વાસ્તુ: મને એમની સાથે પ્રેમ થઈ ગયો પણ એમને સમજાતું નથી

મે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે? મને પ્રેમનો કોઈ અનુભવ નથી. અઢારની ઉમરે હું કામ કરતો થઇ ગયો. ક્યારેક ટ્રક ચલાવી, તો ક્યારેક રીપેરીંગ પણ કર્યું. હવે એક સોસાયટીમાં ગાર્ડ છું. થોડા સમય પહેલા મારી ભૂલના કારણે એક સાહેબને ખુબ મોટી તકલીફ આવી ગઈ. પણ એ સાહેબે મને એવું કહીને બચાવી લીધો કે મને વિશ્વાસ છે કે એ એવું ન કરે. હું જયારે મળવા ગયો તો એમણે કહ્યું કે તારી આંખોમાં ભોળપણ છે. તારી ભૂલ થઈ હશે. ફરી ધ્યાન રાખજે. શું કહું તમને? મેં એમની આંખો જોઈ. કેટલી સરસ આંખો? ભગવાને ફુર્સતે એ સાહેબને બનાવ્યા હશે. સામાન્ય રીતે કોઈ આવું છોકરી માટે કહે તમે પણ એક વાર એમને જુઓને તો તમને પણ ગમી જાય. બસ, પછી એમના બહાર જવાના અને પાછા આવવાના સમયે હું ગેટ આગળ બેસી જતો. એ જો હાથ ઉંચો કરે તો મારો દિવસ સુધારી જતો.

એક ખાનગી વાત કહું? એમને જોવાથી સાચે જ એ દિવસે કોઈને કોઈ લાભ થાય છે. એક વાર એમનો માણસ નહતો આવ્યો ત્યારે મેં લાગ જોઇને એમની ગાડી પણ સાફ કરી દીધી. એમણે મને ગાડીમાંથી ચોકલેટ આપી. બસ, મને એમની સાથે પ્રેમ થઇ ગયો. હું વારંવાર એમને કહેવા પ્રયત્ન કરું છું પણ એમને સમજાતું નથી. સીધીરીતે કહેવામાં ડર લાગે છે. આવું કેમ થાય છે? કોઈ ઉપાય બતાવો.

ભાઈશ્રી, ગમો અને અણગમો એ વ્યક્તિગત છે. કોઈ વ્યક્તિ પ્રેમથી બોલાવે તો ગમે. અને વળી ઘરથી દુર સાવ એકલા રહેતા હોઈએ તો આવું થવાની શક્યતાઓ વધી જાય. એ સાહેબ સારા છે એવું તમે માનો છો. તેથી એ તમને ગમે છે. તમે એવું પણ લખ્યું છે કે એ ગુસ્સા વાળા છે અને કશુજ ખોટું ચલાવી લેતા નથી. છતાં પણ એમણે તમને માફ કરી દીધા એ સારી વાત છે. કદાચ એમને એવું લાગ્યું હશે કે જે થઇ ગયું છે તેના કારણે કોઈની નોકરી જવી ન જોઈએ. એવું પણ બને કે હકીકતમાં એમાં એમને તમારું ભોળપણ દેખાયું હોય. ભૂલ ને ગુન્હો સમજી લેવો એ પણ નાસમજી છે. એમને તમારી આંખો ગમી પછી તમે એમની આંખો જોઈ. બરાબર? પહેલા પણ એ એવાજ સુંદર દેખાતા હતા? પણ ત્યારે એ તમારી નજરમાં આવ્યા ન હતા. તમને એમનું વ્યક્તિત્વ ગમે છે. એ માણસ નીતિમત્તામાં માને છે તેથી એ સાચા સમયે સાચા નિર્ણય લે છે. તમે એમનું ધ્યાન રાખો છો તેથી એ તમારું ધ્યાન રાખે છે. બની શકે એ વ્યક્તિ સકારાત્મક હોય. તેથી તમને લાગે કે એમના લીધે તમારો દિવસ સારો જાય છે. વળી તમારા બદલાયેલા સ્વભાવના કારણે એમને તમારા પર ભરોસો વધ્યો હોય. આ એક સામાન્ય બાબત છે.

મોટા ભાગે આપણે દરેક સંબંધ માટે એક નામ શોધીએ છીએ. અને એ નામ ન મળે એટલે દુખી થઈએ છીએ અને દુખી કરીએ છીએ. તમને એમની સાથે વાત કરવી ગમે છે, તો કરો. એમને તકલીફ ન થતી હોય તો એમાં કશું ખોટું નથી. એ તમને પસંદ છે તો વાંધો નહિ. પણ એમની ઈચ્છા વિરુદ્ધ એમને પામવાની મહેચ્છા માત્ર દુઃખને જ જન્મ આપશે.

હવે કરીએ વાસ્તુની વાત. તમારા ઘરમાં વાયવ્યનો દોષ છે તેથી તમે ઘર છોડી અને નાની ઉમરમાં બહાર આવી ગયા. તમે વાયવ્યમાં રહો છો તેથી તમને અચાનક કોઈ ગમવા લાગ્યું. તમે જ્યાં કામ કરો છો એ સોસાયટીમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે તેથી તમને આવું આકર્ષણ થયું. તમારા કહેવા પ્રમાણે સોસાયટીમાં આવા ઘણા કિસ્સાઓ પણ છે. તેનું કારણ પૂર્વ પશ્ચિમના અક્ષની નકારાત્મકતા પણ હોઈ શકે. વળી તમારા કહેવા પ્રમાણે જેમને આવા સંબંધો છે તે જ તમારું નામ એ સાહેબ સાથે જોડી અને તમને ઉશ્કેરે છે. તમારા હૃદયની ભાષા સમજો. અન્યની નહિ. બની શકે એ લોકોને પણ પેલા સાહેબ ગમતા હોય અને એમનો મેળ ન પડ્યો હોય તેથી તમને આવી વાતો કરતા હોય. કાયદાકીય રીતે આ વાત ખોટી નથી. પણ તમારી એકલતાને ખાળવા તમને કોઈ એવા જીવનસાથીની જરૂર છે જે હમેશા તમારી સાથે રહે. વળી આખી વાતમાં એ સાહેબ શું વિચારે છે તે પણ સમજવું જરૂરી છે. શિવલિંગ પર અભિષેક કરવાથી આપને સાચી દિશા મળશે.