ઢાકા: મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે સાંજે શપથ લેશે. દેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ જમાને કહ્યું કે પ્રો. યુનુસ ગુરુવારે જ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યા છે. આ સાથે જ મોહમ્મદ યુનુસે લોકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે હિંસાનો માર્ગ પસંદ કરીશું તો બધું નાશ થઈ જશે. શાંત રહો અને દેશના પુનઃનિર્માણની તૈયારી કરો.વિદ્યાર્થીઓને અભિનંદન આપતા યુનુસે કહ્યું કે, આ નવી જીતનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી ભૂલોથી વિજયને સરકી જવા ન દો. જનરલ ઝમાને કહ્યું, મને વિશ્વાસ છે કે યુનુસ આપણને લોકશાહીના માર્ગ પર પાછા લાવશે, જેનો લાભ બધાને મળશે. યુનુસને સેનાનું સંપૂર્ણ સમર્થન છે. જનરલ ઝમાને કહ્યું, વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આર્મી ચીફે આશા વ્યક્ત કરી હતી કે ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. ગુનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને દેશના નૌકાદળ અને વાયુસેનાના વડાઓનું સમર્થન છે.
નજરકેદમાંથી મુક્ત કરાયેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા બેગમ ખાલિદા ઝિયાએ બુધવારે ઢાકામાં પાર્ટીની વિશાળ રેલી યોજી હતી. તેમણે અશક્યને શક્ય બનાવવા માટે વિદ્યાર્થીઓ અને જનતાનો આભાર માન્યો હતો. ઝિયાએ કહ્યું કે, દેશનું નિર્માણ ગુસ્સા કે બદલાથી નહીં, પરંતુ પ્રેમ અને શાંતિથી થશે. યુવાનોના જે સપના માટે તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે તેને પૂર્ણ કરવા માટે લોકશાહી બાંગ્લાદેશમાં બનાવવાની જરૂર છે.