વાસ્તુ: શું મોંઘા નંગ પહેરવાથી પિતૃ દોષ દુર થાય?

તમારી પાસે વૈભવી મકાન હોય, મોંઘી દાટ ગાડીઓ હોય, ઘરમાં યુવાન દીકરો હોય, અને પૈસાની રેલમછેલ હોય તો તમે સુખી ગણાવ? મોટા ભાગે આવા સવાલનો જવાબ હા માં જ મળે. પણ 170 ની સ્પીડે દોડતી એ જ ગાડી સુખમાં બાધક બની શકે? ઘરના વાયવ્ય અને નૈરુત્યનો દોષ આના માટે જવાબદાર ગણી શકાય. ઝેડ પ્લસ સીક્યોરીટી સાથે વટ મારનાર વૈભવી જીવન જીવનાર વ્યક્તિ અચાનક ગુનેહગાર ઠેરવવામાં આવે. ત્યારે ફરી એક વાર થોડા સમય પહેલા એના જેવું જીવન જીવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓને ઝટકો લાગે. દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બને. ઘર ઉર્જાથી બને છે. બાકી મકાનો તો ઘણા જોવા મળે છે. લોકો થોડો સમય બધું દુખ ઠાલવીને પછી પોત પોતાના કામમાં લાગી જાય. અને ફરી આવું કઈક બને. માણસને જીવવા માટે સાચે જ શું જરૂરી છે એની સમજણ બદલાતાની સાથે એની રેસ ઝડપી બની રહી છે. અને એ રેસનો અંત મોટા ભાગે કરુણ હોય છે. નાનકડી બીમારી માટે હજારો રૂપિયાની ફી આપનાર પોતાના ઘરની ઉર્જા વધારવા સસ્તા રસ્તા શોધે ત્યારે નવાઈ લાગે છે. વળી એ જ વ્યક્તિ વકીલ ની ફી પૂરી આપે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા કાકાએ એક જ્યોતિષીને 5 કુંડળીના ઓનલાઈન પૈસા આપ્યા. એ કાયમ પુરા પૈસા એડવાન્સ લે છે. વળી એના ચાર્જ પણ વધારે છે. એ માણસે પૈસા લીધા પછી પુરતો સમય ન આપ્યો. અમે જે પૂછવા માંગતા હતા એના જવાબ આપવાના બદલે એની જ વાત ચલાવે રાખી. બાકી હતું તો બધા ગોળ ગોળ જવાબો લખીને મોકલી આપ્યા. પછી એ ફોન  નથી ઉપાડતા. વાત અહી પૂરી નથી થતી. એમણે વાસ્તુની પણ વાત કરી. મારા માટે તો વાસ્તુ માટે તમારાથી વધારે જ્ઞાની કોઈ છે જ નહિ. એ ભાઈએ ઈશાનમાં ભૂરો રંગ એટલે કરવાનો કહ્યો કે જળ તત્વ ભૂરુ હોય છે. ભૂરા કપડા પહેરવા પણ કહ્યું. પાણીનો કોઈ રંગ હોય ખરો? વળી જો પાણીના રંગના કપડા પહેરાવે તો કેવું લાગે? એમના માટે અગ્નિ તત્વ લાલ છે અને ભૂમિ તત્વ ભૂખરું. કશુજ સમજાતું નથી. હું બાજુમાં બેઠી હતી એટલે મેં પૂછ્યું કે જળ તત્વ ભૂરું કેવી રીતે હોઈ શકે? અને એમણે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો. આવું થોડું જ ચાલે?  પિતૃ દોષ હોવાથી, અમને ત્યાંથી નંગ ખરીદવા માટે પણ આગ્રહ રાખ્યો હતો.

જવાબ: બહેન શ્રી. સાવ અજાણ્યા માણસને 5 કુંડળીના પૈસા ન જ અપાય. એકાદ ટ્રાયલ લીધા પછી આગળ વધાય. એમને પણ અજાણ્યા લોકોના અનુભવ હોય એટલે એડવાન્સ લે એમાં કાઈ ખોટું નથી. પણ પૈસા લીધા પછી પુરતો સમય આપવો જોઈએ. વળી અગત્યની વાત એ છે કે એ માણસને કેટલું જ્ઞાન છે, કેટલો અનુભવ છે એ જોયા જાણ્યા વિના આટલી મોટી રકમ ન અપાય. પૈસા આપતા પહેલા એમની સીસ્ટમ પણ સમજવી જોઈએ. સાવ એમ જ પ્રભાવિત ન થવાય. ત્રીસ વરસનો માણસ ગોળગોળ વાત કરી શકે.

હવે વાત વાસ્તુની, આપણા શાસ્ત્રો રીસર્ચ આધારિત છે. એમાં આવા પોકળ તર્કને સ્થાન નથી. જેમ માણસ ઈશ્વરને માણસની જગ્યાએ જોઈ રહ્યો છે એ જ રીતે તત્વોને પણ જોવામાં આવે છે. આતો સારું છે કે એમણે પારદર્શક રંગ લગાડવાનું નથી કહ્યું. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંને અલગ વિષયો છે એ સમજવું ખુબ જ જરૂરી છે. બંને વિષયો અદ્ભુત છે. પણ અધૂરું જ્ઞાન ન જ ફળે.

પિતૃ એટલે વડવાઓ. એ શું કામ રંજાડે? અને શું કોઈ નંગ પહેરવાથી એ રાજી થઇ જાય? પોતાનું બાળક દુખી થાય એ કોઈને ગમે. અને દેવું કરીને મોંઘા નંગ પહેરીને એ રાજી થઇ જાય? આ બધું મારી તો સમજણ બહારનું છે. આપના ઘરમાં વાયવ્ય પશ્ચિમનો દોષ છે. શિવ લિંગ પર કેવડાના અને ચંદનના અત્તરથી અભિષેક કરો.

સુચન: શ્રાવણમાં પુરુષોત્તમ મહિનો એટલે શિવ અને વિષ્ણુ ( હરિહર) ને પૂજવાનો મહિનો. આ દરમિયાન શિવલિંગ અને શાલીગ્રામ પર યોગ્ય રીતે અભિષેક કરવાથી લાભ થાય.

(આપના સવાલો મોકલી આપો: Email: vastunirmaan@gmail.com)