દિલ્હીમાં આપ ધારાસભ્યના દીકરાનો પોલીસ સાથે વિવાદ

દિલ્હી: રાજધાનીમાં આપ ધારાસભ્યના દીકરા અને પોલીસ વચ્ચે તુ-તુ મેં-મેં થયાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ ચેકિંગ દરમિયાન દલીલ થવા પર આપના ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરા મોહમ્મદ અનસની બાઇક જપ્ત કરી લેવામાં આવી અને 20 હજારનો દંડ ફટકાર્યો. પોલીસ ટીમ ઓખલા વિસ્તારમાં ગુરુવારે રાતે રિપબ્લિક ડેના લીધે ચેકિંગ કરી રહી હતી.

આ દરમિયાન બે યુવક મોડિફાઇડ સાઇલન્સરવાળી બાઇક લઇને નીકળ્યા. પોલીસે તેમને રોક્યા અને સાઇલન્સરને મોટર વ્હીકલ એક્ટનો હવાલો આપીને ગેરકાયદે જણાવ્યું. એ પછી યુવકે કહ્યું કે તેના પિતા ધારાસભ્ય છે. પોલીસ અને યુવકની વચ્ચે દલીલ થઈ. પોલીસ ઓફિસરે પણ યુવકના પિતા સાથે મોબાઇલ પર વાત કરી અને કહ્યું કે હું બાઇકનું ચાલાન આપી રહ્યો છું અને તે કહે છે કે પપ્પા ધારાસભ્ય છે.પોલીસે મોટર વ્હીકલ એક્ટની અનેક કલમો હેઠળ ચલણ જાહેર કર્યું હતું અને બાઇક જપ્ત કરી હતી. છોકરાએ તેનું લાઇસન્સ બતાવ્યું નહોતું અને તેનું નામ જાહેર કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો હતો.