તન, મન, ધનનું સુખ ઓછું હોય તો શું?

માણસ આખું આયખું ચાલશે એવું માનીને ભેગું કર્યા કરે છે અને ઘણી વાર તે ભોગવ્યા વિના દેહ ત્યાગી દે છે. સંતોષમાં સાચું સુખ છે તેવી હકારાત્મકતા આપે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે એપાર્ટમેન્ટનો અભ્યાસ કરીએ છે તે લગભગ ચોરસ આકારનો છે. ઉત્તર મધ્ય અને નૈઋત્ય પશ્ચિમમાં બાલ્કની નીકળેલી છે. જેના કારણે આત્મવિશ્વાસ ઓછો થાય, અકળામણ વધે અને ઉગ્રતા આવે. પડવા આખડવાનું પણ બને.

ઇન્દોરમાં એક મકાનમાં આવી સ્થિતિ હતી. તેમને વાસ્તુની ઉર્જા મળતા હવે ઘણું સારું છે. ઘરનું મુખ્ય દ્વાર પશ્ચિમ મધ્યનું છે, જે સારું ગણાય પરંતુ વાયવ્યમાં બેઠક રૂમ યોગ્ય ન ગણાય. એક બીજાથી નાનીનાની વાત છુપાવવાથી ઉદભવતી સમસ્યા આવે. અહીં બેઠક વ્યવસ્થા વાયવ્ય મુખી છે તેથી નકારાત્મકતા રહે. સાચી વાતની રજૂઆત ખોટા સમયે થાય અને વાતાવરણ બગડે. ઘરના ઉત્તર તરફ રૂમના ઈશાનમાં માછલી ઘર છે. મોટા જળાશયમાં રહેવા ટેવાયેલી માછલીઓને એક નાની કાચની પેટીમાં પુરી દેવાથી હકારાત્મકતા આવે ખરી? માછલીઘર રાખવાની વાત ભારતીય વાસ્તુનો ભાગ નથી. તેથી તે કાઢી નાખવાની સલાહ છે. ઉત્તર મધ્યમાં આવેલી બાલ્કનીને કારણે રૂમનો ઈશાન ત્રાંસો બન્યો છે જે હૃદયને લગતી સમસ્યા આપી શકે. ટોયલેટ ઉત્તરમાં છે, જે નકારાત્મક ગણાય. દવાઓ પાછળ ખર્ચ થયા કરે અને તણાવ રહે.ઈશાનમાં બેડરૂમ છે અને રૂમના ઈશાનમાં કબાટ છે જે હૃદયને તકલીફ પડે તેવા સંજોગો આપે. અહીં ધન રાખવાની વ્યવસ્થા હોય તો ધન સંચય ન થાય. પલંગ પર દક્ષિણ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા છે જે બદલવી જરૂરી છે. પૂર્વ મધ્યનું ટોયલેટ માનસન્માન ઓછું થાય તેવા સંજોગો આપે. અગ્નિના બેડ રૂમમાં યુગલે ન રહેવાય. તેમને એક બીજા સાથે ફાવે નહિ અને એક બીજા વિના ચાલે નહિ તેવી વિચિત્ર સ્થિતિ સર્જાય અને દ્વિધા વાળું જીવન મળે. અહીં પણ દક્ષિણ તરફ માથું રાખીને ન સુવાની સલાહ છે. દક્ષિણમાં દાદરો હોઈ શકે પણ દાદરા નીચે ડાયનિંગ ટેબલ ન હોય તો સારું. ટેબલ બ્રહ્મથી નજીક છે તેથી ઘરના બધા જ સભ્યો એક સાથે જમતા હોય તેવા સંજોગો ઘટે. નૈઋત્યમાં રસોડું અને દક્ષિણ મુખી રસોઈ. ઘરની નારી ને તન, મન, ધનના સુખમાં અડચણ આવે. અકળામણ વધે. પગ દુખે અને ગુસ્સો નાક પર રહે. વળી ચોકડીની જગ્યા પણ ખોટી છે અને નૈઋત્ય પશ્ચિમનું દ્વાર પણ ઘરમાં મન ઓછું લાગે તેવી ઉર્જા આપે. બ્રહ્મમાં વધુ દરવાજા ખુલે તે સારું ન ગણાય. આમ તન, મન, ધનનું સુખ ઓછું હોય તેવી સ્થિતિ છે પણ તેનાથી ગભરાઈને તોડફોડ કરવાની કે ઘર ખાલી કરવાની જરૂર નથી.ભારતીય વાસ્તુમાં આજ જગ્યાએ વધારે સારી ઉર્જાથી જીવવા માટેના નિયમો છે. સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઈશાનના બેડરૂમમાં તાંબાના વાસણમાં ગુલાબ રાખવા, બેઠક રૂમમાં ચાંદીના વાસણમાં સફેદ ફૂલ અને ગુલાબની પાંદડી રાખવા. રસોડાના ઈશાનમાં તાંબાના વાસણમાં ગાળેલું પાણી રાખવું. દર ગુરુવારે મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવી દેવું જોઈએ. ઘરમાં ગુગલ જાસ્મીનનો ધૂપ કરવો. પાણિયારે ઉભી વાટનો ઘીનો દીવો કરવો. શનિવારે હનુમાનજીના મંદિરે આખું નારિયેળ રમતું મૂકી નાના બાળકોને બિસ્કિટ ખવરાવી દેવા. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીનો અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા. સ્ત્રીએ ગાયત્રીમંત્ર કરવા.

હકારાત્મક ઉર્જાના નિયમો એટલે વાસ્તુ નિયમો છે.