પેટ્રોલથી ચાલતી ગાડી અને બેટરીથી ચાલતી ગાડીમાં ગ્રીલ તો હોય પરંતુ તેની ડિઝાઇનમાં ફર્ક હોય છે. આવી જ રીતે વિવિધ જગ્યાએ બનતા મકાનો માટે ડિઝાઇન અલગ પ્રકારની હોઈ શકે. જે તે જગ્યાના ક્લાયમેટને આધારે તેનું મટિરીઅલ પણ નક્કી કરી શકાય. આ બધી વાતો પ્રથમ નજરે આર્કિટેક્ચરના નિયમો હોય તેવું લાગે. પણ આ વાતનું સમર્થન આપણને ભારતીય વાસ્તુમાં મળે છે. ગુજરાતમાં નળીયાવાળા અને ઢાળીયા, છાપરાવાળા મકાનો બનતાં. તેનું કારણ સૂર્યના સીધા પ્રકાશથી ઘરને બચાવવાની વ્યવસ્થાનો ભાગ છે. નળીયાની વચ્ચે જે પોલાણ બનતું તે અત્યારે બનતાં મોંઘા ડબલ રૂફનું સરળ સ્વરૂપ હતું.
મકાનને ઠંડુ અથવા વાતાનૂકુલિત બનાવવા માટે ખર્ચાળ પદ્ધતિઓ આવી રહી છે તેની સામે ભારતીય ઢબના મકાનોની રચનાનો વિચાર કરીએ તો તે આપણા વાતાવરણને ધ્યાનમાં લઈને બનાવાઈ હોય તે દેખાઈ આવે છે. માટી અથવા ઈંટની દીવાલોમાં ચૂનાનું ચણતર અને પ્લાસ્ટર અને તે પણ જે તે દિશા તરફ આવતા સૂર્યના પ્રકાશ અને તેના કિરણોની તીવ્રતાના આધારે નક્કી કરાયેલ દીવાલની ઊંચાઈ, જાડાઈ અને બારીબારણાંના માપ, પ્રમાણ અને સંખ્યા પ્રમાણે નિર્ધારિત થયેલા મકાનમાં બનાવવામાં આવે ત્યારે તેની સાચી અસર દેખાય છે.
સિમેન્ટ, કાચ, એલ્યૂમિનિયમ, પ્લાસ્ટિક એ બધા ભારતીય મટિરીઅલ નથી અને તેથી જ તેના વપરાશથી બનતા મકાનો મોટાભાગે વાતાવરણથી સંતુલન સાધવા અસમર્થ હોય છે. સારા દેખાવની પરિભાષામાં આપણાં મકાનોમાંથી ભારતીયતા ક્યારે ઓછી થવા લાગી તે કોઈને સમજાય તે પહેલાં જ જે તે મટિરીઅલને લગતી સમસ્યાઓ પણ દેખાવા લાગી. એર કન્ડિશનરની કદાચ જરૂર ન હતી, તેથી તેની શોધ આપણે ત્યાં ન થઇ. આમ પણ એવું માનવામાં આવે છે કે જરૂરિયાત તે કોઈપણ શોધની માતા ગણાય છે. કારણ કે તે જન્મ દેવા માટે કારક બને છે. ભારતમાં જે નિયમો બન્યાં તે કુદરતને સન્માન આપીને બન્યાં હતાં. જે ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે પણ વાતાવરણની ગરમી વધારીને તેને અસંતુલિત કરવા લાગે તેવા ઉપકરણો ભારતમાં ન હતાં.
આપણે ત્યાં બીજું પ્રચલિત મટિરીઅલ હતું લાકડું. આ એક માત્ર બિલ્ડીંગ મટિરીઅલ છે, જેમાં ક્યારેક જીવ હતો. તેથી તેની ઊર્જાની અસર પણ સારી હોય જ. લાકડું કેવી રીતે વપરાશમાં લેવાથી તેને વર્ષો સુધી તકલીફ ન પડે તેની સમજણ પણ આપણે ત્યાં હતી. અત્યારે સાચી રીતે સીઝન કરેલા લાકડા કેટલી જગ્યાએ મળે છે? અને બે અલગ પ્રકારના લાકડાના વપરાશના લાભાલાભ પણ હવે ઘણાં બધાંને ખબર નથી. લાકડું વાપરવા માટે વૃક્ષોની જરૂર પડે તે સમજણ સાથે જ વૃક્ષને કેટલી ઊંંચાઈ કે કયા ભાગથી કાપવા તેની સમજ હતી અને વૃક્ષોને પૂજનીય માનવામાં આવતા તેથી અત્યારે જે વિચારધારાથી વૃક્ષો વપરાય છે તે ત્યારે ન હતી. કાગળની જગ્યાએ ભોજપત્ર વાપરવાથી કેટલો ફાયદો થાય તે પણ વિચારવા જેવી બાબત તો છે જ. વળી કાગળનું આયુષ્ય કેટલું? આમ દરેક ભારતીયના વિચારો પાછળ કોઈ વિશિષ્ટ કારણ દેખાય છે પછી તે જીવન શૈલી હોય કે વેદિક આર્કિટેક્ચર.
ભ્રમણા:
માણસે પરિવર્તન સ્વીકારવું જ પડે છે. જૂનવાણી વિચારથી તે પછાત રહી જાય છે.
સત્ય:
પરિવર્તન સ્વીકારવું અને પરિવર્તિત થઇ જવું તેમાં ભેદ છે. ભારતે સતત પરિવર્તન સ્વીકાર્યું અને તેથી જ સાચું ભારત શોધતાં તકલીફ પડે છે. જયારે પોતાના મૂળથી વિમુખ થવાની સ્થિતિ આવે ત્યારે બદલાવની અસર દેખાય છે. જે તે સ્થળ માટે બનેલા નિયમોનો આધાર સમજ્યાં વિના પરિવર્તન કરવાથી લાભ ન પણ થાય.