ગરમી તો દર વરસે આવે છે. તો પછી આ વરસે બધાના મગજ આટલા જલ્દી કેમ ગરમ થઇ જાય છે. વળી આ ગરમીમાં ઘણા લોકો પોતાના રોટલા પણ શેકી નાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે કુદરતના વિનાશ સાથે કુદરતની માનવ માટેની સકારાત્મક ઉર્જા પણ ઘટી શકે છે? કે પછી વાતાવરણની ગરમીને જ આપણે મગજ ગરમ થવાનું એક માત્ર કારણ સમજી શકીએ? મોટાભાગે આપણે જે આપણને અનુકુળ આવે છે એ જ કારણને સાચું કારણ માની લઈએ છીએ. જો કે જીવનમાં સરળ કશું જ નથી. સકારાત્મક ઉર્જા એને સરળ બનાવવામાં મદદ કરે છે. ઉત્ક્રાંતિથી લઇ અને અત્યાર સુધીમાં બનેલી દરેક ઘટનામાં ક્યાંકને ક્યાંક કશુક વિશેષ થતું જોવા મળે છે. અને એ વિશેષ શક્તિ એટલે જીવનની ઉર્જા. ઉર્જાનું વિજ્ઞાન એટલે વાસ્તુશાસ્ત્ર.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે આપેલા મેઈલ આઈડી પર પૂછી શકો છો.
સવાલ: શું આપણે ભારતમાં રહીએ છીએ? કેટલા બધા લોકોને બધું જ બેઠા બેઠા જોઈએ છે. પોતાના સપના પુરા કરવા માટે અન્યની મદદ લેવાય છે. સફળ થવા માટે કશું પણ કરાય એવી વિચારધારા પણ પ્રવર્તે છે. અમે નાના હતા ત્યારે જ્ઞાન, પરિશ્રમ અને અનુભવની વાત થતી હતી, હવે સ્માર્ટ વર્ક વેંચાય છે. ઓછી મહેનતે જ કામ થાય એવા ભ્રમમાં કેટલી બધી જગ્યાએ સ્ટાફનું શોષણ પણ થાય છે અને લોકોનો એક બીજા પરનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. ઠગ વિષે જાણવા તો મળે છે પણ પછી બધા નવા ઠગની રાહ પણ જુએ છે. શું વાતાવરણમાં ઉર્જા ઘટી રહી છે? આનો ઉપાય શું?
જવાબ: આપણે ભારતમાં જ રહીએ છીએ. એક ભારત જ્યાં વેદ, ઉપનિષદ અને પુરાણો રચાયા હતા. એજ ભારત જ્યાં જ્ઞાન અને ખુમારી ઓળખ હતી. જ્યાં ધર્મના નિયમો માનવતાવાદી હતા. જ્યાં કર્મને પ્રાધાન્ય અપાતું અને દરેક જીવમાં શિવને જોવામાં આવતા. નવા નિયમોએ લોકોને પાંગળા કરી દીધા. શું સરકાર મદદ ન કરે તો લોકો કામધંધો બંધ કરીને બેસી જાય? કોઈક અકસ્માત થાય તો એનું વળતર સરકારે જ આપવાનું? કોઈ માનવીય ભૂલ કે કુદરતી આફત બધા માટે પણ સરકાર જ? રસ્તા ઉપર દૂધ ઢોળી દેવાનું. મહા મહેનતે ઉગાડેલું અનાજ બાળી મુકવાનું? આવી માનસિકતા નકારાત્મક ગણી શકાય. જગતનો તાત કહેવાતો ખેડૂત કોઈક અલગ માનસિકતામાં આવી ગયો એનું કારણ નકારાત્મક ઉર્જા હોઈ શકે. વળી નવા નિયમોએ ભારતીય વિચારધારાને બદલવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો છે. ભારતમાં તો રાજકારણમાં પણ નીતિ નિયમો હતા. માણસને એનું વાતાવરણ ઘડે છે. અને વાતાવરણ સતત પ્રદુષિત થઇ રહ્યું છે. પણ દરેક રાત પછી એક સવારની આશા હોય છે. નવા યુવાનો કોઈ પણ વાતમાં સવાલો પૂછતા થયા છે. એટલે જ આપણા દેશ માટે આપણે પણ સાચું સંશોધન કરીને જવાબો તૈયાર રાખવા પડશે. કોઈ પણ ઉપજાવી કાઢેલી વાત એમની દિશા બદલી શકશે. ટૂંકમાં પાયાના ફેરફાર જરૂરી છે.
યોગ, પ્રાણાયામ, વ્યાયામ અને યોગ્ય શિક્ષણ ઉપરાંત સ્વ માટેની સમજણ અને યોગ્ય ઉર્જા જરૂરી છે. ફાસ્ટ ફૂડના જમાનામાં અધૂરા જ્ઞાન સાથે લેવાયેલા નિર્ણયો ઘાતક બની શકે. સૂર્યપૂજા, શિવપૂજા આમાં મદદ કરી શકે.
સુચન: સ્વની સમજણ માટે ઈશાનની સકારાત્મક ઉર્જા મદદ કરે છે.
(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )