વાસ્તુ: ઈશાન કે નૈરુત્યમાં ખાડો હોય તો?

માનવીને જીતવા માટે શું જોઈએ? હથિયાર? હથિયારોની શોધ થઇ હતી માનવીને મદદ કરવા માટે. પત્થરો તોડીને રસ્તા બનાવવા કે ખેતી કરવામાં સરળતા રહે એના માટે બનેલા હથિયાર હત્યા માટે પણ વપરાવા લાગ્યા. શું એનાથી કોઈ વ્યક્તિ વિશ્વ વિજેતા બની શક્યા? જે લોકો પ્રેમથી વિજેતા બન્યા એમના સંપ્રદાય પણ બન્યા. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે એને કોઈ પ્રેમ કરે અને એ કોઈને પ્રેમ કરે. અલૌકિક પ્રેમની અનુભૂતિ વ્યક્તિના વ્યક્તિત્વને પણ બદલવા સક્ષમ છે. એક એવા વિશ્વની પરિકલ્પના કે જેમાં કોઈ સરહદો ન હોય. બધાજ એક બીજા સાથે એક પરિવારની માફક રહેતા હોય અને માત્ર પ્રેમનું જ સામ્રાજ્ય હોય એ કેટલી અદ્ભુત લાગે છે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો અપ નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.

સવાલ: અમારા ઘરના નૈરુત્યમાં ખાડો છે. કોઈએ અમને સમજાવ્યું કે એના કારણે ઘરમાં કંકાસ વધે છે. અમારા ઘરમાં ખુબ કંકાસ છે. કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી.

જવાબ: ગૃહકંકાસ માટે ઘણા કારણો હોય છે. ભારતીય વાસ્તુ પ્રમાણે પણ માત્ર નૈરુત્યના દોષના લીધે કંકાસ થાય એવું નથી હોતું. નૈરુત્યમાં ખાડો હોય તો તે આર્થિક બાબતોને તથા સ્વાસ્થ્યને અસર કરે છે. વળી કોઈ પણ બાબતને સમજ્યા વિના એનાથી ડરવું ન જોઈએ. ભારતીય વાસ્તુ નીયમો માનવજાતિને મદદ કરવા માટે રચાયા છે. એનાથી ડરવાની જરૂર નથી. કોઈ પણ વાસ્તુને સમજ્યા વિના એના વિશે વાત કરવી અધુરી છે.

 

સવાલ: કોઈ પાસે વાત સાંભળી છે કે ઈશાનમાં ખાડો શુભ માનવામાં આવે છે. મારા ઘરમાં એ શક્ય નથી. તો શું કરવું જોઈએ?

જવાબ: દરેક ઈશાનમાં ખાડો કરવો જરૂરી ન હોય. વળી ભારતીય વાસ્તુના નિયમોને સમજ્યા વિના કોઈ પણ નિર્ણય ન લેવાય. શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. જડતા નહિ. વળી ઈશાનમાં ખાડો હોવો જોઈએ એવી વાત ક્યાંય નથી. જે લોકો ફ્લેટમાં રહે છે એ ઈશાનમાં ખાડો કેવી રીતે કરે? અને પોતાના કમ્પાઉન્ડમાં કોઈ ખાડો શું કામ કરે?

સુચન: ઈશાનમાં પ્લોટનું લેવલ નીચે હોય એ સારું કહેવાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)