ફિલ્મેં બનાયી વી. શાંતારામને…

ફિલ્મકાર અને કલાગુરુ વી. શાંતારામનો જન્મ 18 નવેમ્બર, 1901 માં કોલ્હાપુરના મરાઠી જૈન પરિવારમાં થયો હતો. ક્લાસિક ફિલ્મોના આ સર્જકને લોકો કલાગુરૂ પણ કહેતા કેમ કે એમની ફિલ્મો સાહિત્ય અને સંગીત જેવી કલાઓથી ભરપૂર હતી. જનક જનક પાયલ બાજે, દો આંખે બારાહ હાથ, ગીત ગાયા પથ્થરોને, નવરંગ, પિંજરા જેવી હિન્દી ફિલ્મ જગતની યાદગાર ફિલ્મો એમણે આપી છે.

એમણે નિર્દેશિત કરેલી પહેલી મૂંગી ફિલ્મ હતી નેતાજી પાલકર. 1927 માં આ ફિલ્મ બનાવ્યા પછી એમણે 1929 માં અન્ય મિત્રો સાથે મળીને પ્રભાત ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને 1932 માં મરાઠી ફિલ્મ અયોધ્યાચે રાજા બનાવી. પ્રભાત ફિલ્મ્સથી જૂદા થઇને એમે રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. સમય જતાં આ જ રાજકમલ દેશના સૌથી આધુનિક અને જાણીતા સ્ટુડીઓ પૈકીનો એક સ્ટુડીઓ બન્યો.

સમાજમાં જૂનવાણી વિચારો દૂર કરી આધુનિક અને ન્યાયપ્રિય સમાજનું નિર્માણ કરવામાં અને માનવતાના મૂલ્યો પ્રસરાવવામાં વી. શાંતારામે સિનેમાના માધ્યમનો બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમના આ યાદગાર પ્રદાન માટે 1985 માં એમને ફિલ્મજગતના સર્વોચ્ચ ગણાતો ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1992 માં એમને પદ્મભૂષણ સમ્માન પણ મળ્યું હતું. ‘શાતારામા’ નામે એમની આત્મકથા હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થઇ છે.

શાંતારામજીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા.

30 ઓક્ટોબર, 1990 ના રોજ મુંબઇમાં 89 વર્ષની વયે એમનું નિધન થયું. એ જ્યાં રહેતા એ કોલ્હાપુર નજીક પનહાલામાં એમનું ઘર હતું એ આજે એમના દીકરી સરોજે સાચવી રાખ્યું છે અને ‘વેલી વ્યૂ’ નામે એમણે એને હોટેલમાં રૂપાંતરિત કર્યું છે.

(નરેશ કાપડીઆ-સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]