શું ક્યારેય એવું વિચાર્યું છે કે સોસાયટીના મકાનમાં પીજી ચાલતા હોય તો એના માટે કોઈ નિયમો કેમ નથી હોતા? બસ આવો વિચાર નથી આવતો એટલે જ કોઈ પણ રંગના માણસો આવા પીજીમાં રહી શકે. એ કોણ છે? ક્યાંથી આવ્યા છે? એ પીજી કોણ ચલાવે છે? એ લોકો શું કરે છે? એની કોઈને પરવાહ નથી હોતી. અચાનક ક્યાંક કોઈ એવી ઘટના બને કે તરત જ ચક્રો ગતિમાન થાય અને બસ, પછી આખી સોસાયટીને ફેન્દવાનું શરુ થઇ જાય. હવે વિચાર આવે કે એમાં સોસાયટીના સામાન્ય રહીશો નો શું વાંક? વાંક માત્ર એટલો જ કે એમણે ક્યારેય તપાસ ન કરી કે સોસાયટીના મકાનોમાં આ શું ચાલી રહ્યું છે? આવા જ પીજી આપણા વિચારોના પણ હોય છે. મનમાં અનેક વિચારો ઘર કરી જાય છે ત્યારે આપણે એના પર ધ્યાન નથી આપતા. જયારે એ વિચારોના લીધે કોઈ મોટું નુકશાન થાય ત્યારે આપણે અચાનક આપણી જાતને કોસવાનું શરુ કરી દઈએ છીએ. તો ચાલો વિચારોના પીજી ને પણ તાળા લગાવી દઈએ. અને સોસાયટીમાં કોણ રહે છે એનું પણ ધ્યાન રાખીએ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, હું એક સારી સોસાયટીમાં રહું છું. અમારે ત્યાં ઘણા પીજી ચાલે છે. અંદર અંદર રાજકારણ એટલું વકર્યું છે કે કોઈને આ અંગે વિચારવાનો સમય જ નથી. એકબીજાને નીચા દેખાડવામાંથી ઊંચા નથી આવતા એટલે કેટલા બધા પીજી શરુ થઇ ગયા છે એ વિષે કોઈ વિચારતું જ નથી. આખો દિવસ બસ બે ગ્રુપ એકબીજાને ભાંડયા કરે.લીફ્ટમાં અપશબ્દો બોલતા હોય, ઓછા કપડા પહેરીને ફરતા હોય અને જીમના સાધનોને નુકશાન પણ કરે. થોડા સમય પહેલા એક સામાન્ય ઘટનામાં એવું સાંભળ્યું કે પીજી વાળાએ રિવોલ્વર કાઢી હતી. પછી અચાનક એ ચહેરા બદલાઈ ગયા. તો શું એ લોકો ગુનેહગારો હશે? કે પછી આતંકવાદી? સોસાયટીની કમિટી વાળા કહે છે કે આવા લોકો માટે કોઈ નિયમો ન હોય. એમને રહેવા દેવા પડે. સોસાયટીના નિયમો માંગીએ તો દાદાગીરી કરે છે. એ લોકો નુકશાન કરે અને અમે મેઇન્ટેનન્સ ભરતા રહીએ એવું થોડું ચાલે? બે વરસમાં અમે પચાસ હજારથી વધારે એક્સ્ટ્રા પૈસા ભર્યા છે. ઘર વેંચવાનું પણ આ મોંઘવારીમાં શક્ય નથી. કોઈ ઉપાય બતાવશો.
જવાબ: સહુથી પહેલા તો ખોટું ગભરાવાનું બંધ કરી દો. દરેક સોસાયટીના પોતાના નિયમો હોય જ છે. વળી જો પીજીને એ લોકો ભાડુઆત ગણતા હોય તો પોલીસ વેરીફીકેશન પણ જરૂરી હોય છે. જે સોસાયટીમાં રાજકારણ ઘૂસે એનો વિકાસ અટકી જાય. કારણકે પછી એ બધો જ ખર્ચો સામેવાળાને નીચા દેખાડવા માટે થતો હોય. તમારી વાત સાચી છે કે પીજીમાં રહેનાર વ્યક્તિને કોઈ નીતિનિયમો વિના ન જ રહેવા દેવાય. સામાન્ય રીતે સોસાયટીમાં આવી વ્યવસ્થા ન જ હોય. વળી પીજી એ હોસ્ટેલ નથી. મકાન માલીકે સાથે રહેવું પડે. તમારી વાત પરથી સમજાય છે કે માત્ર વિવિધ દેખાવ વાળા એકલા પુરુષો આવા પીજીમાં રહેતા હતા. એ કોણ હતા એનો રેકોર્ડ સોસાયટી પાસે હોવો જરૂરી છે. આ અંગે જાગૃતિ જરૂરી છે. જો કોઈ આતંકવાદી પણ આપની સોસાયટીમાં આવીને રહે અને કોઈને જાણ ન થાય એવો નિયમ ન જ હોય ને?
આ વાત માત્ર ઉદાહરણ પુરતી છે. ડરવા માટે નહિ. આપની સોસાયટીમાં ઉત્તરમાં મોટી મશીનરી આવી છે, પશ્ચિમમાં ખાલી પ્લોટ છે, ઈશાનમાં બાંધકામ છે, અગ્નિ અને વાયવ્યમાં ખાંચા પડેલા છે અને નૈરુત્યમાં વધારાનો સામાન રહે છે. વળી વાંસની વાડ કરવામાં આવી છે અને ચંપાના ઝાડ પણ છે. તેથી જ આવું વિચિત્ર વાતાવરણ છે. બધાને સાચી વાત સમજાતી નથી અને સતત અસુરક્ષા દેખાય છે. જાણે દરેક વ્યક્તિ એક બીજાનું ખરાબ જ દેખાડવા મથતા હોય એવું લાગે છે. આવા વાતાવરણમાં તમારી સાચી વાત કોઈ નહિ માને. જયારે હોડી ડૂબતી હોય ત્યારે એને બચાવવા પ્રયત્ન કરાય. પણ જો નાવિકને હોડી ડુબાડવામાં જ રસ હોય તો કિનારો શોધી જ લેવો પડે.
આપ પ્રાણાયામ કરો. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ આપો અને શિવપૂજા કરો. ચોક્કસ સાચી દિશા મળશે.
આજનું સુચન: સવારે યોગ્ય રીતે ગાયત્રીમંત્ર કરવાથી આત્મબળ વધશે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)