ટેરો કાર્ડસની રહસ્યમય સફર: ભાગ ૧

વિષ્ય જાણવા માટેની અનેક પદ્ધતિઓ દુનિયાભરમાં અનેક રીતે વિકાસ પામી છે. તેમાં વધુ પ્રચલન પામેલી પદ્ધતિઓમાં ગ્રહો દ્વારા થતી આગાહીઓ જેને જ્યોતિષ કહીએ છીએ, કાર્ડ્સ દ્વારા ભવિષ્ય જાણવાની પદ્ધતિ જેમ કે ટેરો, કુદરતના સંકેત ભૂમિ પર જાણવાની વિદ્યા એટલે કે રમલ શાસ્ત્ર (જે જીઓમેંસી તરીકે પણ પ્રચલિત છે) તથા અંકોની માયાજાળને ઉકેલવાની વિદ્યા એટલે કે ન્યુમેરોલોજી ખૂબ ચાહના પામ્યા છે. આ શાસ્ત્રો દ્વારા અનેક તજજ્ઞોએ સમયાંતરે વારંવાર સચોટ ભવિષ્યવાણીઓ કરી છે. ટેરો કાર્ડ્સ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર પડેલ પ્રેરણાને શબ્દો આપી શકે છે. વ્યક્તિની અંદર રહેલી ઈચ્છાઓ અને ઊંડે પડેલી લાગણીઓને ટેરો કાર્ડ્સ અત્યંત સુંદર રીતે વ્યક્તિ સમક્ષ લાવી મુકે છે. ટેરો કાર્ડ્સ જીવનમાં સમયાંતરે માર્ગદર્શન મેળવવા અને અજાણ્યા માર્ગને અનુભવવા ઉત્તમ માધ્યમ છે. ટેરો કાર્ડ્સ દ્વારા થતા રહસ્ય ઉદઘાટન ઘણીવાર આશ્ચર્ય પમાડે તેટલા સત્યની નજીક હોય છે.

આજે આપણે દુનિયાભરમાં ઊંડી લોકચાહના પામેલા રહસ્યમય કાર્ડસ ટેરોની સફર કરીશું. ૨૨ કાર્ડ્સ જે મુખ્ય કાર્ડ્સ છે, તેને મેજર અર્કેના કે ટ્રમ્પ કાર્ડ્સ પણ કહે છે. આ ૨૨ કાર્ડ્સ જીવનના મહત્વના અનુભવો, ખૂટતી કડીઓ, વ્યક્તિઓ અને દિશા બદલનારી ઘટનાઓને દર્શાવે છે. આ ૨૨ કાર્ડ્સ મહત્વના કાર્ડ્સ છે તેમાં લવર્સ, ડેવિલ, એમ્પરર, ટાવર, ડેથ, સન અને વર્ડ જેવા મુખ્ય કાર્ડ્સ જીવનના મહત્વના વિષયો અને મુખ્યત્વે જે પ્રશ્ન ને લઈને કાર્ડ્સ વંચાય છે તે પ્રશ્નને વધુ અસરકર્તા છે. ફક્ત મેજર અર્કેનાના કાર્ડ્સ વડે પણ માર્ગદર્શન લઇ શકાય છે. દસ ગ્રહો અને બાર રાશિઓનો સમાવેશ મેજર અર્કેનાના કાર્ડ્સમાં થઇ જાય છે.બીજા ૫૬ કાર્ડ્સ એટલે કે માઈનર અર્કેના, જે જીવનના રોજબરોજના અનુભવો અને મોટી ઘટનાઓને બદલતા પરિબળોને દર્શાવે છે. તેમાં અગ્નિ, પૃથ્વી, વાયુ અને જલ તત્વોને સમાવિષ્ટ કરી લેવાયા છે. વેંડસ એટલે અગ્નિ તત્વ, કપ્સ એટલે જળ તત્વ, સ્વોર્ડસ એટલે વાયુ તત્વ અને પેન્ટકલ્સ એટલે પૃથ્વી તત્વ. જ્યોતિષના જાણકાર વ્યક્તિઓને ટેરો કાર્ડ્સ અચૂક રીતે મદદરૂપ થઇ શકે છે. તમારા પ્રશ્નને અનુરૂપ તત્વ જો કાર્ડ્સ રીડીંગ સમયે દેખાય તો તે પ્રશ્નને વધુ બળવાન કરે છે. મેજર અર્કેનાના ૨૨ અને માઈનર અર્કેનાના ૫૬ મળીને કુલ ૭૮ કાર્ડ્સનો સેટ, જીવનના તમામ અનુભવો અને માનસિક ચિત્રોને રજૂ કરે છે. મશહુર વિચારક સી જે જંગના શબ્દોમાં કહીએ તો એવી કોઈ ઘટના નહીં હોય કે જે ટેરો વર્ણવી ના શકે. એવો કોઈ માનવીય અનુભવ પણ નહિ હોય કે જે ટેરો કાર્ડ્સમાં ના હોય.

ટેરો કાર્ડ્સના મતલબ તેના ચિત્રો, રંગ, પાત્રો, અંકશાસ્ત્ર, તત્વ, રાશિઓ, ગ્રહો તમામ સાથે સંકળાયેલ છે. દરેક કાર્ડ કોઈ અંક, ઘટના, અનુભવ, ગ્રહ અને રાશિની સાથે સંકળાયેલ છે. જેમ કે બાર રાશિઓ નીચે મુજબ ટેરો કાર્ડ્સમાં સ્થાન પામી છે:

ટેરો અને રાશિઓ:

મેષ રાશિ: ધ એમ્પરર ૪ નંબરનું કાર્ડ; નેતૃત્વશક્તિ, તાકાત.

વૃષભ રાશિ: ધ હિરોફંટ ૫ નંબરનું કાર્ડ: જ્ઞાન અને રૂઆબ.

મિથુન રાશિ: ધ લવર્સ ૬ નંબરનું કાર્ડ: માનવીય સંવાદ.

કર્ક રાશિ: ધ શેરીઓટ ૭ નંબરનું કાર્ડ: માનવીય ઉત્સાહ અને લાગણીઓ.

સિંહ રાશિ: સ્ટ્રેન્થ ૮ નંબરનું કાર્ડ: શક્તિ અને નિયંત્રણ.

કન્યા રાશિ: ધ હરમીટ ૯ નંબરનું કાર્ડ: ફિલોસોફી અને વાસ્તવિકતા.

તુલા રાશિ: જસ્ટીસ ૧૧ નંબરનું કાર્ડ: ન્યાયસૂચક, સાચો માર્ગ.

વૃશ્ચિક રાશિ: ડેથ ૧૩ નંબરનું કાર્ડ; પરિવર્તન.

ધન રાશિ: ટેમ્પરન્સ ૧૪ નંબરનું કાર્ડ: આવડત, ધીરજ.

મકર રાશિ: ધ ડેવિલ ૧૫ નંબરનું કાર્ડ: બંધન, વ્યસન અને ભૌતિકતા.

કુંભ રાશિ: ધ સ્તર ૧૭ નંબરનું કાર્ડ: આશા, પ્રેરણા અને દિશા.

મીન રાશિ: ધ મૂન ૧૮ નંબરનું કાર્ડ: રહસ્યો, સુષુપ્ત અવસ્થા, કલ્પના.

ઘણા લોકો ટેરો કાર્ડ્સને મુશ્કેલ વિષય માને છે, ટેરો કાર્ડ્સનો અનુભવ તેનાથી વિપરીત છે. ટેરો કાર્ડ્સ સરળ અને ઉત્સાહ પ્રેરક માધ્યમ છે, તે તમને પ્રેરણા, સલાહ અને સૂચના પણ આપી શકે છે. જયારે તમે તેને સમજશો તો તમે તેના ચાહક થઇ જશો અને તેની સરળતાથી આનંદિત થઇ જશો. માનવું અઘરું લાગશે પણ ટેરો કાર્ડ્સ દ્વારા પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. મારો પ્રેમ સાચો છે કે નહીં? હું અત્યારે સાચી દિશામાં કાર્ય કરી રહ્યો છું? મને સાચી શાંતિ કેવી રીતે મળી શકે? મને સફળતા કઈ રીતે મળી શકે? મારા સ્વભાવમાં મારે શું પરિવર્તન લાવવું જોઈએ? આ પ્રકારના અનેક પ્રશ્નો જે આંતરમન અને માનવીય લાગણીઓને સ્પર્શે છે, તેને ટેરો કાર્ડ્સ દ્વારા ઉકેલી શકાય છે.

તમે જે કાર્ડ્સ ડેક સાથે રોજ રીડીંગ કરતા હોવ તે કાર્ડ્સ ધીરે ધીરે જાણે તમને ઓળખતા હોય તેમ તમને સંકેત આપતા થઇ જશે. તમારા મનની વાત કાર્ડ્સ દ્વારા તમે સરળતાથી અભિવ્યક્ત થતી જોઈ શકશો. તમે તમારી ઊંડી ચેતના અને અનુભવને બહાર લાવી શકો છો. તમારું અચેતન મન અને ચેતન મન વચ્ચે ખૂટતા સંવાદને તમે કાર્ડ્સ દ્વારા મેળવી શકો છો. કાર્ડ્સના દ્રશ્યો તમારા આંતરિક મનમાં એક સેતુ રચે છે, તમે આવનારી ઘટનાને કાર્ડ્સ સાથે સરખાવો છો, આ કાર્ડ્સ નહીં પણ તમારું અર્ધજાગ્રત મન છે જે કાર્ડ્સમાં ભવિષ્યને જોઈ લે છે. તમે જે કાર્ડ્સ ખેંચ્યા તે જ વિધિના લેખ અને તેનો અર્થ એ જ અગમ્ય વિશ્વનો સંકેત.

વિચારપુષ્પ: ઘર કરતા દરવાજો નાનો હોય છે, દરવાજા કરતા તાળું નાનું હોય છે, તાળાં કરતા ચાવી નાની હોય છે. ચાવી સૌથી નાની છે પણ તેના દ્વારા આખા ઘરમાં જઈ શકાય છે. નાનો, સાચો અને સુંદર વિચાર પણ ક્યારેક આખા જીવનને સાચી દિશા આપી શકે છે.