અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, ગીર સોમનાથના વેરાવળમાં માત્ર બે કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ માવઠાથી મગ, તલ અને અડદ જેવા ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે વરસેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે…
વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં પલટો
વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કમોસમી વરસાદ શરૂ થયો હતો. લાખણી, દિયોદર અને થરાદ સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ પડતા થઇ શકે ખેતી પાકોને નુક્સાન થવા પામ્યું છે.
ખેડૂતોની ચિંતા વધી
ખેડૂતોની ચિંતા વધીભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને ઘઉં, મગ, તલ, અડદ જેવાં તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને અચાનક આવેલા આ કમોસમી મારને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે.
ગરમીથી રાહત, પણ મુશ્કેલીની શરૂઆત
એક તરફ જ્યાં કમોસમી વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.




