અમદાવાદ: અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો. દિવાસો એટલે દેવદિવાળી સુધી 100 દિવસમાં 100 પર્વનો વાસ છે. હિંદુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. ચોમાસાની સાથે જપ, તપ અને વ્રતનો મહિમા વધી જાય છે. આ સાથે જ આજથી શ્રાવણ માસની શરૂઆત એટલે શિવજીની આરાધના કરવાનું મહત્ત્વ વધી જાય છે.દિવાસના દિવસે એવરત-જેવરત જેવા જુદાં-જુદાં વ્રતો અને પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. એ સમાજ એટલે દેવીપૂજક સમાજ. દેવીપૂજક સમાજના કેટલાંક સભ્યો દિવાસાના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમજ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)