સુંદર પહેરવેશ અને આકર્ષક વ્યક્તિત્વ. સામેવાળાને જલ્દી સમજી લે, એક મુલાકાતમાં ચર્ચા કરી ને વાત પાકી કરી લે આ બધી ખાસિયત તુલા રાશિના જાતકોમાં જોવા મળે છે. તુલા રાશિના જાતકને ક્યાં અટકવાનું છે તેની પુરતી જાણકારી હોય છે, માટે તેઓના વ્યવહારમાં અતિરેક જોવા મળતો નથી. તુલા રાશિ વાયુ તત્વ અને ચર સ્વભાવની રાશિ છે, આ બંને ગુણોને લીધે આ રાશિ સકારાત્મક અને સક્રિય છે, તેઓના નિર્ણય તુરંત હોય છે છતાં તેમના નિર્ણય મોટેભાગે સાચા જ પડતા હોય છે. આ રાશિના જાતકો પોતાના નિર્ણય પર ક્યારેય પસ્તાવો નથી કરતા, તેમની અંદર સારા-ખરાબને સમજવાની સુંદર ખાસિયત રહેલી છે. જયારે તેઓ વ્યવસાયમાં હોય છે ત્યારે તેમની ઝડપ ખુબ નોંધનીય હોય છે. તેઓ પોતાની નિર્ણય કરવાની કાબેલીયતને લીધે વ્યવસાયમાં જલ્દી આગળ વધે છે. વ્યવસાયમાં નિર્ણયની બાબતમાં તેઓ સંજોગ અનુસાર પોતાનો નિર્ણય સચોટ સમયે બદલે પણ છે, તેમની આ ખૂબી તેમને વ્યવસાયમાં ખુબ આગળ લઇ જાય છે. હા અને ના ની વચ્ચે પણ તેઓ સિફતપૂર્વક રહી શકે તેટલા તેઓ કાબેલ છે.તુલા રાશિના જાતકો આર્થિક બાબતોમાં જલ્દી સ્વાવલંબી બને છે, તેઓને આર્થિક બાબતોનું જ્ઞાન જલ્દી થાય છે. નફો-નુકસાન અગાઉથી સમજવા તેમની માટે આસાન છે, માટે તેઓ આર્થિક બાબતે જીવન દરમ્યાન જલ્દી સ્થિર થાય છે. તેઓનું આયોજન તેમને પોતાને શાંતિ આપનારું હોય છે. તુલા રાશિના જાતકોને ધનપ્રાપ્તિ અંદાજે ૨૮માં વર્ષ પછી થાય છે. મંગળ દ્વિતીય ભાવનો માલિક હોઈ તુલા રાશિના જાતકો ધન બાબતે ઉતાર-ચઢાવ પણ જલ્દી અનુભવે છે. કુટુંબમાં તથા નજીકના સંબંધીઓમાં તેઓ ઘણીવાર મોટો વિયોગ પણ સહન કરતા હોય છે, તેઓને પોતાના કુટુંબ પ્રત્યે લાગણી ચોક્કસ હોય છે પરંતુ કુટુંબમાં અકાળે તકલીફનો પણ તેઓને અનુભવ થાય છે. આ રાશિના જાતકો પોતાના કુટુંબીજનોને બહુધા ઘણું બધું આપે છે, તેઓ પોતાના કુટુંબ માટે ખુબ મહત્વના છે, તેઓ આર્થિક અને વ્યવહારિક બાબતે કુટુંબને પૂરક હોય છે.
તૃતિય ભાવનો માલિક ગ્રહ ગુરુ છે. તુલા રાશિના જાતકોને ભાઈ-બહેન સાથે સંબંધો વધુ સાચવવા જોઈએ. મારા મતે તુલા રાશિના જાતકોને ભાઈ-બહેન પાસેથી ઘણુબધું મળે છે, સાચી સલાહ, સમયાંતરે સુચન અને ઘણીવાર આર્થિક ઉન્નતિમાં પણ ભાઈ-બહેન અગત્યનો ભાગ ભજવતા હોય છે.
તુલા રાશિના જાતકોને વાહન અને મકાનનું સ્થાયી સુખ લગભગ ૩૬માં વર્ષ પછી પ્રાપ્ત થાય છે. પારિવારિક જીવનની શરૂઆતમાં લીધેલ મકાન તેમને લગભગ આ ઉમરે બદલાય તેની સંભાવનાઓ ઘણી છે. મારા મતે અન્ય બાધ ના હોય તો કોઈ સફળ વ્યક્તિના જુનું મકાન કે વાહન તેઓ ખરીદે તો તેમને લાભકર્તા સાબિત થઇ શકે, તેનું કારણ ચતુર્થ ભાવનો સ્વામી શનિ ગ્રહ છે. સંતાનસુખ બાબતે તેઓને સામાન્યથી વધુ સમય લાગે છે. સંતાન તેમના કરતા પણ વધારે પ્રભાવશાળી અને મહેનતુ હોઈ શકે તેની પણ ભરપુર સંભાવનાઓ રહેલી છે.
