જે દેખાય છે એમાં વિશ્વાસ કરનાર માણસ એ ભૂલી ગયો છે કે જે નથી દેખાતું એનું પણ સામ્રાજ્ય હોઈ શકે. ન દેખાતા
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: મને તમારામાં ખુબ શ્રદ્ધા છે. પણ એક વાત સમજાતી નથી કે જો વાસ્તુની ઉર્જા કામ કરે છે તો કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે એવું તમે કેમ કહો છે? અને જો કર્મ જ કામ કરે છે તો વાસ્તુના નિયમોની જરૂર ક્યાં છે. આતો મનમાં શંશય ઉદ્ભવ્યો એટલે પૂંછુ છું.
જવાબ: તમારી મારા સિદ્ધાંતોમાં શ્રદ્ધાની સરાહના કરું છું. જયારે સવાલ ઉદ્ભવે ત્યારે જ જે તે વિષયમાં વિશ્વાસ વધે. કર્મનો સિદ્ધાંત અને વાસ્તુની ઉર્જા બંને એક બીજાના પુરક છે. તમે જે ઘરમાં રહો છો એ કોનું છે? જેમના નામે છે એમનું કે જેટલા લોકો રહે છે એ બધાનું? જેમ એ ઘર બધાનું ગણાય એ જ રીતે ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા એક કરતા વધારે વિષયોની અસર આપણા જીવન પર આવી શકે. જેમાં વાસ્તુ અને કર્મને આપણે મુખ્ય ગણીને ચાલીએ. જેમ સાવ તૂટી ગયેલા રસ્તાઓ પણ સારામાં સારી કાર સારું પરફોર્મન્સ ન આપી શકે અને શ્રેષ્ઠ રસ્તા પર જૂની ખખડી થઇ ગયેલી કાર પણ ધીમી જ ચાલે એવું વાસ્તુ અને કર્મ માટે કહી શકાય.
જો બંને સારા હોય તો શ્રેષ્ઠ પરફોર્મન્સ મળે. જો ખરાબ કર્મ કરીને કોઈ વાસ્તુ પરફેક્ટ જગ્યામાં આવી જાય તો એના કર્મ માફ ન થઇ જાય પણ એમને સુધારવા અથવા સ્વીકારવાની શક્તિ જરૂર મળે. અને જો વાસ્તુની ઉર્જા સારી હોય તો માણસને ખરાબ કર્મ કરવાની ઈચ્છા જ ન થાય. હા, કેટલીક ગેર માન્યતાઓ છે કે કાઈ પણ કર્યા બાદ ઈશ્વરને દાન કરી દો એટલે માફ થઇ જાય. તો સવાલ માત્ર એટલો છે કે એ દાન ઈશ્વર લઇ જાય છે કે અન્ય કોઈ? અને એ અન્ય કોઈ પોતે કહી શકશે કે પોતાના કર્મ માફ કરવા એ પોતે સક્ષમ છે? સારો રસ્તો એ છે કે ભૂલથી પણ કોઈ સારા માણસને ન રન્જાડો. મદદ ન કરી શકો તો કાઈ નહિ પણ કોઈની મજબુરીનો ફાયદો ન ઉઠાવો. જે તમારા પર વિશ્વાસ કરે છે એનો વિશ્વાસ ટકી રહે એનું સભાન પણે ધ્યાન રાખો. અને પછી વાસ્તુની સકારાત્મક ઉર્જામાં રહો. શ્રેષ્ઠ પરિણામો મળશે જ.
સવાલ: હું આપને ખુબ માનું છુ. એક મુંજવણ છે તો સલાહ આપશો. મને એક વ્યક્તિ ખુબ ગમે છે. એ પણ કદાચ મને પસંદ કરે છે. પણ કેટલાક કોમન મિત્રો એવું કહે છે કે એના તો આવા કેટલાય લફરા હશે. પણ ખબર નહિ મને એવું નથી લાગતું. એ મને વારંવાર મદદ કરે છે. પણ એની ચેટ વાંચીને બધા એવું કહે છે કે એ મને ફેરવે છે. સમજાતું નથી શું કરવું. આજે એને એવું લાગ્યું કે હું એને અવોઇડ કરું છું. હવે એ વાત કરશે કે નહિ?
જવાબ: ભાઈ શ્રી. તમે મહાન છો. કોઈ વ્યક્તિ તમારા પર વિશ્વાસ મુકીને કાઈ લખે છે, કહે છે અને તમે એ મિત્રોને બતાવો છો? અને તમને એ પ્રેમ કરે છે કે નહિ એ પણ તમારા મિત્રોને નક્કી કરવા દો છો? ખરેખર નવાઈ લાગે છે. કોઈએ તમારા ખભા પર માથું મુક્યું છે અને તમે એ કાપીને બજારમાં મૂકી રહ્યા છો. પેલી વ્યક્તિનો નિર્ણય યોગ્ય છે. તમને શું સલાહ આપું? પોતાની અંગત જિંદગી તમે જાહેરમાં ચર્ચા માટે લઇ જાવ છો. યુવાનીમાં આવું ઘણું બધું થતું હોય છે જેના માટે પસ્તાવો કરવા પાછળ આખી જિંદગી મળી રહે છે.
સાચો પ્રેમ કરનાર વ્યક્તિને ખોઈ દેવી એ કેટલી મોટી ભૂલ હોય છે એ તમને સમય જ શિખવાડશે. હજુ પણ કદાચ એ માની જાય તો આજે જ ફોન કરો, મનાવી લો, કદાચ માની જાય. આપના ઘરનું દ્વાર વાયવ્ય પશ્ચિમમાં છે અને તમે વાયવ્યમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવો છો. વળી પૂર્વનો અક્ષ પણ નકારાત્મક છે. સવારે સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો અને ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. વિચારોમાં ફેર પડશે.
આજનું સુચન: કોઈની મજબુરીનો ફાયદો ક્યારેય પણ ન લેવો જોઈએ. કર્મ એનું કાર્ય કરે જ છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)