લાગણીને સાચી દિશા આપે છે વાસ્તુની ઊર્જા… કેવી રીતે?

માણસનું મન રંગાય પછી પાણી કે રેઇન ડાન્સની ક્યાં જરૂર છે? મનને રંગનાર રંગો લાગણીના હોય છે. લાગણીને સાચી દિશા આપે છે વાસ્તુની ઉર્જા. આજે આપણે જે મકાન નો અભ્યાસ કરીએ છે તે વિનોદભાઈનું મકાન છે. ચોરસ પ્લોટમાં વાંકુચૂકું મકાન છે જેમાં ઈશાનમાં માર્જિન વધારે છે તો પશ્ચિમમાં કોમન દીવાલ છે. નૈઋત્ય અને વાયવ્યમાં એકસ્ટ્રા બાંધકામ છે તો પૂર્વ પછીનો અગ્નિનો ભાગ બહાર છે. આ જગ્યાએ રહેવાવાળા લોકો લાગણી પ્રધાન હોય. તેમને નાની નાની વાતમાં અથડામણો થતી હોય, માઠું પણ વધારે લાગે અને પડવા આખડવાનું પણ થાય. સંબંધોમાં સ્થિરતા ઓછી રહે અને હાડકાની તકલીફ પણ રહે.માનસન્માન પણ સરખા ન મળે અને નારીને શારીરિક માનસિક તકલીફ રહે. પ્લોટની એન્ટ્રી ઉત્તર મધ્યની છે જે સારી ગણાય, પરંતુ તેના કારણે એક લાઈનમાં ત્રણ દરવાજા આવે છે, જે નકારાત્મક હોવાથી એન્ટ્રીની પુરી અસર ન મળે. ઘરમાં જવા માટે બે દરવાજા છે. ઉત્તર તરફનો દરવાજો સારો છે, પરંતુ પૂર્વ તરફ ખૂલતો દરવાજો યોગ્ય નથી. વળી ઉત્તરનો દરવાજો બેડરૂમમાં ખુલે છે, જ્યાં ખરેખર લિવિંગ રૂમ હોવો જોઈએ. લિવિંગ રૂમ વાયવ્યમાં છે અને બેઠક વ્યવસ્થા અગ્નિમુખી છે. જેના કારણે ઘરમાં એક બીજા સાથેની આત્મીયતા ઓછી રહે. ઘરમાં કોઈનો સ્વભાવ અન્યનો દોષ જોવાવાળો બને. જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે. દક્ષિણ તરફ મુખ રાખીને ટીવી જોવાથી સ્વભાવમાં ઉગ્રતા આવી શકે. નૈઋત્યમાં રસોડું છે અને પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈ કરવાની વ્યવસ્થા છે. નારીને તન મનનું સુખ ઓછું થાય. રસોઈનો સ્વાદ બદલાયા કરે તેથી આત્મવિશ્વાસ પણ ઓછો થાય.

કુલ ત્રણ દરવાજા છે જે પણ ઘરની ઉર્જા ઓછી કરે. નૈઋત્યમાં બાથરૂમ છે. જે બંધારણની રીતે યોગ્ય ન ગણાય. ઘર બે ભાગમાં વિભાજીત છે. બંને ભાગ અંદરથી જોડાયેલા નથી, તેથી તે બે અલગ અલગ વિચારધારા ઉભી કરી શકે. બ્રહ્મમાં ગોખલા અને કબાટો આવેલા છે જે યોગ્ય નથી. ઘરમાં કોઈનો આત્મવિશ્વાસ અચાનક ઓછો થઇ જાય તેવું બને. પૂર્વમાં બેડ રૂમ હોય તો તે યુગલ માટે યોગ્ય ન ગણાય. તેના લીધે એવી સમસ્યા ઉદભવે. જે સમગ્ર પરિવારને અસર કરે. દક્ષિણમાં ટોયલેટ જનરેશન ગેપ આપી શકે. અગ્નિમાં ટોયલેટ અને દાદરો છે જે નારીને લગતી સમસ્યાઓ, કિડની, આંખ, કાન યા દાંતની સમસ્યા આપી શકે. આઠમાંથી છ અક્ષ યોગ્ય નથી, તેથી વિવિધ સમસ્યાઓ જેવી કે, આત્મવિશ્વાસનો અભાવ, નકારાત્મક વિચારધારા, વિવિધ બીમારીઓ, અશાંતિ, ઉગ્રતા, કૌટુંબિક અસમાનતા વિગેરે આવી શકે. પણ તેનાથી ગભરાઈને ઘર ખાલી કરવાની કે ઘરમાં તોડફોડ કરવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં આ જ જગ્યાએ વધારે સારું જીવન જીવવા માટેના નિયમો છે. અહીં હકારાત્મક ઉર્જા મેળવવા માટે સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના જરૂરી છે.ઈશાનમાં સાત તુલસી, અગ્નિમાં બે ફૂલ દાડમ, નૈઋત્ય દક્ષિણ અને નૈઋત્ય પશ્ચિમમાં એક એક નારિયેળી, ઉત્તરમાં દ્રાક્ષ વાવવી. ઉત્તર તરફના ઘરના મુખ્ય દ્વાર પર પરદો લગાવી દેવો. ઘરમાં ગુગલ, ચંદન, જાસ્મીનનો ધૂપ ફેરવવો. ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવવું. સૂર્યને જળ ચડાવવું. શિવલિંગ પર પાણી- દૂધ, પંચામૃત, ચોખા, ચંદન, કેવડાનું અત્તરનો અભિષેક કરવો. સુખ ઘરમાં જ છે. માત્ર તેના નિયમો સમજવા જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]