શિવરાત્રીએ બીલીપત્રથી પૂજા થઇ શકે?

શિવ એ જગતનો આધાર છે. જગતના કણ કણમાં શિવ છે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં શિવ છે, જ્યાં શ્રદ્ધા છે ત્યાં શિવ છે, જ્યાં સુમેળ છે ત્યાં શિવ છે… દરેક જીવમાં શિવ છે. શિવની આરાધના કોઈ પણ જીવ કરી શકે છે. કારણ કે શીવ એ પરમ તત્વ છે જે દરેક જીવમાં આત્મા સ્વરૂપે છે. જગતની ચેતના એ શિવ છે. શિવરાત્રી તો દરેક મહીને આવે જ છે. પણ મહા શિવરાત્રીનું મહત્વ ખાસ છે. આ રાત્રી પરમ શાંતિની સાધના માટેની રાત્રી છે. જેમને કોઈને કોઈ સંશય છે, જેમને જીવનથી અસંતોષ છે, જેમનો આત્મવિશ્વાસ ઓછો છે એવા લોકોએ ખાસ આ દિવસે સાધના કરવી જોઈએ. શિવ સાધના એમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો સહુનો જ છે. આપ નિસંકોચ આપની સમસ્યાઓ જણાવી શકો છો. એના માટે નીચે ઈમેલ દર્શાવેલ છે. જેના પર આપ સવાલ પૂછી શકો છો.

સવાલ: હું એક એવા ગામમાં રહું છું જ્યાં લોલુપ લોકો વધારે છે. જેમને વડીલ સમજતા હોઈએ એવા લોકોની નજર જ વિચિત્ર લાગે છે. મારા પાડોશી, કાયમ ઘરની બહાર જ બેસી રહે. મને આવતા જતા જુએ. વડીલ છે એટલે આપણને ખોટા વિચાર થોડા જ આવે? કોલેજમાં એડમીશન થયું. પ્રિન્સીપાલ દરરોજ નાસ્તો કરવા બોલાવે. મને એમ કે એમને કોઈ જગ્યાએ મારી મદદ જોઈએ છે અને નાસ્તાનો સમય હોય એટલે મને આપે છે. પણ એ બહાને હું માસ્ક કાઢું અને એ મને જુએ. થોડા સમય પછી આ બંને વડીલો મળી ગયા. મારા વિશે અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું. પ્લાનિંગ તો જુઓ. હું ફરિયાદ કરું એ પહેલા તો એમણે મારી ખોટી ફરિયાદો શરુ કરી. એક દિવસ ખોટી વાત થઇ. મેં ટ્રસ્ટીને ફરિયાદ કરી તો એ હસવા લાગ્યા. પછી મને ખબર પડી કે એમની પાસે મારા વિશે એલફેલ વાતો થઇ હતી. ક્લાસમાં હું કોઈની સાથે નોટ પણ માંગું તો એની સાથે મારો ફોટો સીસીટીવી માંથી લઇ લેવાતો. મેં કોલેજ છોડી દીધી. ઘર થોડું છોડાશે? એમની આવી હરકતો થી હવે નવા લોકોની મારા માટેની નજર બદલાઈ છે. અમારા ઘરમાં બાથરૂમ પાછળની બાજુ છે. એની બારીમાંથી પાછળ વાળા ડોકિયા કરે છે. એમને મોટી ઓળખાણો છે એવું કહીને ડરાવે છે. જીવનથી છુટકારો મળે એવા વિચારો આવે છે. શું કરું?

જવાબ: જે આપણને નથી જાણતા એ જ આપણા વિશે વધારે વાતો કરે અને એવા અન્ય લોકો એમની વાતો માને ત્યારે સમજવું કે તમે એમનાથી વધારે સારા છો. તમને સમજવાની એમની પહોંચ જ નથી. વળી પોતાની જાતથી વધારે કોણ આપણને ઓળખે? તમે મજબુત મનોબળ રાખીને જીવવાનું શરુ કરી દો. ભોળા હોવું અને મુર્ખ હોવું એની વચ્ચે ભેદ છે પણ ઘણા લોકો એ સમજતા નથી અને તેથીજ ભોળા માણસોને મુર્ખ સમજીને રંજાડતા જોવા મળે છે. કોઈના વિશે અફવા ફેલાવવી એ નવરા લોકોનું કામ છે. ડરો નહિ, સમજદારીથી કામ લો. આમ પણ તમે કોલેજ છોડી દીધી છે. એટલે એક સમસ્યા ઓછી છે. તમારા પડોશીની સામે જોવાનું બંધ કરી દો. કોઈ એમના વિશે વાત કરે તો ટાળી દો. તમારા સારા મિત્રોને મળતા રહો. કોઈના આપેલા કેરેક્ટર સર્ટીફીકેટ ક્યારેય કામ લાગતા નથી. પોતાની જાતને સમજો. હવે વાત બીજા પડોશીની. બાથરૂમની બારી પર પરદો લગાવી દો. નહાવા જાવ ત્યારે કોઈ સગાને એ તરફ નજર રાખવા કહો.. જો એમને જરા પણ  શરમ હશે તો એ ખસી જશે. એવું ન થાય તો એમને સારા શબ્દોમાં કોઈ વડીલ પાસે સમજાવો. શિવ પૂજા કરો. ચોક્કસ આત્મિક ઉર્જા વધશે.

સવાલ: શિવરાત્રીએ બીલીપત્રથી પૂજા થઇ શકે?

જવાબ: હા. શિવરાત્રીની વાર્તા પણ સાંભળીએ તો એમાં પણ બીલીપત્રનું મહત્વ છે એવું દર્શાવાયું છે. બીલીપત્ર ત્રણ ગુણની સાધનામાં મદદ કરે છે. પાંચ પાન વાળું બીલીપત્ર પાંચ તત્વોની સાધનામાં મદદ કરે છે.

સુચન: શિવરાત્રીએ શિવપૂજા માટે સ્વચ્છ વાતાવરણ અને સ્વસ્થ મન ખુબ જ જરૂરી છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)