ગ્રહો જીવન પર અસર કરે ખરા? કે પછી પૂર્વ ગ્રહના લીધે જીવનમાં પરિવર્તનો આવે છે? પૂર્વગ્રહ વધારવામાં પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન જવાબદાર બની શકે. જીવન સરસ ચાલતું હોય. બધાજ માણસો સારા લગતા હોય અને અચાનક જીવનમાં તોફાન મચી ગયું હોય તેવું લાગે ત્યારે વાસ્તુની ઉર્જાનો વિચાર તો થાય જ. પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન પણ ચકાસવું જરૂરી છે. જે ભૂમિ પર રહીએ છીએ તેની ઉર્જા સર્વપ્રથમ જીવનને અસર કરેજ. પણ પૃથ્વીની આસપાસનું વાતાવરણ જેનાથી પ્રભાવિત થાય છે તેને સમજવા જરૂરી છે. એવું નથી લાગતું કે અચાનક લોકોમાં ઉગ્રતા વધવા લાગી છે? નાની નાની વાતમાં મોટા મોટા ઝગડા થવા લાગ્યા છે. તો આવું થવાનું કારણ શું? અમાસના દિવસે શનિદેવ પોતાની રાશી બદલે છે. ૧૬૩૬ ના દિવસે આ પહેલા આવી ઘટના બની હતી. શનિનું એક રાશિમાં લાંબુ રોકાણ હોવાના કારણે શનિનું પરિવર્તન એક અગત્યનું પરિવર્તન ગણવામાં આવે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. જે રાશી પર શનિની વક્રી દ્રષ્ટી હોય અને જે રાશિમાં શનિ હોય તેનાથી છઠી રાશિમાં શનીની ઢેઇયા રહે છે, એટલે કે તે પોતાની રાશિમાં ચંદ્રની માફક તુરંત પાછો આવતો નથી. ૨૪મી જાન્યુઆરીએ શનિનો મકર રાશિમાં પ્રવેશી અને વાતાવરણ અને માનવ જીવન પર કેવી અસર કરશે તે જાણીએ.
ધાતુઓ જેવી કે સોનું, ચાંદી, લોખંડ તેમજ અન્ય ખનીજ જેમકે પેટ્રોલીયમ ના ભાવ વધવાની સંભાવના વિચારી શકાય. લોખંડ સાથે જોડાયેલા વ્યવસાય જેવા કે કારખાનાઓ પર પણ પ્રભાવ જોવા મળે. તો નિર્માણ કાર્યોમાં રુકાવટ કે મંદીની અસર દેખાય શકે. લોકોમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે. તો ધર્મ પ્રત્યે અભિગમ પણ અલગ જોવા મળે. કૃષિ શ્રેત્રમાં નવીનતા આવે અને ઉદ્યોગમાં નવતર પ્રયોગો સાથે સારા દિવસો આવી શકે. રાજકારણમાં નવા સંજોગો ઉદ્ભવતા દેખાય. સીમાઓ પર તણાવ રહે પણ તાત્કાલિક ધોરણે કોઈ મોટી ઘટના ન બને. ન્યાય તંત્રમાં સકારાત્મક પરિવર્તનો દેખાય. લોકોમાં રઘવાટ વધે.
નબળા મનના લોકોને નિર્ણય લેવામાં સમસ્યા આવે. પણ સારા સમાચાર એ છે કે ૨૫ જન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ગુપ્ત નવરાત્રી છે. 10 દિવસની આ નવરાત્રીમાં શક્તિની આરાધના કરવાથી ખુબજ સારું રહે. આ દસ દિવસમાં સાત શુભ યોગ બને છે. આ નવરાત્રી દરમિયાન કોઈનું મન ન દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તે ઉપરાંત સારી ભાવના રાખવામાં આવે અને પોતાના લોકોને મદદ કરવામાં આવે તો ચોક્કસ સારું રહે. આ સમય દરમિયાન આકડો, તુલસી, પાન, દુર્વા જેવી વસ્તુઓ દેવીને ન ચડાવવી. કોરા કંકુથી અભિષેક કરી શકાય. આ સમય દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન પણ કરી શકાય. પોતાની રાશિને અનુરૂપ સાધના પણ કરી શકાય.
