જીવનમાં સમસ્યાઓની લંગાર લાવે આવું મકાન

મયને વશમાં કરવા માટે મથતો માનવ અંતે તો તેને પામવા તેનો ગુલામ જ બની જાય છે. સારા સમયની પ્રતીતિ કરાવે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે એક અપાર્ટમેન્ટ છે. જેનો આકાર સમચોરસમાં વાયવ્યમાં અંદર તરફ ગોળાઈ અને પછી બે સ્ટેપમાં નૈરુત્ય તરફ અંદર જતો ભાગ હોય તેવો છે. જેના કારણે કોર્ટ કચેરી, પડવા આખડવાની ઘટનાઓ, કંકાશ, નવી પેઢીની ચિંતાઓ, પરિવારમાં અસંતુલન, માતૃસુખમાં ઓછપ જેવી સમસ્યાઓ આવે. આ ઉપરાંત શ્વાસની તકલીફ પણ આવી શકે અને માનસન્માનની પણ સમસ્યા રહે.

મુખ્ય દ્વાર પણ આ ગોળાઈમાંથી જ છે. ફોયરમાં ગયા બાદ તે પશ્ચિમમાં વાયવ્ય તરફ છે. આમ ઘરનો ફ્લો પણ નકારાત્મક છે. તેથી વિચારો વધારે આવે અને બાળકોનો વિકાસ ધીમો રહે. લિવિંગ રૂમ ઉત્તરથી ઉત્તરી ઇશાનના ભાગમાં છે જે સારું ગણાય. અહી હકારાત્મકતા વધારે રહે પણ અહીની બેઠક વ્યવસ્થા નૈરુત્ય તરફ મુખ રાખવાવાળી છે. જેના કારણે થોડી ઉગ્રતા રહે. વિચારોમાં ભૌતિકતા આવે. જેના કારણે જીવનના સાચા સુખની પ્રતીતિ ન થાય. ઇશાનમાં ખુલ્લી જગ્યા સારી ગણાય. બ્રહ્મમાં ડાયનિંગ રૂમ હોય ત્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને જમે તેવા સંજોગો ઘટે. પૂર્વનો બેડ રૂમ યુગલો માટે યોગ્ય ન ગણાય. અને વળી અહી દક્ષિણ તરફ મસ્તક રાખીને સૂવાની વ્યવસ્થા તામસી વિચારો આપે. આજ રીતે અગ્નિમાં પણ યુગલે ન રહેવાય. તેમના જીવન માં સતત વૈચારિક મતભેદ રહે. અને નાનીનાની વાતમાં તેઓ શોખથી લડતાં રહે. પણ અલગ ન થાય તેથી પરિવારને તકલીફ પડે. દક્ષિણમાં ટોઇલેટ યોગ્ય રીતે ન હોય તો તે જનરેશન ગેપની સમસ્યા આપે. જેના થકી ઘરનું વાતાવરણ ભારેલા અગ્નિ જેવું રહે. નૈરુત્યમાં બેડરૂમ યોગ્ય ગણાય. પણ અહી પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી નિંદ્રા અહીં પણ તંદ્રાની અનુભૂતિ થાય. વિચારો વધે. ઊર્જા ઓછી થતી લાગે. વોર્ડરોબ ઉત્તર તરફ હોય તો તે તણાવ કરાવે. યુટિલિટી માટેની વ્યવસ્થા પશ્ચિમમાં હોઈ શકે. વાયવ્યમાં રસોડું હોઈ શકે. રસોઈની દિશા પણ યોગ્ય છે. પણ સ્ટોર રૂમ બહારની તરફ પશ્ચિમ વાયવ્યમાં છે તે યોગ્ય ન ગણાય. અનાજ વધારે વપરાય. પેટની સમસ્યા આવી શકે. ઉત્તર ની દીવાલ કોમન છે. જે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો કરી શકે.પશ્ચિમ કરતા પૂર્વમાં ઓપનિંગ વધારે છે જે સારું ગણાય. કોઈ પણ ઘર નકારાત્મક હોઈ શકે. પણ તેને હકારાત્મક કરવાના નિયમો ભારતીય વાસ્તુમાં છે. સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરવી જરુરી છે.

લિવિંગ રૂમમાં તાંબાના વાસણમાં ગુલાબ રાખવા. અગ્નિના બેડ રૂમમાં કાચના વાસણમાં સફેદ ફૂલ અને ગુલાબની પાંદડી રાખવી. નૈરુત્યના બેડ રૂમમાં કાંસાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી અને ડાયનિંગ ટેબલ પર કાંસાના વાસણમાં ગુલાબ રાખવા. દર શનિવારે હનુમાનજીના મંદિરે સવા રૂપિયાનું તેલ ચડાવી અને આખું નારિએળ મૂકી દેવું. નાના બાળકોને બિસ્કીટ ખવરાવવા. ગણેશજીને ગોળ ધરાવવો. સૂર્યને જળ ચડાવવું. ગુરુવારે મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવી દેવું. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત,શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા.

સમયને સરળ બનાવે વાસ્તુ નિયમો…