મંગળગ્રહ તારીખ ૩૦-૧૧-૨૦૧૭એ સવારે ૦૫:૦૨ કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોમાં યુવરાજ મંગળ અગ્નિતત્વ પ્રધાન છે, તુલાએ વાયુતત્વની રાશિ છે, અગ્નિતત્વ માટે વાયુતત્વ પોષક છે. સહજ છે કે મંગળનું તુલા રાશિમાં ભ્રમણ વર્તમાન પ્રવાહો, ચૂંટણીનું રાજકારણ અને સુરક્ષાના મુદ્દાઓ પર અસર ઊભી કરે તો આશ્ચર્ય નહીં કહેવાય. મંગળનું તુલામાં ભ્રમણ ચૂંટણી સમયે છેલ્લી ઘડીનું રાજકારણ ગરમાય તેનો નિર્દેશ કરે છે. મંગળ તારીખ ૧૭-૦૧-૨૦૧૮ સુધી તુલા રાશિમાં રહેશે, મંગળનો તુલામાં ભ્રમણનો સમય અને ગુજરાતની ચૂંટણી બંને યોગાનુયોગ સાથે ચાલી રહ્યાં છે. ગુજરાત રાજ્યના સ્થાપના સમયની કુંડળી ધન લગ્નની છે, તે સમયના ગ્રહોની સ્થિતિ પ્રમાણે મંગળ લાભ ભાવે ભ્રમણ કરી રહ્યો છે, સૂર્ય અને શુક્રથી સમસપ્તક થઈને સૂર્યને બળ આપી રહ્યો છે. લાભભાવે ગુરુ મહારાજ જે ગુજરાતની સ્થાપનાના સમયના ગ્રહોની સ્થિતિ અનુસાર શુભફળકર્તા છે, તેની સાથે મંગળ તુલા રાશિમાં યુતિ પણ રચશે.
આદ્ય આચાર્યોએ મંગળને લાભભાવે શુભ ગણ્યો છે. દેશ અને દુનિયાની નજર ગુજરાતના રાજકીય ભવિષ્ય પર મંડાશે અને મંગળનું ભ્રમણ રાજ્યને લાભ આપીને જશે. રાજકારણમાં વાદવિવાદ સાથે છેલ્લી ઘડીએ ગરમાવો આવી જાય તેની પણ શક્યતાઓ નિવારી શકાતી નથી. લાભ ભાવે મંગળ રાજ્યનું હિત જળવાઈ રહે અને પ્રજાની ખુશીમાં વધારો થાય તેનો નિર્દેશ કરે છે.
મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે બારેય રાશિના જાતકોનો ફળાદેશ:
મેષ: મંગળ તમારી રાશિથી સપ્તમ ભાવે પ્રવેશ કરશે, સપ્તમ મંગળ અન્ય લોકો સાથે વ્યવહારમાં ચોક્સી રાખવા નિર્દેશ કરે છે. મેષ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં થોડા સમય માટે વિલંબ અનુભવાય. લગ્નજીવનમાં વધુ ધ્યાન આપવું પડી શકે. વ્યવસાય કે નોકરીમાં વધુ ધ્યાન આપવું જરૂરી. ધાર્મિક કાર્ય બાકી હોય તો તેને સત્વરે પૂર્ણ કરવું. વૃષભ: વૃષભ રાશિના જાતકોને મંગળ છઠા ભાવે પ્રવેશ કરશે, છઠો ભાવ નોકરી સાથે સંકળાયેલ છે. આ ભાવમાં મંગળનું ભ્રમણ શુભ રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય નોકરીમાં પ્રગતિ આપી શકે. સફળતાની ઘણી સંભાવનાઓ રહે, પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકો. કાર્યોમાં સરળતા અનુભવાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં કે વાદ-વિવાદમાં જીત થઇ શકે. મિથુન: મિથુન રાશિના જાતકોને મંગળ પંચમ ભાવે આવશે, આ સમય દરમ્યાન શેર કે સત્તાકીય બાબતોમાં વધુ સાવચેત રહેવું જોઈએ. મિથુન રાશિના જાતકોને સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડી શકે, સંતાનના ભણતર કે સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન હોય તો તેને પ્રાથમિકતા આપવી. કાર્યોમાં નવેસરથી અને વ્યવહારિક અભિગમ બદલીને આગળ વધવું લાભદાયી રહે. કર્ક: ચતુર્થ ભાવે મંગળનો પ્રવેશ તમને લાભ આપી શકે, નાણાકીય આયોજનમાં ધીરજપૂર્વક નિર્ણય કરવો. કર્ક રાશિના જાતકોને નવા ઘર કે મિલકત અંગે નિર્ણય થઇ શકે. કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય નરમ રહી શકે. આવક વધી શકે. પોતાની લાગણીને કાબૂમાં લેવી મુશ્કેલ જણાશે, પોતાના રોજીંદાકાર્ય પર જ ધ્યાન આપવું યોગ્ય રહેશે. સિંહ: મંગળ ત્રીજે શુભફળ આપશે, ટૂંકી મુસાફરીનું આયોજન થઇ શકે. સિંહ રાશિના જાતકોને મહત્વના કાર્ય પાર પડી શકે. વ્યવસાયમાં મોટા સોદા થઇ શકે. નાણાકીય લેવડ-દેવડમાં ખોટી ઉતાવળથી બચવું. ભાઈ-બહેનને મદદરૂપ થઇ શકો. મહત્વના કાર્ય માટે નવી વ્યક્તિ સાથે મુલાકાત સફળ થાય. તમારા નિર્ણયથી ઘરના સભ્યો ખુશ થાય. કન્યા: કન્યા રાશિના જાતકોએ ઘરના સભ્યો સાથે મનમેળ વધારવો, આવક અને જાવક સરખી રહી શકે. ખોટા ખર્ચથી દુર રહેવું જરૂરી. દ્વિતીયભાવમાં મંગળનો પ્રવેશ તમને ટૂંકાગાળા માટે ક્રોધ અને ઉતાવળથી ઊભી થતી તકલીફ આપી શકે. તમારી પાસે ઉપ્લબ્ધ સાધનો અને સંપર્કનો યોગ્ય ઉપયોગ કરવો સલાહભર્યું ગણાશે. મહત્વની તક માટે રાહ જોવી લાભદાયી. તુલા: તુલા રાશિના જાતકોને થોડા સમય માટે ચિંતા અને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ અનુભવાય. તમે વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ કરશો સાથે સાથે કાર્યનું ભારણ પણ વધી શકે. કોઈ એક કાર્ય કે નિર્ણયને લીધે તમે પડકાર અનુભવો, જે આવનાર સુંદર સમયનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં મંગળનો પ્રવેશ છે, માટે વાહન અને મુસાફરી દરમ્યાન શારીરિક સ્વાસ્થ્ય સાચવવું. વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને વધુ ખર્ચનો અનુભવ થાય, આયોજનથી વિપરીત મુસાફરી થઇ શકે. મહત્વના કાર્યોમાં મન સ્થિર રાખીને આગળ વધવું. બારમે મંગળનું ભ્રમણ તમને મધ્યમ ફળ આપશે, આ સમય દરમ્યાન કાર્યોમાં મધ્યમ ગતિએ પ્રગતિ થાય. આર્થિક લાભ માટે તમે પોતાની યોજનાઓ પર નવેસરથી વિચાર કરો તેવું બની શકે. ધન: ધન રાશિના જાતકોને આવકમાં વધારો થઇ શકે, સામાજિક પ્રતિષ્ઠા વધે તેવા પ્રસંગ બની શકે. મન પ્રફુલ્લિત રહે, કાર્ય સફળ થાય. તમે જે બાબતોમાં પડકાર અનુભવતા હોય તેમાં તમારી અણધારી સફળતા તમને ખુબ આનંદિત કરી મુકે, તેવું બની શકે. લાભભાવે મંગળનું ભ્રમણ આર્થિક બાબતોમાં શુભ કહી શકાય, નાણાકીય આયોજનમાં સરળતા રહેશે. મકર: મકર રાશિના જાતકોને પોતાના કાર્યક્ષેત્રે પોતાની ધારણા મુજબ કાર્ય આગળ વધશે. તમે મહત્વના કાર્યોમાં પોતાની નિર્ણય શક્તિને લીધે સુંદર દેખાવ કરશો. તમે પોતાના નિર્ણયમાં સ્વતંત્રતા અનુભવો, તમારા આલોચકો શાંત રહે તેવું બની શકે. દસમે મંગળ ખુબ શુભ ગણી શકાય, શત્રુઓ શાંત થાય અને તમારા કાર્યમાં કુદરતી સહાય મળે. કુંભ: કુંભ રાશિના જાતકોને પ્રવાસ કે મુસાફરીથી લાભ થઇ શકે. તમારી વ્યક્તિગત ધારણા કે મંતવ્યને વળગી રહેવું તમને તકલીફ આપી શકે. કુંભ રાશિના જાતકોને નવમે મંગળ, ઉચ્ચ અભ્યાસમાં વધુ ધ્યાન આપવા સૂચવે છે. લાંબાગાળાના લાભ પર ધ્યાન આપવું. નવયુવાનોને વધુ મહેનત કરવી જરૂરી, ખોટા સમાચાર કે વાતોથી બચવું. મીન: મીન રાશિના જાતકોને આ સમય દરમ્યાન પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડી શકે, પારિવારિક બાબતો અને વ્યવસાયમાં તમારે વધુ રૂઢીચુસ્ત બનવું પડી શકે. આઠમા ભાવે મંગળ તમને પોતાના નિર્ણયોમાં સાવધ રહેવા કહે છે, નાની ભૂલ પણ મોટું સ્વરૂપ લઇ શકે. પોતાના સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપવું. મહત્વના સંબંધ વધુ ઘનિષ્ઠ બનતા લાભ થઇ શકે. |