ધન અને પ્રતિષ્ઠા માટેની હોડમાં ભાગતો માણસ એક દિવસ પાછળ જુએ છે ત્યારે ઘણું બધું પાછળ છૂટી ગયેલું લાગે છે. સંતોષથી સુખની પ્રક્રિયા માટેની ઉર્જા મળે છે વાસ્તુ નિયમો થકી. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છે, તેનો પ્લોટ લંબચોરસ છે. આના કારણે ઘરમાં પ્રેક્ટિકલ વિચારધારા હોય. પ્લોટની એન્ટ્રી નૈઋત્ય પશ્ચિમની છે. પશ્ચિમ અને ઉત્તરની દીવાલો કોમન છે. જેના કારણે ઘરમાં મન લાગે નહિ. નારીને અસંતોષ રહે અને પુરુષનો આત્મવિશ્વાસ ઘટે તેવું બને.
આ ઘરમાં રહેવાનું મન ઓછું થાય અને ઘર ખાલી કરવાના વિચારો પણ આવે. લંબચોરસ મકાનમાં દક્ષિણ મધ્યમાં ગોળાકાર ભાગ બહાર નીકળ્યો છે, જે યોગ્ય ન ગણાય.ઘરનું મુખ્ય દ્વાર નૈઋત્ય દક્ષિણમાં છે. જે ઘરના બીજા નંબરના દીકરા માટે યોગ્ય ન ગણાય. નૈઋત્ય પશ્ચિમમાં જ પેસેજ છે, જે ઘરની અંદરની જગ્યા સાથે મુખ્ય દ્વારને જોડે છે. જે ખાલીપાની લાગણી ઉભી કરે. જે અન્ય નકારાત્મક બાબતોને વધારવામાં મદદ કરે. ઘરમાં લિવિંગ રૂમ વાયવ્યમાં હોય, ત્યારે જે વાત જે સમયે કહેવી જરૂરી હોય ત્યારે ન કહેવાય અને જયારે કહેવાય ત્યારે તેનું રૂપ બદલાઈ ગયું હોય. આના કારણે સમસ્યાઓ વધતી જાય. ટીવીની જગ્યા યોગ્ય છે, પણ બેઠક વ્યવસ્થા અગ્નિ તરફ ફોકસ થાય છે. જેના કારણે ઘરમાં કોઈનો સ્વભાવ વધારે અપેક્ષાવાળો થઇ જવાથી ઘરનું વાતાવરણ બદલાયા કરે.
ઈશાનમાં રસોઈઘર હોય ત્યારે નારીને પગના નીચેના ભાગમાં તકલીફ થાય અથવા તો હૃદયને તકલીફ થવાથી સ્વભાવ ચિડચીડીઓ થઇ જાય. વળી રસોડામાં જવા માટે આખું ઘર ફરીને બહારથી જવું પડે છે, તેના માટે ઘરમાંથી કોઈ એન્ટ્રી હોય તો સારું પડે. રસોડામાંથી બહાર જવાનો દરવાજો યોગ્ય છે. પૂર્વમાં વધારે ઓપનિંગ છે તે પણ ઘરની હકારાત્મક ઉર્જા માટે સારું ગણાય. અગ્નિમાં યુગલ માટેનો બેડરૂમ ન રખાય. આ જગ્યાએ બેડરૂમ હોય તો એક બીજા સાથે ફાવે નહિ અને એકબીજા વિના ચાલે નહિ જેવો સંબંધ રહે. જેના કારણે નાનીનાની બાબતોમાં ચર્ચાઓ વધી જાય. અહીં ઉત્તરમાં કબાટો છે જે યોગ્ય નથી અને જો તેમાં પૈસા રાખતા હોય તો તિજોરી દક્ષિણ તરફ ખુલતી હોવાના કારણે તણાવ વધે. સુવાની વ્યવસ્થા આ જગ્યા માટે યોગ્ય ન ગણાય. દક્ષિણમાં દાદરો હોઈ શકે પરંતુ ગોળાઈવાળો નહિ. તેના કારણે માન ઘટે. બ્રહ્મમાં વજન હોવાથી મન પર ભાર રહે. દક્ષિણથી નૈઋત્યની વચ્ચે સંડાસ બાથરૂમ આવેલા છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. આમ આ ઘરમાં રહેવા કરતા તે છોડી દેવાની ઈચ્છા વધારે રહે. ઈશાનમાં પાણીની ટાંકી જમીનની ઉપર છે જેના કારણે શરદીના લીધે માથું દુખે અને તણાવ પણ રહે.ભારતીય વાસ્તુના નિયમોમાં સરળ રીતે હકારાત્મક ઉર્જા વધારવાના નિયમો આપવામાં આવેલા છે. સર્વપ્રથમ તો સૂચન પછી ના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરી અને ઈશાનમાં પાંચ તુલસી, નૈઋત્યમાં સેવન, અગ્નિમાં ત્રણ ફૂલ દાડમ વાવી દેવા જોઈએ. બુધવારે પાણી, દૂધ ,પંચામૃત, દહીંમાં કાળા તલ, પાણીથી અભિષેક કરવો. લિવિંગ રૂમમાં ભૂરા સીરામીકના વાસણમાં ગુલાબની પાંદડી અને બેડરૂમમાં કાચના વાસણમાં મોગરા અને ગુલાબ રાખવા. ઘરમાં ગુગલ, ચંદન, મટ્ટીપલનો ધૂપ કરવો. ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવું.
સાચા સુખની પ્રતીતિ કરાવે છે હકારાત્મક ઉર્જા જે મળે છે વાસ્તુ નિયમો થકી.