વાસ્તુ : શિક્ષણમાં ઊર્જાનું સંતુલન

કોઈને આત્મહત્યા કરવાનો શોખ થોડો જ હોય? કોઈ એવા સપના પણ ન જોતું હોય કે ભવિષ્યમાં મારે આત્મહત્યા કરવી છે. તો પછી માણસ આત્મહત્યા કેમ કરે છે? આપણા શાસ્ત્રોમાં પણ આત્મહત્યાને નકારાત્મક ગણેલ છે અને નૈતિક રીતે પણ તે યોગ્ય નથી જ. પણ માણસ જયારે હતાશાની એક હદ પાર કરી જાય ત્યારે તેને પોતાનું જીવન પૂરું કરી નાખવાના વિચારો આવે છે. તો જે વ્યક્તિએ આવા સંજોગો ઉભા કર્યા એ હત્યાનો ગુનેગાર ગણી શકાય. પણ મોટાભાગે આવી બાબતોને અવગણવામાં આવે છે. વળી જે રીતે માણસનો સ્વભાવ સ્વાર્થી અને સ્વકેન્દ્રિત થઇ રહ્યો છે તે રીતે ગુનાખોરી પણ વધતી દેખાય છે. આ સમાજના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સંસ્થામાં ડ્યુઅલ ડીગ્રીમાં વિદ્યાર્થી છું. મારા શિક્ષકે ગ્રેજ્યુએશન કોઈ અલગ વિષયમાં કરીને ખબર નહિ ક્યાં માસ્ટર્સ ખાલી અમારા વિષયમાં કરેલું એટલે એમને કશું આવડતું ન હતું. આખા વરસમાં માત્ર બે ક્લાસ થયા. એમણે યુનિવર્સિટી પરીક્ષાનું પેપર અને જવાબ આપી દીધા એટલે જેમતેમ પાસ થઇ જવાયું. બીજા વરસમાં એમણે પહેલા વરસની માફક જ ઇન્ટરનલ પરીક્ષા વિના બારોબાર માર્ક મૂકી દીધા અને કશું જ ન ભણાવ્યું. મારા સિવાય બધાએ છોડી દીધું અને મને પેપર આપ્યું હોવા છતાં કશું યાદ ન રહ્યું એટલે મેં પરીક્ષા ન આપી. મારી ફી ગઈ.

અંતે મેં પણ છોડી દેવાનો વિચાર કર્યો. અચાનક કોલેજમાંથી ફોન આવ્યો કે એક નવા શિક્ષક આવ્યા છે. તમે શરૂઆતમાં મફતમાં ભણો. સારું લાગે તો ફી ભરજો. મને શીખવા મળ્યું એટલે અમે બધાએ ફી ભરી. બીજા જ દિવસે ખબર પડી કે પેલા શિક્ષક તો થોડા સમય માટે જ આવ્યા હતા. હવે સંસ્થામાં કોઈ શિક્ષક છે જ નહિ. પૂછવા જઈએ તો કહે છે કે પેપર આપી દઈશું. અમારો વિષય પ્રેક્ટીકલનો છે. કશું આવડે નહિ તો કામ કોણ આપે? અમારી આર્થિક સ્થિતિ સારી નથી. તપાસ કરતા ખબર પડી કે આખા કેમ્પસની આવી સ્થતિ છે. કોઈને પગાર નથી આપતા. એટલે શિક્ષકો નથી આવતા. હવે મારા ભવિષ્યનું શું. આત્મહત્યાના વિચારો આવે છે.

જવાબ: ડ્યુઅલ ડીગ્રી કરવામાં જોખમ જ છે. બે વિષય સાથે કરવામાં બંને વિષયના અભ્યાસમાં સફળતા મળતી નથી. ક્યારેક વધારે લેવા જવામાં હાથમાં કશું જ આવતું નથી. તમે એક વખત છેતરાયા પછી પણ તમે એ જ ભૂલ કરી એ નવાઈ લાગે છે. બે વરસ ભણ્યા વિના પાસ કરી દેવાની સીસ્ટમ જોયા પછી પણ તમે ફી ભરી એ નવાઈનો વિષય છે. વળી કોઈ પણ ડીગ્રી યોગ્ય જ્ઞાન વિના નક્કામી જ છે. અમેરિકામાં અમુક સંસ્થા ડીગ્રીને પ્રાધાન્ય નથી આપતી. તમારી આવડત જોવાય છે. ગયા અઠવાડિયે જ એક ડ્રામા કલાકારને મળવાનું થયું. એની પાસે ઘણું કામ છે પણ એ વર્કશોપ કરી કરીને શીખ્યો છે. જેને શીખવું જ છે એના માટે કોઈ બંધનો નથી. બાકી દેખાડા માટેની ડીગ્રી જ જોઈતી હોય તો પછી તમે જે કરો છો એ બરાબર છે. ડિપ્રેસ થવાનો અર્થ નથી. આ ઘટનાને દુ:સ્વપ્ન ગણીને નવો રસ્તો શોધો. ફરી આવી લોભામણી વાતોમાં ન આવશો.

સવાલ: અમારી સોસાયટીમાં મેનેજર મને સતત મેસેજ કરતો હતો. એટલે મેં એને અવોઇડ કર્યો. હવે જરૂરી કામ હોય ત્યારે એ મારા ફોન નથી ઉપાડતો. એ રિસાયો છે. આમાં વાસ્તુનો કોઈ પ્રશ્ન હોઈ શકે?

જવાબ: મેનેજરની બેસવાની જગ્યા એને લાગણીપ્રધાન બનાવે છે. એનું કામ છે સોસાયટીના મેમ્બર્સને અનુકુળ થવાનું. એ તમારાથી રિસાય એ બરાબર નથી. બેસીને વાત કરો. એની બેઠક ઈશાનમાં ઉત્તરમુખી છે. યોગ્ય વ્યવસ્થા માટે એણે પૂર્વમુખી બેસવું જરૂરી છે.