સમય સમયનું કામ કરે જ છે. આજે જેનો જેવો સમય છે એ કાલે ન પણ હોય. હવામાં ઉડતું વિમાન માત્ર એક ચકલીના અથડાવાથી જમીન પર આવી જાય છે. એક વિશાળ જહાંજ એક હિમશીલાના ટકરાવાથી દરિયામાં ગરકાવ થઇ શકે છે. કોઈ વ્યક્તિ કે કોઈ સમય કાયમ નથી રહેતા. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને સત્ય પર ગમે તેટલા આવરણ ચડાવી દેવામાં આવે, ગમે તેટલા નકારાત્મકતાના ઢોલ વગાડવામાં આવે પણ અંતે સત્ય સામે આવે જ છે. માણસ સતત કુદરતને મ્હાત આપવા મથી રહ્યો છે. પણ કુદરત શાંતિથી પોતાનું કાર્ય કર્યા જ કરે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શું ઈશ્વરને ત્યાં ન્યાય હોય છે? અમારું આખું ફેમીલી બીજા માટે સારું જ વિચારે છે. લોકોને મદદ કરવા માટે અમે અમારા બધા પૈસા ખર્ચી નાખ્યા. અમે જેમને મદદ કરી એ જ લોકો હવે અમારી મજાક કરે છે. અન્યની સામે ઉતારી પાડે છે. નોકરો જેવો વ્યવહાર કરે છે. જો કર્મનો સિદ્ધાંત લાગુ પડતો હોય તો આવું શા માટે થાય છે?
જવાબ: જયારે કંસ દેવકીને વળાવતો હતો ત્યારે આકાશવાણી થઇ હતી કે દેવકીનું આંઠમુ સંતાન તારો વધ કરશે. કંશે દેવકી અને વસુદેવને કેદ કરી લીધા. પછી એ ખુબ સારો માણસ બની ગયો. એનો વધ કરવા માટે એની પાસે પાપ કરાવવા જરૂરી હતા. કંસ પાસે નારદજી કમળનું ફૂલ લઈને ગયા. અને પૂછ્યું કે આની આંઠમી પાંદડી કઈ. કંસ એ ન બતાવી શક્યો. એટલે નારદજીએ સમજાવ્યું કે સમયનું ચક્ર પણ કમળના ફૂલ જેવું છે. કયા જનમનો દીકરો તારો વધ કરશે એ તને ક્યાં ખબર છે? અને કંસને ક્રોધ આવ્યો. એ પાછો ઘાતકી થઇ ગયો. આવું જ ક્યારેક બનતું હોય છે. કુદરત જેને ખોટું કરવામાં સાથ આપે એનો અંત આપણને ખબર નથી. તમે સહુનું ભલું કર્યું છે.
હા, એ વાત સાચી છે કે આજના જમાનામાં પૈસાનું ખુબ મહત્વ છે. પણ એનાથી પણ વિશેષ મહત્વ છે સંતોષનું. જેના વિના સુખ શક્ય નથી. હવે તમે વિચારો તમે સુખી છો? જે લોકો અઢળક ધન હોવા છતાં તમારું અપમાન કર્યા કરે છે એ સુખી નથી. કોઈને નીચા દેખાડવાથી વ્યક્તિ મોટી નથી થઇ જતી. અન્યને સન્માન આપવાની કળા ઈશ્વર બધાને નથી આપતા. તમે જેવા છો એવા જ રહો. ઈશ્વર જરૂર સાથ આપશે.
સવાલ: ઈશાનમાં પાણીની ટાંકી હોવી જોઈએ એવી વાત મેં વાંચી છે. મેં ઈશાનમાં ઓવરહેડ ટાંકી બનાવી પછી ઘરમાં ખુબ સમસ્યાઓ આવી છે. આવું કેમ થાય છે?
જવાબ: અધૂરું જ્ઞાન હમેશા નુકશાન કરે છે. ઈશાનમાં પાણીની ટાંકી ક્યાં કેવી રીતે, કયા માપની, કેવા પ્રકારની આવી ઘણી બધી બાબતોનો તમે અભ્યાસ નથી કર્યો. માત્ર કોઈ પણ પ્રકારની ટાંકી મુકીને આખા શાસ્ત્રને દોષ ન આપી શકાય. ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય તો હૃદયને તકલીફ પડે એવું બને. જો તમને આવો અનુભવ થતો હોય તો તમને શાસ્ત્રમાં વિશ્વાસ આવશે. ભારતીય વાસ્તુશાસ્ત્ર ગહન વિષય છે. એને કોઈ રીલ્સ કે સામાન્ય પુસ્તકમાંથી આત્મસાત ન કરી શકાય. વળી પોતે ભૂલ કરીને આપણા શાસ્ત્રોને વખોડવાની ફેશન ચાલી છે એ પણ આપણી સંસ્કૃતી માટે ઘાતક છે.
સુચન: ઇશાન ખુણામાં પાણીની ટાંકી હોય તો સાયનસ થઇ શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
