાધના એ પહેલુંવહેલું પગથિયું ગણી શકાય.

(પરખ ભટ્ટ)

(પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વ અને લેખન-જગતનું એક જાણીતું નામ છે. ભારતના ટોચના પોડકાસ્ટ શો – The Ranveer Show (TRS) – પર જનારા તેઓ સૌ પ્રથમ ગુજરાતી લેખક છે. ગુજરાત-મુંબઈના પ્રમુખ અખબારો અને સામયિકોમાં લખે છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ (મહા-અસુર શ્રેણી) થકી એમણે દેશ-વિદેશમાં વસતાં ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવ્યો છે.)