તુલા રાશિના જાતકોને મેદસ્વીતા અને બેઠાડું જીવન તકલીફદાયી છે, તેઓ ખાનપાનની આદતોમાં બેશક મર્યાદા જાળવે છે છતાં તેમને પોતાના શારીરિક બાંધા માટે ખુબ કાળજી હોય છે. થોડું પણ વજન આમ તેમ થાય તો તેઓ તેની તુરંત નોંધ લે છે આ બધાનું મૂળ કારણ આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર પોતે પણ સૌદર્ય અને ચમકનો ગ્રહ છે, સ્વાભાવિક છે આ રાશિના જાતકોને પોતાના ચેહરાથી લઈને પહેરવેશ સુધી બધી ચીજોમાં અલગ ઓળખ અને પ્રભાવ રહેવાના જ. રોગસ્થાનનો સ્વામી ગુરુ ગ્રહ છે, ગુરુ ગ્રહ કફ અને મેદનો નિર્દેશક છે, આથી યકૃતના રોગ, લોહીનું ઘટ્ટ થવું, વજન અસમાન્ય રીતે વધી જવું, શારીરિક સ્થૂળતા આવવી અને મેદને લીધે બેડોળ શરીર પણ અશુભ થયેલ ગુરુને લીધે થઇ શકે. અશુભ ગુરુ ચતુર્થ ભાવે હ્રદયનું અસામાન્ય પહોળું થવું નિર્દેશિત કરે છે. આહારમાં સમયાંતરે પરિવર્તન કરવું અને વધુ પોષણક્ષમ આહાર તેમની માટે યોગ્ય છે.તુલા રાશિના જાતકો જન્મજાત પ્રેમાળ હોય છે, તેઓ દિલ જીતવા-હારવાની કળા ખુબ સારી રીતે જાણે છે. ફિલ્મી પ્રેમને તેઓ જીવનમાં પણ જોઈ શકે છે. તેઓ નાનપણથી જ એક આકર્ષક વ્યક્તિત્વ માલિક હોય છે અને પોતાના વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં લઈને જીવન જીવતા હોય છે. તેઓ જીવનમાં વહેલી ઉમરે પ્રેમમાં પડે છે. તેમનો પ્રેમ યુવાનીની શરૂઆતનો જ કહી શકાય, અન્ય રાશિઓ પ્રેમ બાબતે ઘણા બધા પસંદગીના ધોરણ રાખે છે પણ તુલા રાશિના જાતકો જાણે ઉમરથી જ દોરવાઈ જાય છે. તેઓનો પ્રેમએ એક સમય સમયની વાત જેવો હોય છે. બેશક તેઓને ગમતું પાત્ર ખુબ સૌદર્યવાન હોય જ છે. લગ્નજીવન લગભગ ૨૪ પહેલા અથવા ૨૮માં વર્ષ પછી સ્થાયી બનતું હોય છે, લગ્ન બાબતે તેઓની પસંદગી ઘણીવાર અણધારી પણ હોઈ શકે છે. મોટેભાગે તેઓનું લગ્નજીવન સુખી હોય છે.
તુલા રાશિના જાતકોને વ્યવસાય ભાવનો માલિક ચંદ્ર ગ્રહ છે, ચંદ્ર હેઠળ થતા વ્યવસાયમાં ખાણીપીણીની ચીજો, લોજીસ્ટીક્સ, પ્રવાસન વ્યવસાય અને હોટેલના વ્યવસાય તેમને ફળી શકે. એક વાત ચોક્કસ છે કે આ રાશિના જાતકો માટે નોકરી અને વ્યવસાયમાં પરિવર્તન ચાલતું જ રહે છે. બીજા અર્થમાં આ રાશિના જાતકો સમયાંતરે અને સંજોગ અનુસાર પોતાની આજીવિકાના સાધનોમાં પરિવર્તન કરતા રહે તે તેમને ખુબ ફાયદાકારક સિદ્ધ થશે. નોકરીમાં તેઓ દુરના સ્થળે નોકરીએ જોડાય તેની સંભાવના ઘણી રહેલી છે. ૨૨માં વર્ષની આસપાસ તેમને પ્રથમ કાર્ય હાથમાં લાગે છે. સલાહ સુચન કરતી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને કાયદાકીય સંસ્થાઓમાં તેઓ ઉત્તમ કાર્ય કરી શકે છે. અંદાજીત ૪૪માં વર્ષ પછી તેઓ સ્વતંત્ર વ્યવસાયમાં લાગી જતા હોય છે. તેઓનો મિત્રવર્ગ વિશાળ નથી હોતો, થોડા પણ પ્રતિભાશાળી વ્યક્તિઓને તેઓ મિત્ર તરીકે પસંદ કરતા હોય છે. સરકાર કે વહીવટી ક્ષેત્રમાં તેઓને સારા સંપર્ક હોય તેવું બની શકે, તેનું કારણ સામાજિક ભાવનો માલિક સૂર્ય છે.
તુલા રાશિના જાતકોને બુધ, શનિ અને રાશિ સ્વામી શુક્ર ફળદાયી છે, જયારે ગુરુ અને સૂર્ય શુભ ફળ આપી શકતા નથી.
તુલા રાશિના જાતકોને તુલા, કુંભ અને મિથુન રાશિના જાતકો સાથે સુંદર તાલમેલ હોય છે.
ધન, મેષ અને સિંહ રાશિના જાતકો સાથે તેઓને વ્યવહાર સારો રહે છે.
મીન, વૃષભ અને કન્યા રાશિના જાતકો સાથે તેમને મનમેળ કરવા વધુ પ્રયત્ન કરવા પડે છે.
વૃશ્ચિક, મકર અને કર્ક રાશિના જાતકો સાથે તેમનો વ્યવહાર મધ્યમ ફળદાયી રહે છે.