વાસ્તુની મદદથી આત્મવિશ્વાસ પરત લાવી શકાય?

એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.

આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.

કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની આજે શરૂઆત કરીએ છીએ. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે. 

વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…

સવાલઃ લાંબા લોકડાઉનના લીધે અમારા ઘરમાં બધાનો આત્મવિશ્વાસ ઓછો થઇ ગયો છે. આંતર કલેશ પણ વધ્યા છે. નાની નાની વાતમાં મન ઊંચા થઇ ગયા છે. અને જીવવામાં મજા નથી આવતી. અમારા ઘરનું દ્વાર પૂર્વમાં મધ્યમાં છે. બેડરૂમ અગ્નિમાં છે અને બ્રહ્મમાં સ્ટોર છે. કોઈના કહેવાથી ઈશાનમાં સેવનનું ઝાડ વાવ્યું છે પણ એના પછી તકલીફો વધી છે. અમારી સમસ્યાનું કોઈ સમાધાન હોય તો જણાવવા વિનંતી.

જવાબઃ બહેન, કુદરતનું સાનિધ્ય હમેશા આપણી ઉર્જામાં વધારો કરે છે. લોકડાઉન દરમિયાન તમે ફ્લેટમાં નાની જગ્યામાં રહ્યા તેથી તમારો કુદરત સાથેનો સંપર્ક ઓછો થઇ ગયો. બ્રહ્મમાં સ્ટોર આવતો હોય તો તે આત્મવિશ્વાસ ઓછો કરી શકે. ઈશાનમાં કોઈ પણ

ઊંચું વૃક્ષ ન વવાય. ઇશાન દિશાના દોષના લીધે ઘરમાં એવા સંજોગો ઉદ્ભવે જે હૃદયને ન ગમે. આપ અગ્નિના બેડરૂમમાં સૂવો છો. જો કોઈ યુગલ આ જગ્યાએ રહેતું હોય તો એમને નાની નાની વાતમાં ચર્ચા થઇ જાય. આ બધું જ તમારી સાથે થઇ રહ્યું છે.

પણ એનાથી હતાશ થવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાનો હલ છે. અને હા, કોઈ તોડફોડ કરવાની જરૂર નથી. તમારા ઘરના ઈશાનમાં પાંચ તુલસી વાવી દો. તમારા બેડરૂમની દક્ષિણની દીવાલ પર કેસરી રંગ લગાવી દો અને ઘરમાં ગુગળનો ધૂપ

ફેરવો. બ્રહ્મમાં સંધ્યા સમયે સફેદ બલ્બ ચાલુ રાખો. મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરો. આપને ચોક્કસ સારું લાગશે. ભારતીય વાસ્તુ નિયમો માનવ જાતિને મદદ કરવા માટે રચાયેલા છે. તેથી તેને યોગ્ય રીતે સમજવા જરૂરી છે.

સવાલઃ મને કોઈએ નૈરુત્યમાં પત્થરનો પહાડ બનાવવાનો કહ્યો છે, પણ બજેટ બહુ મોટું થઇ જાય છે. તો એ પહાડ બનાવ્યા વિના ન ચાલે?

જવાબઃ ભાઇશ્રી, ભારતીય શાસ્ત્રોની ગૂઢતાને સમજ્યા વિના જયારે તેનો વિચાર કરીએ ત્યારે આવી વાતો જાણવા મળે. જમીનની દક્ષિણ પશ્ચિમ દિશામાં પહાડ હોય તો સૂર્યના નકારાત્મક કિરણો ઘરમાં સીધા ન આવે અને ઘરમાં પરાવર્તિત કિરણો વધારે આવે.

તેથી આવી જમીનને સારી ગણાય. પણ એનો અર્થ એ પણ નથી કે નૈરુત્યમાં પહાડ ન હોય એવી જમીન ખરીદાય જ નહીં. કે પછી જો જમીન પર પહાડ ન હોય તો ત્યાં પહાડ બનાવવો જ પડે. જેમ કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ નથી તો તે ખરાબ છે એવું ન માની લેવાય

એમ જ જમીન માટે પણ વિચારી શકાય. નૈરુત્યમાં પહાડ ન હોય તો પણ સારી જમીન હોઈ શકે. ખોટી રીતે ગભરાઈ જઇને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી.

આજનું સૂચન: મિત્રો, કેટલીક નાની નાની વાતી જીવનમાં મોટા મોટા ફેરફારો લાવે છે. તમારું દેવસ્થાન જો ઈશાનમાં હોય તો તે સમગ્ર વાસ્તુની ઉર્જામાં વધારો કરી શકે છે. હા, દેવાત્ષણ યોગ્ય રીતે બનેલું હોય અને તેની વ્યવસ્થા યોગ્ય હોય એ જરૂરી છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ-મેઈલઃ vastunirmaan@gmail.com)