દક્ષિણમાં બાલ્કની? ગુસ્સો વધારે…

જીવનને સમજવા માટે મૃત્યુને સમજવું જરૂરી છે. જીવન અવિરત છે પણ તેનો અંત નિશ્ચિત છે. સાચી વાતની સ્વીકૃતિ માટેની હકારાત્મક ઉર્જા મળે છે વાસ્તુ શાસ્ત્ર થકી. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે મકાન મુખ્ય દિશાઓથી પિસ્તાલીસ અંશના ખૂણા પર છે. લંબચોરસ મકાનમાં ઉત્તરનું મુખ્ય દ્વાર છે જે સારું ગણાય. ઘરમાં પ્રેક્ટિકલ વિચારધારા હોય. પૂર્વમાં બાલ્કની સારી ગણાય પરંતુ દક્ષિણમાં બાલ્કની યોગ્ય ન ગણાય. તેનાથી ગુસ્સાનું પ્રમાણ વધે. લિવિંગ રૂમ પૂર્વથી ઉત્તરનો ભાગ કવર કરે છે જે સારું ગણાય. પરંતુ બેઠક વ્યવસ્થા યોગ્ય નથી. આ ઘરમાં વાયવ્યમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં રીપેરીંગ વધારે આવે યા તો તેનો યોગ્ય વપરાશ ન થાય. વાયવ્ય મુખી બેઠક વ્યવસ્થા નકારાત્મક વિચારો વધારે આપે. તેથી ધાર્યા કામ યોગ્ય સમયે ન થાય. બુટ ચપ્પલનો સ્ટોરેજ ઉત્તરના પદમાં છે. જે આર્થિક ચિંતા કરાવે. રસોઈ ઘર યોગ્ય જગ્યાએ છે અને રસોઈની દિશા પણ યોગ્ય છે. અહીં રસોઈ ખરેખર સ્વાદિષ્ટ થતી હોય. આ જગ્યાએ ઉત્તર અને ઈશાનમાં વજન છે તે યોગ્ય ન ગણાય. અનાજ અને પાણીનો ભેજ બંને સાથે ન હોઈ શકે.

વૉશિંગ મશીન અગ્નિમાં યોગ્ય નથી અને અનાજની સાથે પણ ન હોઈ શકે. અહીં પાર્ટીશન જરૂરી છે. એક જ જગ્યાએ વધારે દરવાજા હોય તે સારું ન ગણાય. દક્ષિણના બેડ રૂમમાં સુવાની વ્યવસ્થા નૈઋત્ય તરફ માથું રાખવાની છે. તેનાથી મનમાં વિકાર આવી શકે. વળી રૂમના ઈશાન અને પૂર્વમાં ફર્નિચર છે તે પણ યોગ્ય નથી. માનસિક તણાવ આવે. આમાં અગ્નિ તરફ ખુલતી તિજોરી વધારો કરે. બાથરૂમ યોગ્ય જગ્યાએ છે. પશ્ચિમથી નૈઋત્યના રૂમમાં પણ સુવાની વયવસ્થા યોગ્ય નથી. શક્ય હોય તો અહીં અગ્નિમાં માથું રાખીને સૂવું. ઘરની મુખ્ય વ્યક્તિ ને અહીં સુવાય. મંદિરનું સ્થાન યોગ્ય નથી જ. વળી નૈઋત્ય તરફ ખુલતું મંદિર ખુબ ઉગ્રતા આપે. મંદિરની ઉપર શોકેસ છે તે આ પરિસ્થિતિમાં વધારો કરે. બાથરૂમ નકારાત્મક નથી. ઓપનિંગની રીતે વિચાર કરીએ તો પણ ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ ગણાય. એકંદરે માનસિક અને આર્થિક તણાવવાળી જગ્યા ગણી શકાય. ઘરમાં મૂળભૂત વ્યવસ્થા વધારે નકારાત્મક નથી.આ જ ઘરમાં વધારે સારી ઉર્જા મેળવવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નક્સા પ્રમાણેની રચના જરૂરી છે. ત્યાર બાદ પૂર્વની બાલ્કનીના ઉત્તરી ઈશાનમાં પાંચ તુલસી વાવવા, દક્ષિણની બાલ્કનીના પૂર્વ અગ્નિમાં ફૂલ દાડમ અને મુખ્ય દ્વારની બહાર ગલગોટા વાવવા. લિવિંગ રૂમની ઈશાન પૂર્વની દીવાલ પર આછો ગુલાબી અને રસોઈ ઘરની ઉત્તર ઈશાનની દીવાલ પર પેસ્ટલ યલો કલર લગાવવા. બ્રહ્મમાં એક સફેદ બલ્બ સંધ્યા સમયે એક કલાક ચાલુ રાખવો. મંદિર કે તિજોરીની ઉપર કોઈપણ પ્રકારનું વજન રાખવું નહિ. સૂતી વખતે પગ ધોઈને સૂવું અને પગ પર કવર કરીને સૂવું.

બેડ રૂમમાં કાળા રંગની ચાદર પાથરવી નહિ. દરરોજ સવારે સૂર્યને જળ ચડાવવું. ગણેશજી ને ગોળ ધરાવીને પ્રસાદ લેવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ, ચોખા, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા. વડીલોને સન્માન આપવું. સવારે વહેલા ઉઠવું.

જીવન જીવવાની હકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ઉદભવે છે વાસ્તુ થકી.