વાસ્તુની સકારાત્મક ઉર્જા વ્યક્તિને ખોટું પગલું લેતા અટકાવી શકે?

તમે સહુથી વધારે કોને ચાહો છો? તમે તમારા પ્રેમ માટે શું કરી શકો? તમે જેને સહુથી વધારે પ્રેમ કરો છો એ વ્યક્તિ સાથે તમને મધદરીએ લઇ જઈ અને દરિયામાં ફેંકી દેવામાં આવે તો તમે શું કરશો? તમે દરિયામાં અંદર જઈ અને તમે જેને ચાહો છો એને બચાવવા માટે એને ઉપરની તરફ ધક્કો મારશો કે પછી શ્વાસ લેવા માટે પોતાનું માથું બહાર કાઢશો? તમારા જવાબમાં આગળના સવાલનો જવાબ પણ આવી ગયો છે. દરેક વ્યક્તિ સહુથી વધારે પોતાની જાતને જ ચાહે છે. તો પછી સાથ જીયેંગે સાથ મરેંગે વાળી પ્રક્રિયાનું શું? એક સાથે દેહ છોડી દેવાથી આત્મા સાથે જ રહેશે એની કોઈ ગેરન્ટી મળે છે ખરી? જે લોકો મોક્ષ અપાવવાના દાવા કરે છે એ પોતે મોક્ષ પામશે જ એવું કહેવા સક્ષમ છે ખરા? બસ આ વાત પણ એના જેવી જ છે. માણસ માત્ર એ આભાશમાં જીવે છે કે એ કોઈને પોતાની જાત કરતા પણ વધારે ચાહે છે. અથવાતો કોઈ એને જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે. સકારાત્મક ઉર્જા સકારાત્મક વિચારધારા આપે છે. અને એવી વિચારધારા માટે વાસ્તુ નિયમો મદદરૂપ થાય છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને  કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: નમસ્તે. હું એક છોકરાને ખુબ પ્રેમ કરું છું. એ મારા માટે જીવ પણ આપવા તૈયાર છે. એના ઘરમાં કોઈ કમાતુ નથી. અત્યારે પણ એના નાનામોટા ખર્ચા હું જ ઉપાડું છું. જોકે એની સામે એ મને મારા કામમાં મદદ કરે છે. એ ઈચ્છે છે કે હું મારું બધું લઇ અને એની સાથે ભાગી જાઉં. અને જો એના ઘરના ન સ્વીકારે તો અમે સાથે આપઘાત કરી લઈએ. ખબર નહિ કેમ મન નથી માનતું. શું અમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હશે જે મને મારા સાચા પ્રેમીમાં વિશ્વાસ કરતા રોકે છે? કે પછી મારા વિચારો બરાબર છે? કોઈ વિધિ વિધાન કરવાથી ફેર પડે?

જવાબ: જો તમારા પ્રેમીને તમારી સાથે જ પ્રેમ છે તો એ શું કામ એવું ઈચ્છે છે કે તમે બધું લઈને ભાગી જાઓ? વળી એ કશું કમાતો નથી. એટલે એ તમારી જવાબદારી બની જશે. બની શકે કે સાથે મારવાની વાત ખોટી હોય અને એ બચી જાય. તમારી અંતર આત્મા તમને રોકે છે એ સારું જ છે. વાસ્તુની સકારાત્મક ઉર્જા વ્યક્તિને ખોટું પગલું લેતા રોકે છે. એટલે ગભરાવાની જરૂર નથી. તમે તમારા એ સાચા પ્રેમીને સમજાવો કે હું પહેરે કપડે આવીશ. વળી તારે લગ્ન તો કરવા જ પડશે. તું લગ્ન રજીસ્ટર કરી લે પછી થોડા સમય પછી હું મારું ઘર છોડીશ અને એ પણ ખાલી હાથે. આ ઉપરાંત ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંન્જય ના મંત્રો યોગ્ય રીતે કરો. જરૂર લાગે તો તમારા ઘરની વાસ્તુ માટેની વિઝીટ પણ કરાવો. પણ ઉતાવળિયા નિર્ણય ન જ લેવાય.

સવાલ: રાવણ સોનાની લંકામાં રહ્યો અને રામ ૧૪ વરસ વનમાં ભટક્યા. દુર્યોધને રાજ કર્યું અને પાંડવો દુખી થયા. આ આપણો ઈતિહાસ કહે છે. એટલે સારાંશ તો એવો જ નીકળે ને કે જે સારા હોય એ દુખી થાય અને ખરાબ છે એ રાજ કરે? મૃત્યુ તો છેલ્લે આવે. એ જેવું આવે એવું. શું ફેર પડે છે?

જવાબ: આપણા દેશમાં પુનર્જન્મની ખુબ સરસ વાત કરી છે. એના સચોટ ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે. આગળના જન્મમાં જે કર્યું હોય એ એના પછીના કોઈ જન્મમાં ભોગવવું પડે છે. જયારે સંતો જ ભૌતિકતામાં માનનારા મળે ત્યારે સત્ય સમજાવનારા ક્યાંથી મળે? વળી ટોળા નો અવાજ સર્વ માન્ય થઇ રહ્યો છે. અંધ શ્રદ્ધા ખુલેઆમ વેંચાઈ રહી છે. અને ગોસીપ એ જ જ્ઞાનની ભાવના ચાલી રહી છે ત્યારે શાસ્ત્રની વાત સમજે એવા સમાજની જરૂર છે. સંચિત કર્મો એનું કામ કરે જ છે. શરીરની ચિંતા કરનાર વ્યક્તિને મોજશોખના જ વિચાર આવે. અને એના માટે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જવાબદાર છે. ઈશ્વર વિશેની સમજણ બદલાઈ રહી છે. આધ્યાત્મના બદલે ધર્મ શબ્દ પ્રચલિત છે ત્યારે આવા વિચારો આવે એ સ્વાભાવિક છે. પણ તમે આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિને સમજો. તમને તમારા જવાબો મળી જશે. જેને દારૂ પીવો છે એ પોતાને દારૂડિયો નહિ કહે પણ ઈશ્વર સોમરસ પિતા હતા એવું કહીને પોતાની જાતને છાવરી લેશે. સોમ એટલે ચંદ્ર. ચંદ્રના પ્રકાશની ઉર્જાનો રસ એટલે ચાંદની પણ હોઈ શકે. જેમનું મન ચંચળ રહેતું હોય એને ચંદ્ર પ્રકાશમાં બેસાડવાની સલાહ હું આપું છું. બે ખોટા થી એક સાચું નથી જ થતું. એની સામે એક સાચો હોય તો બીજો ખોટો જ હોય એવું પણ નથી હોતું. પણ આ બધું સમજવા તમારે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોને સમજવા પડશે.

સૂચન: પતિપત્નીના સંબંધમાં સુમેળ લાવવા માટે સુદ તેરસથી પુનમના સમયમાં ચંદ્ર પ્રકાશમાં બેસવું જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]