અગાઉ મેષથી મકર રાશિના જાતકો વિષે અને આ રાશિઓની ખાસિયતો વિષે અગાઉના અંકોમાં લખાયું છે.કુંભ અને મીન બંને રાશિચક્રમાં છેલ્લે આવતી રાશિઓ છે. કુંભ રાશિના ગુણો ખૂબ વધુ છે, તો મીન રાશિ બધી રાશિઓથી સવાઈ છે. આજેઅહી આ બે રાશિઓની ખાસિયતો આપેલ છે.રાશિઓના ગુણદોષ જયારે જોઈએ છીએ ત્યારે એક વાત ધ્યાનમાં લેવી કે કોઈ રાશિ સારી અને કોઈ રાશિ ખરાબ છે, તેવું બિલકુલ નથી. પણ દરેક રાશિની પોતાની ખાસિયતો જરૂર છે. ઘણીવાર, ગુણ અમુક જગ્યાએ અવગુણ પણ બની જાય છે. માટે દરેક રાશિની પોતાની ખાસિયતો જીવનના સંજોગોની સાપેક્ષે સારુંખરાબ પરિણામ આપે છે.
કુંભ રાશિ વાયુ તત્વ અને સ્થિર પ્રકૃતિની રાશિ છે. વાયુ તત્વ અને સ્થિર સ્વભાવ આ રાશિને વૈચારિક વૈવિધ્ય અને તીવ્ર બુદ્ધિ આપે છે. એક વિદ્વાન જ્યોતિષી કહેતાં કે કુંભરાશિનો જાતક લગભગ અડધું જીવન તો જન્મતાંની સાથે જ જીતી ચૂક્યો હોય છે, કારણ કે એ કુંભરાશિમાં જન્મ્યો છે.કુંભરાશિનું ચિત્ર જોઈએ તો તેમાં એક માનવી ઘડા સાથે ઉભેલો દેખાય છે. ઘડોએ તેની પાસે કંઈક છે તેનું સૂચન કરે છે, આ રાશિના જાતકો દેશ અને સમાજને ચોક્કસ કઈંક આપી શકે છે.
કુંભ રાશિના જાતકો અભ્યાસમાં તીવ્ર હોય છે, તેઓ અનુભવ અને બુદ્ધિનો ગજબ ઉપયોગ કરી શકે છે. આ રાશિના જાતકો નવીનતા લાવવામાં અને નવો ચીલો પાડવામાં આગળ હોય છે. આ રાશિના જાતકો પોતાની લાગણીઓને આસાનીથી જીતી શકે છે. તેમને લાગણીવશ કામ કરતા કે દુઃખી થતાં ભાગ્યે જ જોઈ શકાશે. આ રાશિના જાતકો જલદીથી કોઈના વિચારો કે સત્તાના ગુલામ થતા નથી. પરંતુ તેઓ સ્વતંત્રતા અને વૈચારિક ક્રાંતિમાં માને છે. કોઈની નીચે કામ કરવામાં તેઓને બિલકુલ આનંદ આવતો નથી. આ રાશિના જાતકો એક ઉત્તમ વૈજ્ઞાનિક કે વિજ્ઞાનના પ્રોફેસર બની શકે છે.કુંભ રાશિના જાતકો જલદી પ્રેમમાં પડતાં નથી, તેઓની માટે પ્રેમ કરતા વિચારો મહત્વના હોઈ શકે છે. તેઓનો પ્રેમ પણ ગણતરીપૂર્વકનો હોઈ શકે છે. આ રાશિના જાતકો ધાર્મિક બાબતોમાં વધુ માથું મારતા નથી, તેઓ રીતરીવાજોને પણ પોતાની બુદ્ધિથી મૂલવે છે. તેઓ સામાજિક બાબતોને વધુ મહત્વ આપે છે. સામાજિક બાબતોમાં સદા રસ લેવો અને સમાજમાં નામના થાય તે માટે પોતાની બુદ્ધિથી જોર લગાવે છે. તેમના મિત્રો ગણ્યાંગાંઠ્યા હોય છે, તેમની સાથે તેમનો સંબંધ બહુ લાંબો ટકતો નથી.
મીન રાશિ રાશિચક્રની છેલ્લી રાશિ છે, પણ આનંદપ્રમોદમાં આ રાશિનો જોટો જડે એમ નથી. સદા આનંદિત અને ખુશખુશાલ એવી મીન રાશિ જળ તત્વ અને દ્વિસ્વભાવ પ્રકૃતિની રાશિ છે. જળ તત્વને લીધે તેઓ લાગણીશીલ અને સંવેદનાથી ભરપુર વ્યક્તિઓ છે. દ્વિસ્વભાવ પ્રકૃતિને લીધે તેઓ સમય અને સ્થળ મુજબ બદલાયાં કરે છે, આ રાશિના જાતકો જક્કી સ્વભાવના હોય તેવું જલદી બનતું નથી. તેઓની માન્યતા છે કે તેમની કોઈ માન્યતા આખરી નથી. તેઓ બધાં સાથે હળીમળી શકે છે, તેઓના દુશ્મન એકાદ જ હોય છે, બાકીના તેઓના મિત્ર નથી એટલું જ. આ રાશિના જાતકો તબીબી ડોક્ટર બને તો ચોક્કસ નામના મેળવે જ છે, તેનું કારણ તેમનો પ્રેમાળ સ્વભાવ છે. તેઓ દર્દીનું દર્દ આસાનીથી સમજી શકે છે.
મીન રાશિના જાતકો આર્થિક બાબતોને વધુ મહત્વ નથી આપતાં, પરંતુ તેઓ આનંદ અને ઉત્સાહને જ મહત્વના ગણે છે. તેઓ કંજૂસ હોય તેવું ભાગ્યે જ બને છે. આ રાશિના જાતકો એકથી વધુ વાર પ્રેમમાં પડે તેની સંભાવના ખૂબ વધુ હોય છે. મીન રાશિના જાતકો એક જ વ્યક્તિ કે ચીજને કાયમ એક જ નજરથી જુએ તેવું બનતું નથી. તેઓ સતત પ્રવાહ સાથે પોતાને બદલે છે, તેમની માટે બદલાવ એ સૌથી અગત્યની વાત છે. આ રાશિના જાતકો વ્યવસાયમાં હોય છે ત્યારે તેઓથી વધુ મહેનત થઇ શકતી નથી. તેઓ જયારે અભ્યાસમાં હોય છે ત્યારે અભ્યાસ સિવાયની પ્રવૃતિઓમાં પણ તેઓ અવ્વલ રહે છે. આ રાશિના જાતકો માનસિક તકલીફોનો શિકાર થતા નથી. તેમના આનંદી સ્વભાવને લીધે તેમનું શરીર અને સ્વાસ્થ્ય જલદી બગડે છે.