વાસ્તુની દ્રષ્ટિએ બેંગ્લૂરુનો વિકાસ, આર્થિક ઉન્નતિનું કારણ

જ્યાં ટ્રાફિક તો વધારે છે જ  પરંતુ તેને કંટ્રોલ કરવાની સિસ્ટમ પણ સુંદર રીતે કાર્યરત છે તેવું શહેર એટલે હજારો વર્ષ પહેલાં ઇતિહાસે જેની નોંધ લીધી છે તેવું બેંગ્લુરુ શહેર. એરપોર્ટમાંથી બહાર આવતાં પહેલાં જ તેની હરિયાળીનો અનુભવ થવા લાગે અને ડેવલપમેન્ટ ઉડીને આંખે વળગે તેવું બેંગ્લોર કે બેંગ્લુરુ તેનો ઇતિહાસ સતત બદલતું રહ્યું છે. પશ્ચિમથી વાયવ્યમાં આવેલ ટેકરીઓ કદાચ આના માટે કારણભૂત હોઈ શકે. ઉત્તરમાંથી પસાર થતો જળસ્રોત તેની આર્થિક ઉન્નતિ માટે જવાબદાર ગણી શકાય.ઈસવીસન પૂર્વે ૪૦૦૦ થી લઈને બીજી સદી સુધી આ જગ્યાને પવિત્ર ધામ ગણાતું. સોળમી સદીમાં અહીં જે ઈંટ માટીનો કિલ્લો બન્યો તેની પશ્ચિમ નૈઋત્યમાં જળાશય હોવાના કારણે આ જગ્યાનો ઇતિહાસ વારંવાર બદલાતો રહ્યો. ક્યારેક કોઈને ભેટમાં તો ક્યારેક જીતીને મળ્યું અને સત્તરમી સદીમાં કાસીમખાને તેને વેચી પણ દીધું. ન તો તે ખરીદનાર કૃષ્ણરાજને ફળ્યું કે ના તેના પછી આપમેળે સત્તાધીશ બની જનાર હૈદરઅલીને. હૈદર અલી અને તેના દીકરા ટીપુ સુલતાનને ઇતિહાસમાં સ્થાન અપાવીને આ શહેર અંગ્રેજોને આધીન થઇ ગયું.વિશાળ બગીચાઓની રચના અને શહેરના અન્ય તરફના ડેવલપમેન્ટની અસર તેના વિકાસ પર ચોક્કસ દેખાઈ. પહેલાં માયસોર રાજ્યનું અને ત્યાર બાદ કર્ણાટકનું પાટનગર બનવાનું તેને સન્માન મળ્યું. આના કારણોની સમીક્ષા કરીએ તો નૈઋત્યમાં આવેલું વન, પશ્ચિમમાં આવેલી ટેકરીઓ અને ઈશાન , પૂર્વ અને ઉત્તર તરફ વધારે સંખ્યામાં બનેલા જળાશયોને ગણતરીમાં લેવા પડે.  પણ તે જળાશયોમાં જળ લાવનાર સ્ત્રોતને અવગણી ન શકાય અને એ જે તે નદીઓ દક્ષિણ પશ્ચિમ યા તો દક્ષિણ પૂર્વમાંથી પસાર થાય છે. શહેરની પૂર્વમાં જળ તેને પ્રતિષ્ઠા અપાવે પણ અગ્નિનો જળ સ્ત્રોત નકારાત્મક ગણી શકાય અને તેથી જ અહીં મોટી બીમારીઓ કે હુમલા થયાં હોય તેવું બની શકે.બેંગ્લુરુમાં આઈટીનું ડેવલપમેન્ટ કેમ થયું તેનો પણ વિચાર કરીએ. ઇલેક્ટ્રોનિક સિટી બન્યું આ શહેરના દક્ષિણ અગ્નિના ક્ષેત્રમાં. વાસ્તુના નિયમ પ્રમાણે આ જગ્યા આઈટીના ડેવલપમેન્ટ માટે યોગ્ય છે અને તેથી જ આઈટી ક્ષેત્રનો વિકાસ અહીં ઝડપી થયો. વળી આ વિકાસ પશ્ચિમથી પૂર્વ અને ઉત્તર તરફનો હોવાનો ફાયદો પણ શહેરને મળ્યો. બેંગલુરુમાં પૂર્વ તરફનો વિકાસ ફાયદાકારક હોવાના કારણે પ્રોપર્ટીના ભાવ પણ સારા છે. લગભગ સમથળ જમીન અને પશ્ચિમની ટેકરીઓ ઉપરાંત ઈશાન તરફના જળાશયોના લીધે બહારના લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલ આ શહેર રાજકીય ફલક પર પણ પોતાના કરતભ દેખાડતું રહ્યું છે.

બેંગ્લુરુમાં બહારથી આવેલા વિવિધ પ્રકારના માણસોના સાંસ્કૃતિક પ્રભાવની અસર તેના શિસ્તબદ્ધ જીવન પણ દેખાય છે. પણ એનાથી પર એવું તેનું ડેવલપમેન્ટ તેના ભૌગોલિક ડેવલપમેન્ટને પરાવર્તિત કરતું રહ્યું છે.

ભ્રમણા:

જળાશયની બાજુમાં ઘર હોય તો તે શુભ ગણાય છે. અને જો ઘણાંબધાં જળાશયોની વચ્ચે ઘર હોય તો તે શ્રેષ્ઠ ગણાય.

સત્ય:

ઘરની કઈ દિશામાં જળાશય છે તે જાણવું જરુરી છે. જો દક્ષિણ કે પશ્ચિમ તરફ જળાશય હોય તો તે યોગ્ય નથી. વળી અગ્નિ કે વાયવ્યના જળાશય પણ નકારાત્મક ગણાય છે. ઘણા બધા જળાશયની વચ્ચે ઘર હોય તો વાસ્તુ ઉપરાંત જમીનમાંથી આવતા ભેજની નકારાત્મકતાને પણ નકારી ન શકાય.