ઘર કરતાં બહાર રહેવું સારું લાગે છે? તપાસો

માત્ર પૈસાથી સુખ મળે છે ખરું? અને જો મળતું હોત તો કોઈ પણ પૈસા પાત્ર વ્યક્તિ બીમાર ન પડત. તેને હંમેશા સારા જ અનુભવો થાત અને કદાચ તે અમર પણ હોત. પરંતુ આવું કાંઈ થતું હોય કે પછી થયું હોય તેના કોઈ ઉદાહરણ દેખાતા નથી.જ્યાં પરિવારનું સાનિધ્ય હોય, સંબંધોમાં હૂંફ હોય, ચિંતારહિત જીવન હોય, સંતોષી જીવ હોય, પોતીકા માટે સ્નેહ હોય અને મજાનું જીવન હોય તો તન, મન અને ધનનું સુખ તો એ ઘરમાં હોય જ. આવું જીવન જીવવાની ઊર્જા વાસ્તુશાસ્ત્ર થકી મળી શકે છે.આજે આપણે તુષારભાઈના મકાનનો અભ્યાસ કરીએ. લગભગ લંબચોરસ મકાનમાં નૈઋત્ય પશ્ચિમનું મુખ્ય દ્વાર છે. આ પ્રકારના દ્વારના કારણે ઘરમાં રહેવા કરતા બહાર રહેવામાં વધારે સારું લાગે છે અને તેથી જ ઘર ખાલી કરીને નવી જગ્યાએ જવાના વિચારો અમુક વખતે આવે.  સમગ્ર દક્ષિણમાં લિવિંગ રૂમ છે જેના કારણે ઉગ્રતા, એક્સીડન્ટ યા તો પડવા આખડવાની ઘટના બને. વળી બેઠક વ્યવસ્થા પશ્ચિમ તરફ મુખ હોય તે પ્રકારની છે. જેના કારણે નકારાત્મક વિચારો બધારે આવે. સિલાઈ મશીન અગ્નિમાં દક્ષિણ તરફ મુખ રાખીને વપરાય છે તેથી જે વ્યક્તિ તે વાપરે તેને ગુસ્સો વધારે આવે અને સ્વભાવમાં ચંચળતા આવે. પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી નિંદ્રા નહીં પણ તંદ્રા આવે. કોમ્પ્યુટર પર કામ કરતી વખતે પશ્ચિમ તરફ મુખ રાખવાથી ધાર્યા પરિણામો ન મળે. તિજોરી પશ્ચિમમાં છે અને પૂર્વ તરફ ખુલે છે તેથી તેમાં પૈસા ટકે નહીં. બ્રહ્મમાં પૂજા યોગ્ય નથી. રસોઈઘરનું સ્થાન યોગ્ય ગણાય પણ રસોઈની દિશા યોગ્ય નથી.

ફ્રિજની જગ્યા બરાબર છે. ટોયલેટ પણ યોગ્ય જગ્યાએ છે અને બાથરૂમ પણ. પણ જો આ જગ્યાએ ઓવરહેડ વૉટર ટેન્ક હોય તો તે કફ જન્ય રોગ આપી શકે અને સેપ્ટિક ટેન્ક હોય તો પેટની બીમારી. ઈશાનમાં બેડરૂમ હોય તો ત્યાં રહેવા વાળી વ્યક્તિના વિચારો બંધાઈ જાય છે અને તે પોતાના વિચારો અન્ય સભ્યો પર લાદવા પ્રયત્ન કરે છે જેના કારણે ઘરનું યોગ્ય વાતાવરણ સચવાતું નથી. ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા પણ યોગ્ય ન ગણાય. વૉશિંગ મશીનનું સ્થાન યોગ્ય ન જ ગણાય. તેના લીધે માન સન્માન ને અસર પડે તેવી ઘટના બની શકે. પશ્ચિમની દીવાલ પર અરીસો યોગ્ય ન ગણાય તેથી તેના પર પરદો નાખી રાખવો અને જરૂર પડે ત્યાર પૂરતો જ ખોલવો. જેમ ફોટોગ્રાફ પરથી માણસની યોગ્ય ઓળખ ન  થાય તેવું જ નક્સ પરથી ઘરના અભ્યાસમાં બને છે. મકાન ટ્રાઇ પરિમાણમાં હોય છે અને તેની ઘણી બધી બાબતો નકશામાં દેખાતી નથી. જેમ કે આ નકશામાં બારીઓ દેખાતી નથી.

આજ મકાનમાં હકારાત્મક ઊર્જા મેળવવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબના ફેરફાર કરવા જરૂરી છે. મુખ્ય દ્વાર પર બહારની તરફ શયમવર્ણ ગણેશ અને અંદરની તરફ બેઠેલા શ્વેતવર્ણ ગણેશ લગાવવા. નૈઋત્યમાં બે નારિયેળી વાવવી. પૂનમની આગળની ચૌદસના ખીર બનાવી અને પરિવાર સાથે બેસીને સારા ભાવથી ખાવી. ઘરમાં ગૂગલ મટ્ટીપલનો ધૂપ ફેરવવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત,ચોખા, સરસવ,દહીંમાં કાલા તલ, પાણીથી અભિષેક કરી ચંદનથી ત્રિપુન્ડ કરવું. મહામૃત્યુન્જયના જાપ કરવા. પાણીયારા પર ઉભી વાટનો ઘીનો દીવો કરવો. જ્યાં શાંતિ છે ત્યાં પણ સુખ છે.