બજેટમાં સરકાર પાસેથી જનતા માગે છેઃ કરવેરામાં વધુ કપાત, ખર્ચ માટે પ્રોત્સાહન

પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું છે ત્યારે નાણાકીય રીતે જાગરૂક દરેક વ્યક્તિને તેની ઈંતેજારી છે. દેશની વસતિનો ઘણો નાનો હિસ્સો બજેટની રાહ જુએ છે, જ્યારે મોટાભાગના લોકોને તેની સાથે કોઈ નિસબત હોતી નથી. બજેટ આવી ગયા પછી શું મોંઘું થયું અને શું સસ્તું થયું તેની જ તેમને પડી હોય છે. જો કે, જેઓ બજેટની પ્રક્રિયામાં રસ લે છે તેઓ તેના વિશે પોતાનાં મંતવ્યો પણ ધરાવે છે.

હાલમાં ‘લોકલસર્કલ્સ’ નામની વેબસાઇટે કરાવેલા સર્વેક્ષણ મુજબ બજેટ પાસે લોકોની અપેક્ષા એ છે કે લોકોને ખર્ચ કરવાનું મન થાય એવી સવલતો આપવી જોઈએ.

રૂ।. 5 લાખ સુધીની આવક કરમુક્ત રાખવાની મુખ્ય માગણી

સર્વેમાં દેશના 250 જેટલા જિલ્લાઓના 44,000 લોકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર 69 ટકા લોકોએ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હોવી જોઈએ.

લોકલ સર્કલ્સના સર્વેમાં ભાગ લેનારા 8,432 લોકોમાંથી 28 ટકા લોકોએ કરવેરાના દરમાં ઘટાડો કરવાની આવશ્યકતા વ્યક્ત કરી છે, જ્યારે 29 ટકા લોકોએ કહ્યું છે કે કરવેરામાં કાપ મૂકવા ઉપરાંત કરદાતાઓને એ રકમ એક વર્ષની અંદર વાપરવા માટેનું પ્રોત્સાહન આપવું જોઈએ.આશરે 13 ટકા લોકોએ સૂચવ્યું છે કે સરકારે રૂ।. 50,000 સુધીનું સ્થાનિક પર્યટન ડિડક્શન આપવું જોઈએ. 10 ટકા લોકોએ દર વર્ષે રૂ।. 25,000 સુધીનું શિક્ષણ માટેનું ડિડક્શન અપાય એવી અપેક્ષા રાખી છે.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ 53 ટકા લોકોએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારીને 75,000 કરવાનું સૂચવ્યું છે.
અન્યત્ર અલગ અલગ લોકોએ પ્રસાર માધ્યમોમાં વ્યક્ત કરેલાં મંતવ્યો પણ જનતાની વિવિધ લાગણીઓનો પડઘો પાડે છે.

કરવેરાનો દર વાજબી હોવો જોઈએ

અમુક લોકોનું કહેવું છે કે સરકારે આવક વેરામાં ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે. એક રસ્તો આવક વેરાની જગ્યાએ વ્યવહાર વેરો એટલે કે દરેક નાણાકીય વ્યવહાર પર વેરો નાખવાનો અથવા તો આવક વેરામાં 1 કરોડ રૂપિયા સુધીની આવક પર એકસરખો 15 ટકા દર રાખવાનો છે. આમ કરવાથી લોકોની પાસે ખર્ચ કરવા રકમ બચશે અને તેની મદદથી બધાં જ ક્ષેત્રોમાં માગ સર્જાશે, એવું કહેવામાં આવી રહ્યું છે.

જો કરવેરો વાજબી દરે લેવામાં આવશે તો કાળાં નાણાંની સમસ્યા આપોઆપ નિયંત્રણમાં આવશે અને તેને પગલે નાણાકીય ગેરરીતિઓ પણ થતી અટકશે. વળી, વધુ લોકો કરવેરો ભરવા પ્રેરાશે, જેથી સરકારની આવક ઘટવાને બદલે વધશે, એવો પણ એક મત છે.

વિકાસની સ્પષ્ટ રૂપરેખા આવશ્યક

સરકારે દેશને 2025 સુધીમાં 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવાની વાત કરી છે, પરંતુ તેની સ્પષ્ટ રૂપરેખા ક્યાંય આપવામાં આવી નથી, એમ જણાવતાં એક વ્યક્તિનું કહેવું છે કે દેશમાં હજી પણ 70 ટકા કામ-ધંધો અસંગઠિત ક્ષેત્રમાં થાય છે અને તેને સંગઠિત કરવા માટે ક્યાંય કોઈ હિલચાલ દેખાતી નથી.

નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે નીતિવિષયક વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવા છતાં અર્થતંત્રમાં હજી તેજી આવી નથી.

અત્યારે અર્થતંત્રના વિકાસનો દર ધીમો પડ્યો છે તેનું મુખ્ય કારણ લોકો હવે ધિરાણ આપતાં અને લેતાં અચકાય છે. પરિણામે, દેશમાં નાણાંની પ્રવાહિતા ઘટી ગઈ છે. મોટાપાયે રોજગાર સર્જતા બાંધકામના ક્ષેત્રે નાણાંભીડને લીધે બેરોજગારી વધી છે. સરકારે વધુ લોકોને રોજગાર પૂરા પાડનારાં ક્ષેત્રોને વધુ ધિરાણ મળી રહે એ માટેનાં પગલાં ભરવાની જરૂર છે.

અન્ય સૂચનોમાં સરકારને કહેવામાં આવ્યું છે કે તેણે રાબેતા મુજબનાં પગલાં ભરવાને બદલે કંઈક નવું કરવું. ભારત માટે જે સારું છે તેનો વિચાર કરવો. વિદેશની સલાહ મુજબ વર્તવું નહીં. આવક વેરામાં અને વ્યાજદરમાં ઘટાડો કરવો. દેશી આઇટી કંપનીઓનો ઉપયોગ કરીને દેશના તમામ બિઝનેસનું ડિજિટાઇઝેશન કરવું. તમામ ચીજવસ્તુઓની આયાતમાં ધરખમ કપાત મૂકવી અને આયાત મોંઘી પડે એ રીતે તેના પર કરવેરા લાદવા, મેડ ઇન ઇન્ડિયા ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવું, હાઉસિંગ, મેટ્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં કાર્યો મોટા પાયે હાથ ધરવાં, જેથી રોજગારી સર્જાય અને નાણાંની પ્રવાહિતા વધશે.

(અપૂર્વ દવે)