તસવીરોમાં જુઓ ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકાની કેવી થશે કાયાપલટ?
જામનગર: બેટ દ્વારકાને ભવ્ય ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ જમીન માર્ગે જોડ્યા બાદ આ તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક માહાત્મ્ય ધરાવતી ભગવાન શ્રી કૃષ્ણની પ્રસિદ્ધ નગરીની વૈશ્વિક સ્તરે કાયાપલટ કરવા રાજય સરકારના પ્રવાસન નિગમે આયોજન હાથ ધર્યુ છે.‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના કહેવા મુજબ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આ આયોજનના પ્રથમ તબક્કામાં વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. હાલ, ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ કરી મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાશે. મુખ્યત્વે સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા રસ્તાને એટલે કે દરિયાઈ માર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો રસ્તો અને જાજરમાન દ્વાર બનશે.અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો પણ બનાવામાં આવશે. અન્ય સુવિધાઓમાં મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસેલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે.ત્યારબાદ, બીજા તબક્કામાં અતિ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરના વિકાસનું આયોજન હાથ ધરાશે. મંદિરની સુવિધામાં વધારો કરાશે. તેમજ પાસેના બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ બનાવવામાં આવશે. છેલ્લા અને ત્રીજા તબક્કામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.બેટ દ્વારકામાં આવેલ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ આ બીચ પર પાર્કિંગ, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને બાથરૂમ-ટોઈલેટ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરાશે. આ નોર્થ બીચ પર ટૂરિસ્ટો માટે મનોરંજનની અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે તે માટે સુવિધાઓ ઉભી કરાશે.બેટ દ્વારકાના પ્રખ્યાત હિલ્લોક પાર્કને પણ યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકે તે માટે ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે.