શું કહે છે ગ્રહો? મે માસમાં થનાર ગ્રહોના રાશિ પરિવર્તન પર એક નજર

મે માસમાં ૧૫મી તારીખે સૂર્ય વૃષભ રાશિમાં જશે, ૧૪ જુન સુધી સૂર્ય વૃષભ રાશિમાં રહેશે. બુધ ૦૯ મે ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી ગયો છે અને તે ૨૬ મે સુધી બુધ મેષ રાશિમાં રહેશે. ૧૪ તારીખે શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે ૦૮ જુન સુધી શુક્ર મિથુન રાશિમાં રહેશે. ૦૨ મે ના રોજ મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. મંગળનો મકર રાશિમાં રહેવાનો સમય લાંબો ચાલશે, ૦૬ નવેમ્બરે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. હાલના ગ્રહોની સ્થિતિ જોતા, મંગળ અને બુધ કેન્દ્ર યોગ રચે છે (સ્ક્વેર એસ્પેક્ટ). આ એક જ યોગ બુધ અને મંગળ શાસિત રાશિઓના જાતકો માટે પરિવર્તન સાથે પડકાર આપી શકે, પરંતુ આ યોગ તકો પણ આપશે. મિથુન, કન્યા, મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે હાલના ગ્રહો વધુ મહેનત સાથે નવી તકોનું સર્જન કરશે. વિદ્યાર્થી વર્ગને આ સમય દરમ્યાન અભ્યાસની પદ્ધતિમાં ફેરફારનો સામનો કરવો પડી શકે.

ધનમાં વક્રી શનિ અને મકરમાં મંગળ કેતુ, ધન અને મકર રાશિના જાતકોનો આ સમય મહત્વનો બનાવે છે, તમે જે નિર્ણયો કરશો તેની અસર નજીકના ભવિષ્ય પર વધુ અનુભવાશે. ધન અને મકર રાશિના જાતકો વ્યવસાય અને રોજગારમાં ઝડપથી આગળ વધી શકશે, તમારી મહેનત તમને લાંબાગાળે સફળ ભવિષ્ય માટે ચોક્કસ સાથ આપશે. નોકરીમાં બદલાવ આવે તેની ચિંતા રહેશે, પણ પરિણામ શુભ રહેશે. પડકાર જનક સમયમાં નવસર્જન થતું હોય છે, માટે મન શાંત રાખી પોતાના કાર્ય પર અડગ રહેવું.મેષ: મેષ રાશિમાં બુધ આવશે, મંગળ અને કેતુ દસમે રહેશે, પહેલે બુધ પર મંગળની દ્રષ્ટિ રહેશે. બૌદ્ધિક કાર્યો અને શારીરિક બાબતોમાં તમે વધુ ધ્યાન આપશો. મન અને બુદ્ધિ બન્ને ખુબ ગતિ કરે, તમારે ખોટા વિચારોથી બચવું પડશે. વ્યવસાયમાં ખુબ આગળ વધશો, તેની માટે તમે ખુબ જોર લગાવી દેશો, ગ્રહો તમને ખુબ સાથ આપશે.

વૃષભ: સૂર્ય વૃષભ રાશિમાં આવશે, શુક્ર બીજે આવશે, સૂર્ય પહેલે આવતા તમારું શારીરિક બળ વધે. તમે રોગોમાંથી જલ્દી સાજા થાઓ. આ મહિના દરમ્યાન તમે પિતા અને ઉપરી વર્ગનો સહકાર પામશો. તમારી પોતાની આવડત અને અન્ય લોકો પર તમારો પ્રભાવ વધે. શુક્ર બીજે હોતા કુટુંબમાં એકાદ શુભ ઘટના બને, પ્રેમમાં સફળતા મળે.

મિથુન: મિથુન રાશિના જાતકોને બુધ લાભ ભાવે આવતા સામાજિક કાર્યોને વેગ મળે. આવક વધી શકે, વ્યવસાયમાં અટકેલા નાણા જલ્દી હાથમાં આવે તેવું બને. મંગળ આઠમા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે, મંગળ શારીરિક રીતે વ્યાધિ આપે પણ વ્યાધિ અચાનક આવી શકે અને લાંબી ના ચાલે જલ્દી રોગમુક્તિ થાય. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે, મન શાંત રાખવું પડે.

કર્ક: કર્ક રાશિના જાતકો માટે બુધ દસમ ભાવે આવશે, મંગળ સપ્તમ સ્થાનમાં છે, આ સમય દરમ્યાન તમે વ્યવસાયમાં ખુબ પ્રગતિ કરશો, સંબંધોમાં ઉતારચઢાવ આવી શકે, તમને નોકરીમાં કે કાર્યક્ષેત્રે સમયનો અભાવ અનુભવશો, અનેક કાર્ય એક સાથે આવી શકે. નજીકના સ્થળે મુલાકાત અને પ્રવાસથી તમને આનંદ મળે. સૂર્ય લાભ ભાવે પિતા તરફથી લાભ આપે છે.

સિંહ: સૂર્ય દસમે નોકરી અને કાર્યમાં થોડો સમય તકલીફ આપી શકે, તમારા વધતા પ્રભાવથી અન્ય લોકો તમારી ઈર્ષ્યા કરે તેવું બની શકે. છઠે મંગળ વાદ-વિવાદથી બચીને ચાલવા કહે છે. મંગળ અને કેતુ છઠે તમને વાહન અને મશીન સાથે કાર્યમાં ખોટી ઉતાવળથી બચવા સુચન કરે છે. બુધ નવમે છે, ધાર્મિક યાત્રા કે આધ્યાત્મિક બાબતો તમને લાભદાયી બને.

કન્યા: બુધ આઠમા ભાવે આવશે, શુક્ર દસમે આવશે, મંગળ પાંચમે આવશે, બુધ આઠમે આવતા શારીરિક અને માનસિક વ્યાધિ વધે, કાર્યોમાં નિરાશા મળી શકે. દસમો શુક્ર સ્ત્રી વર્ગથી લાભ સૂચવે છે. પત્ની દ્વારા મહત્વના કાર્યમાં મદદ થઇ શકે, આર્થિક બાબતોમાં મદદ મળે. પાંચમે મંગળ સંતાનોને કષ્ટ સૂચવે છે. સંતાન બાબતે કોઈ કાર્ય હોય તો સત્વરે હાથ પર લેવું.

તુલા: તુલા રાશિમાં વક્રી ગુરુ શુભ છે, શુક્ર નવમે આવશે જે શુભ છે, બુધ સાતમે આવશે લગ્ન ઈચ્છુક જાતકોને આ સમય દરમ્યાન લગ્ન બાબતે નિર્ણય થઇ શકે. ચોથા ભાવે મંગળ ઘરમાં ખર્ચ આપી શકે. વાહનમાં ખર્ચ થઇ શકે. માતા પક્ષે થોડી વધારે કાળજી લેવી પડી શકે. સૂર્ય આઠમા ભાવે છે, સૂર્યને અષ્ટમ દોષ નથી લાગતો છતાં નોકરીમાં વધુ ધ્યાન આપવું.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમ્યાન ખુબ લાભ થઇ શકે, મંગળ ત્રીજા ભાવે શુભ છે. સૂર્ય સપ્તમ ભાવે સંબંધોનું મહત્વ વધારશે, કુટુંબમાં સંબંધો વધે મનમેળ વધે તેના પ્રયત્ન કરવાથી લાભ થાય. બુધ છઠે રોગમાંથી મુક્તિ આપી શકે, આવક ઘટાડશે પણ શરીર સુખાકારી વધશે. બૌદ્ધિક કાર્યોને લીધે થાક અને પરેશાની રહે. બારમાનો સ્વામી શુક્ર આઠમે લાભ આપશે.

ધન: ધન રાશિમાં શનિ વક્રી થતા માનસિક અભિગમ બદલાય, આશાઓ અને અપેક્ષાઓનો દોર ચાલુ થાય. નોકરીમાં થોડાક માટે મોટા કામ અટકેલા રહે તેવું બને. આ સમય દરમ્યાન શુક્ર સાતમે પત્નીને તકલીફ અને વ્યાધિ આપી શકે. મંગળ બીજા ભાવે વ્યવસાયમાં પ્રગતિ આપશે, ખોટા ખર્ચથી બચવું પડે. બુધ પાંચમે સટ્ટાકીય બાબતોથી સંભાળવા સુચન કરે છે.

મકર: મંગળ પહેલા ભાવે આવશે, માનસિક ગતિવિધિઓ વધશે. કાર્ય બાબતે શુભ છે પણ આ સમય દરમ્યાન શાંતિ મળે નહિ. માથાના ભાગે તકલીફથી બચવું. સૂર્ય પાંચમાં ભાવે મધ્યમ છે, કાર્યમાં વિઘ્ન આવે પણ વિઘ્ન લાંબો સમય રહેશે નહિ. પોતાની બુદ્ધિ પૂર્વક કરેલા કાર્યમાં તમને સફળતા મળશે, અન્યના દોરવાયા કોઈ બાબતે વધુ ખર્ચ કરવાથી બચવું.

કુંભ: શુક્ર પંચમ ભાવે આવશે, શુક્ર અહી શુભ ફળ આપશે. જે ચીજમાં તમને ભય હોય તેમાં તમે આસાનીથી સફળ બનશો. માતાપક્ષે તકલીફ દુર થશે. મંગળ બારમાં ભાવે શુભ રહેશે, ખોટા ખર્ચ પર કાબુ આવશે. બુધ ત્રીજા ભાવે તમને લેખન અને ટૂંકા પ્રવાસથી લાભ જણાવે છે. નાની મુલાકાતથી મોટા કાર્ય સિદ્ધ થાય તેવા પ્રસંગ બની શકે.

મીન: મીન રાશિનો સ્વામી આઠમે ભાવે ભ્રમણ કરી રહ્યો છે, ગુરુ વક્રી થતા અને મંગળ લાભ ભાવે આવતા મને અણધાર્યા લાભ થઇ શકે. સીધી રીતે સિદ્ધ ના થઇ શકે તેવી બાબતોમાં તમે કુદરતી સહાય મેળવો તેવું બને, ધીરજ રાખવી પડશે. ખોટી માહિતીને લીધે કાર્યમાં વિઘ્ન આવી જાય તેવું બને. શુક્ર ચોથા ભાવે ઘરમાં અને વાહનમાં વધુ ધ્યાન આપવાનું સુચન કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]