બીજિંગઃ ચીને ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. ચીને કોવિડના પ્રતિબંધોને કારણે ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને બે વર્ષ કરતાં વધુ સમય પછી વિસા જારી કરવાનું એલાન કર્યું છે. ચીન આ વિસાની પ્રક્રિયા 24 ઓગસ્ટથી જારી કરશે. ચીનમાં કોવિડ પ્રતિબંધોને કારણે 23,000થી વધુ વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતા, એમાંથી મોટા ભાગના મેડિકલ વિદ્યાર્થીઓ હતા. ચીને પોતાનું શિક્ષણ માટે તરત ફરવા ઇચ્છતા વિદ્યાર્થીઓનાં નામ માગ્યાં હતા. જે પછી ભારતે અનેક વિદ્યાર્થીઓની યાદી સોંપી હતી.
ચીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે વિસા અરજી અને સંલગ્ન જરૂરિયાત માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.ચીને નવેમ્બર, 2020થી ડિપ્લોમેટિક અને સત્તાવાર સિવાય ભારતીયોના બધા પ્રકારના વિઝાને તાત્પૂરતા સસ્પેન્ડ કર્યા હતા. ચીને ભારતીયો માટે બિઝનેસ વિસા અને જોબ વિસા પણ બંધ કર્યા હતા.
દિલ્હીમાં ચીની એમ્બેસીની વેબસાઇટ પર ઘોષણમાં કહેવામાં આવ્યું છે કે નવા વિદ્યાર્થીઓની સાથે એ જૂના વિદ્યાર્થીઓને પણ સ્ટુડન્ટ્સ વિસા જારી કરવામાં આવશે, જે કોવિડ વિસા પ્રતિબંધને કારણે ચીનની યાત્રા નથી કરી શક્યા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ 1000થી વધુ જૂના બારતીય વિદ્યાર્થીઓએ સ્ટડી જારી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રીલંકા, પાકિસ્તાન, રશિયા અને અન્ય કેટલાક દેશોના કેટલાક વિદ્યાર્થીઓ હાલમાં ચીન પહોંચી ચૂક્યા છે.