ભારતીય પ્રણાલીમાં અગ્નિસંસ્કાર શા માટે કરતા હશે?

ક્યારેક તો એવું લાગે છે કે ઈશ્વર સાચે જ ઘણા બધા લોકોનું સાંભળે છે. જ્યાં ને ત્યાં બધા કહેતા હતા કે બી પોઝીટીવ. પોઝીટીવ થવા લોકો જાત જાતના નુશ્ખાઓ અજમાવતા. અને બધા પોઝીટીવ થવા લાગ્યા. ગયા લોક ડાઉન માં મંદિરો બંધ હતા ત્યારે ઘણા એવું કહેતા હતા કે ઈશ્વરને કહો કે મંદિરના દ્વાર ઉઘડે અને બધાને પોતાની પાસે બોલાવી લે. કદાચ એ પણ સંભળાઈ ગયું, પોતે ન સંભાળી શકે એટલું બધું માંગ્યું અને મળી ગયો સવાર સવારમાં મેસેજીસનો ખજાનો. એના કરતા ઈશ્વર પાસે માંગવાનું બંધ કરીને એમને ચાહવાનું શરુ કરી દઈએ તો? તો એમનો અંશ જેમનામાં છે એ બધા એટલે કે બધા જ જીવ ને ચાહવાનું મન થશે. સમગ્ર વિશ્વ પાછુ સંતુલનમાં આવી જશે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોઉં જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: ભારતીય પ્રણાલીમાં અગ્નિસંસ્કાર શા માટે કરતા હશે? સમજાવવા વિનંતી.

જવાબ:  ભારતીય નિયમોમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જોવા મળે છે. કોરોના સમયમાં વિશ્વના ઘણા દેશોએ અગ્નિ સંસ્કારની પ્રણાલી અપનાવી છે. એના કારણો અલગ અલગ છે. ૧) શરીરમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. જેનાથી અન્યમાં એ ફેલાવાની શક્યતા ઘટે છે. ૨) શરીરનો નાશ થાય છે. તેથી એના માટે નવી જમીન ફાળવવી પડતી નથી. ૩) જયારે અગ્નિ સંસ્કાર થાય છે ત્યારે સહુને સમજાય છે કે દેહ નાશવંત છે. આત્માનું મહત્વ અને જીવનના મુલ્યો સમજાય છે. આમ વિજ્ઞાન, મનો વિજ્ઞાન અને ફિલોસોફી બધુજ આ એક ક્રિયામાં આવરી લેવાયું છે.

સવાલ: તમારા મોટા ભાગના સૂચનોમાં શિવ પૂજાનું મહત્વ છે. તો એનું કારણ શું?

જવાબ:  શિવ એ જગતનું મૂળ તત્વ છે. શિવ પુરાણ મુજબ શિવ એક અગ્નિ સ્તંભ છે અને એનું વિસ્તરણ થયા બાદ એક પ્રચંડ ધડાકા સાથે એનું વિભાજન થયું. એમાંથી બ્રહ્માંડની રચના થઇ. જે તત્વથી બ્રહ્માંડની રચના થઇ એ જ તત્વની સાધના બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવામાં વાપરી શકાય એવું હું માનું છુ. મારા મત પ્રમાણે જે પાંચ તત્વો બ્રહ્માંડમાં છે એ જ પાંચ તત્વો આપણા ઘરમાં છે અને એ જ  આપણા શરીરમાં છે. વાસ્તુની સકારાત્મક ઉર્જા બ્રહ્માંડની ઉર્જાને આપણા ઘર થકી આપણા જીવન અને શરીર સુધી પહોંચાડે છે. વળી ઓમકાર એ બ્રહ્માંડનો નાદ છે. તો એ નાદ જીવનને સમૃદ્ધ બનાવી શકે છે. મૂળભૂત રીતે જે સ્ત્રોત છે તેની જ સાધના કરવાની વાત છે એવું કહી શકાય.

આજનું સુચન:  જળ તત્વ માણસને સ્વસ્થ રાખી શકે છે તેથી યોગ્ય રીતે જળનું ગ્રહણ કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય મળી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]