કુદરતે આપેલી લાચારીથી નિરાશ થયા વગર તેનો હિંમતથી સામનો કરવાવાળા અનેક દિવ્યાંગજનો આજે સમાજમાં ઉદાહરણરૂપ બન્યા છે. તેમાંના જ એક છે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામના રહેવાસી ધીરૂભાઈ કાંતિભાઈ ઠાકોર. 24 વર્ષીય ધીરૂભાઈને જન્મજાત બંન્ને હાથે વિકલાંગતા છે. બંને હાથ કાંડાથી જ વળેલા હતા. નાનપણમાં તેમના માટે હાથથી કોઈપણ વસ્તુ પકડવી અશક્ય લાગતી હતી. પરંતુ માતાના સ્નેહ અને પરિવારના સહયોગથી આજે તેમણે દરેક અશક્ય કામને શક્ય બનાવ્યું છે.
વ્યક્તિ મનથી મજબૂત હોય તો સંઘર્ષ સાથે સતત પ્રયાસ કરી તે પોતાની ઈચ્છા મુજબનું કામ કરી શકે છે. ધીરૂભાઈની માતાની ઈચ્છા હતી કે તેઓ ભણે એટલે તેમણે પોતાના ત્રણ દીકરાઓમાંથી સૌથી મોટા ધીરૂને શાળાએ મૂક્યો. નાનકડા ધીરૂએ મજબૂત મને સતત કાંડાની મદદથી આંગળી વચ્ચે પેન ભરાવી પ્રયાસોથી અંતે જાતે જ લખાણ લખવાનું શીખી લીધું. આજે તેણે પ્રાથમિક, માધ્યમિક બાદ સેનેટરી ઈન્સપેક્ટરનો ડિપ્લોમા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે B.A. કરવાની ઈચ્છા ધરાવે છે. જેની માટે તેઓ કોલેજમાં પ્રવેશ લઈ રહ્યા છે. ધીરૂભાઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પણ શાળા દ્વારા આપવામાં આવતા રાઈટર્સની ના પાડીને જાતે જ પરીક્ષામાં પેપર લખીને સારા ટકા સાથે બોર્ડની પરીક્ષા પાસ પણ કરી છે. આ ઉપરાંત તેઓ રોજિંદા જીવનના દરેક કામો પણ પોતાના બંને કાંડાના સહારે કરીને આત્મનિર્બર જીવન જીવી રહ્યા છે.
સામાન્ય પરિવારમાંથી આવતા ધીરૂભાઈના વિચારો ખુબ જ ઉમદા છે. તેમના પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે. બે નાના ભાઈઓમાંથી એક પિતાને ખેતીમાં મદદ કરે છે. જ્યારે બીજો ભાઈ ગ્રેજ્યુએટ થઈને આગળના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યા છે. ધીરૂભાઈનું માનવું છે કે પરિવારના સપોર્ટથી તેઓ આજે વિકલંગતાની સાથે એક ખાસ મુકામ પર પહોંચ્યા છે. પરંતુ સમાજમાં એવાં અનેક વિકલાંગો છે જેઓ પાસે મનોબળ તો હોય છે પરંતુ તેમના હક અને સરકાર દ્વારા આપવામાં આવતી મદદો વિશે માહિતી હોતી નથી. ધીરૂભાઈ તેમના જેવાં બીજા વિકલાંગો માટે હાલમાં મદદનું કામ પણ કરે છે. જો કોઈને દિવ્યાંગતા સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું, સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ કે યોજનાઓ વિશેની માહિતી તેઓ બીજા વિકલાંગોને આપે છે. તેઓ હજુ જીવનમાં વધુ ભણવા માંગે છે અને મહેનત કરી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. તેમને વિશ્વાસ છે કે તેઓ ચોક્કસથી પોતાની મહેનત દ્વારા એક દિવસ સારામાં સારી નોકરી મેળવશે.