વાસ્તુ: ઉત્તર અને બ્રહ્મનો દોષ પુરુષનો સ્વભાવ શંકાશીલ બનાવે

આપણે વાઘને જોઈએ તો એ અંદરથી પણ વાઘ જેવા જ ગુણધર્મ ધરાવતો હોય. અને ચકલીને જોઈએ તો એ અંદરથી પણ ચકલી જેવી જ હોય. પણ માણસને એના દેખાવને જોઈને ઓળખવો મુશ્કેલ છે. માણસ ઈચ્છે તેવો દેખાઈ શકે છે. પણ ઈચ્છે તેવો થઇ નથી શકતો. માણસને માણસના ગુણધર્મો સાથે જીવવું હોય તો મહેનત કરવી પડે છે. વળી ક્યારેક લોકો માણસના વર્તનથી થાકીને એવું કહેતા પણ હોય છે કે જરાક માણસ થા. આનું કારણ છે કે કુદરતના બધા જીવો એનું નિર્ધારિત કર્તવ્ય પાલન કરે છે. પણ માણસને એ રીતે જીવવું નથી ગમતું. કારણ વિનાનો ભય અને કારણ વિનાની અપેક્ષાઓ એને માણસ બનવા દેતી નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આમ તો અમે ગુજરાતી નથી. પણ બાપ દાદા ગુજરાતમાં આવીને વસ્યા એટલે અમારે ગુજરાતમાં રહેવું પડે છે. એક સારા વિસ્તારમાં સારી સોસાયટી બનતી હતી. એટલે અમે સાથે વ્યવસાય કરતા લોકોએ એક સાથે ત્યાં ઘર લીધા. લગભગ બધા બિનગુજરાતી લોકો. એટલે અમને અમારું વાતાવરણ મળી જતું. થોડા વરસો પહેલા એક માણસ રહેવા આવ્યો. એને ઘણીબધી ભાષા આવડે. એટલે ખબર જ ન પડે કે ક્યાંનો છે. દેખાવે વિદેશી લાગે. અમને લાગ્યું કે એ અમારામાં ભળી જશે. એક દિવસ ડ્રીંક પાર્ટીમાં એને બોલાવવા મેં ફોન કર્યો. “ સત્સંગ મેં આઓગે?’ એણે હા પાડી. અમે ભેગા થયા ત્યારે કહે કે હું નથી પીતો. હવે સત્સંગ કોને કહેવાય એ આવડા મોટા માણસને ખબર ન હોય? એ અમારી બધી વાતો સાંભળી ગયો. અમે એની પાછળ જાસુસ લગાડ્યા તો ખબર પડી કે એ તો ગુજરાતી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તો ગરીબ હોય. એ અમારી સોસાયટીમાં કેવી રીતે આવી શકે? અમને ગુજરાતી લોકો ગમતા જ નથી.

એને અમે ગમે તેટલું કરીએ કોઈ અસર જ નથી થતી. પાણી બંધ કરી દીધું તો બોટલ મંગાવી લે. દૂધ બંધ કરી દીધું તો ચાલીને લઇ આવે. એક વાર તો એની ઉપર બાઈક ચડાવી દીધું તો બાજુમાં ખસી ગયો. બાઈક પડ્યું અને એ બચી ગયો. અમારી સોસાયટીમાં અમે થોડું એવું કામ કરીએ છીએ જે સારા પૈસા અપાવે પણ કાયદાકીય ન હોય. એવું તો આજકાલ બધા કરતા હોય છે. અમને ડર છે કે એ અમને ખુલ્લા પાડી દેશે. કોઈ વાસ્તુ આધારિત વસ્તુ મળે જે એના ઘરમાં મુકવાથી એ ઘર છોડીને જતો રહે?

જવાબ: જો આપને ગુજરાત અને ગુજરાતી લોકો નથી ગમતા તો મન મારીને ગુજરાતમાં શું કામ રહો છે? ગુજરાતમાં પૈસા કમાવ છો. બે પેઢીથી અહી સ્થાયી થયા છો તો પણ જો આ પ્રદેશ માટે સન્માન ન હોય તો તમારે તમારા પ્રદેશમાં પાછા જતા રહેવું જોઈએ. બીજું ગરીબ બ્રાહ્મણ એ માત્ર એક વાર્તાનું પાત્ર છે. દરેક બ્રાહ્મણ ગરીબ નથી હોતો. નારાયણ મૂર્તિ પણ બ્રાહ્મણ છે. એમના પત્ની સુધા મૂર્તિ ઘણાબધા સેવાકીય કાર્ય કરે છે.

તમારી સમસ્યા એ છે કે તમે ભયભીત છો. ખોટું પકડાઈ જશે એના કાલ્પનિક ભયના કારણે તમે આક્રમક બન્યા છો. સત્સંગ જેવા પવિત્ર શબ્દને તમે આવા કામ માટે વાપરો છો અને પાછુ એવું માની લો છો કે ઉમર સાથે બધા આવું જ શીખે એ તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. એ માણસ પોતાનામાં જીવે છે. એટલું પણ તમે સમજી નથી શકતા. તમારે વિચારધારા બદલવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિ સકારાત્મક છે. એમાં કોઈનું નુકશાન કરવાની વાત નથી. એ જ રીતે કોઈને રંજાડવાના નિયમો ભારતીય વાસ્તુમાં નથી. એ માણસની કોઈ મજબૂરી હશે જે તમારી સોસાયટીમાં રહે છે. ગુજરાતમાં આવીને ગુજરાતીને જ બહાર કાઢવાના વિચારો યોગ્ય નથી. તમારો અભિગમ બદલો. બધું બરાબર થઇ જશે.

સુચન: ઉત્તર અને બ્રહ્મનો દોષ પુરુષનો સ્વભાવ શંકાશીલ બનાવે છે.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com