ભાવનગર: શહેરના એક યુવાનને આરોગ્ય સંશોધન માટે 1.90 કરોડની ઇન્ટરનેશનલ ફેલોશિપ મળી છે. જે એક ગુજરાતી માટે ગર્વની વાત છે. ચિત્રલેખા.કોમે જ્યારે આ યુવા ડૉ. મોહિત મહેતા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર સમય વેડફ્યા કરતા મને આ પ્રકારના રિસર્ચ વર્કમાં વધારે રસ હોવાથી હું તે તરફ વળ્યો છું.”
મોહિતને વર્ષ 2023ની વિશ્વવિખ્યાત મેરી સ્ક્લોડોવસ્કા ક્યુરી ફેલોશિપ મળી છે. યુરોપિયન કમિશન બેલ્જિયમ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં સંશોધન કરવા માટે આ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ આપવામાં આવે છે. તેમના સંશોધનનો મુખ્ય હેતુ કોઈપણ વ્યક્તિને ઈજા થાય તો ઘામાંથી વહેતા લોહીને તાત્કાલિક બંધ કરવા માટેના બાયો કેમ્પેટિબલ મટિરિયલ તૈયાર કરવાનો છે. ડૉ. મોહિત મહેતાનો ટૂંકો પરિચય આપીએ તો ભાવનગરની સર પી. પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાંથી B.Sc., ભાવનગર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી M.Sc. અને ત્યારબાદ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(CSMCRI)માંથી Ph.D.ની ડિગ્રી મેળવી છે. Ph.D. પછી શું કરી શકાય તેના માટે મોહિતે સર્ચ શરૂ કરી. તો તેમને આ પ્રકારની રિસર્ચ ફેલોશિપ અંગે વધુ માહિતી મળી અને તેમાં એપ્લાય કરવા લાગ્યા.