શું તમારા ઘરમાં વાયવ્યનો દોષ છે?

એવું બને કે કોઈ સતત માત્ર તમારો જ વિચાર કર્યા કરે? આવો વિચાર રોમાંચક લાગે છે ને? પણ આવું કોણ કરે છે એ જાણ્યા બાદ વિચાર બદલાઈ શકે. જો વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય અને એ વ્યક્તિ આવું કરે તો ગમે. પણ કોઈ નકારાત્મક માણસ આવું કરે તો? તો ડર લાગે. જો કોઈ સુરક્ષા સાથે જોડાયેલી વ્યક્તિ આવું કરે તો? તો વિચાર આવે કે આવું શું કામ કરે છે. જો કોઈ પંચાત કરનાર આવું કરે તો? તો ગુસ્સો આવે? એક જ પરિસ્થિતિ છે પણ દરેક વખતે એની સાથે જોડાયેલી લાગણીઓ બદલાઈ જાય છે. તેથી જ દરેક ક્ષણ અલગ હોય છે. અને દરેક વાત પરિસ્થિતિ આધારિત હોય છે. એ સમજણ કેળવવી ખુબ જ જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોશિયલ કાઉન્સીલર છું. હું લેખ પણ લખું છું. થોડા સમય પહેલા એક વ્યક્તિ અચાનક મારી પાસે આવી અને લડવા લાગ્યો. મને એના વિશે કોઈ જ માહિતી નથી. એનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વરસથી હું માત્ર એની સમસ્યા વિશે લખી અને એને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકું છું. એને એવું લાગે છે કે સમાજમાં એની પર્સનલ વાતો કહીને હું એને હેરાન કરવા માંગુ છું. ત્રણ વરસમાં હજારો લેખ લખાયા હોય. એમાં એક જ વ્યક્તિ વિશે કોણ લખે? અને કોણ લખી શકે? એ માણસ બસ પાછળ પડી ગયો છે. એની પત્ની પણ એની સાથે છે. સોસાયટીના મેનેજરને ફોડીને મારા ઘર સુધી આવી જાય છે. સોસાયટીના લોકો પણ મને વિચિત્ર નજરે જોવા લાગ્યા છે. વળી ચેરમેન પણ કહે છે કે કોઈના વિષે આવું ન લખાય. પૈસા આપીને સમાધાન કરી લો. બધા એને સપોર્ટ કરે છે. મારું પ્રોફાઈલ જોઇને કશું મોટું કરવાનું મન નથી થતું. સમજાતું નથી કે શું કરું?

જવાબ: ત્રણ વરસ સતત કોઈના વિશે લખવું મુશ્કેલ હોય છે. વળી એ વ્યક્તિ છે કોણ કે એના વિશે કોઈ સતત ત્રણ વરસ લખે. આ એક પ્રકારની મનોવિકૃતિ છે. બની શકે કે તમે કોઈને સલાહ આપી હોય અને એના વિરોધી આવું કરાવતા હોય. આ વાતને મહત્વ આપવાનું બંધ કરી દો. કોઈ બદનામ કરવા પ્રયત્ન કરે અને આપણે એ વાતની અવગણના કરીએ એ પણ એક પ્રકારની સફળતા છે. કોઈની સફળતાથી રાજી રહેવાના બદલે દુખી થવા વાળા લોકો સમાજનો ભાગ છે જ.

ભૌતિક્તાવાદી સમાજમાં કોણ કેટલું તમારી સાથે રહેશે એ કળવું મુશ્કેલ છે. તમારી સોસાયટીનું વાતાવરણ તમારા વર્ણન પ્રમાણે યોગ્ય નથી. બની શકે એ લોકો પણ આ ઘટનામાં ભાગીદાર હોય. એટલે કોઈના પર ખોટો વિશ્વાસ રાખવા કરતા કે કોઈનાથી ડરવાના બદલે એ ભાઈને કહો કે તમને જે જગ્યાએ એવું લાગ્યું હોય એ મને ઓફિસીયલી લખીને આપો. તમે આખી ઘટનાની પોલીસને જાણ કરો. એ ખુબ જરૂરી છે. કોઈ પણ સોસાયટી કોઈ બહારની વ્યક્તિની પર્સનલ વાતમાં પાર્ટી ન થઇ શકે. વળી આર્થિક બાબતમાં જો એ લોકો દબાણ કરતા હોય તો એ પણ ગુનો છે. ઘરની બહાર કેમેરા લગાવી દો. અને સોસાયટીમાં લેખિતમાં આપી દો કે મારી રજા વિના કોઈને મારા ઘર સુધી આવવા દેવા નહિ. તમારા ઘરે વાયવ્યનો દોષ છે. પૂર્વ મધ્યમાં દાદરો છે અને નૈરુત્યમાં બાલ્કની. એના કારણે આવું થઇ શકે. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. દરરોજ શિવપૂજા કરો.

સુચન: નૈરુત્ય પશ્ચિમનો દોષ હોય તો કોર્ટ કચેરી થઇ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)