વૃક્ષો આપણને વાઈફાઈ આપતા હોત તો? તો કદાચ લોકો વૃક્ષો કાપવાના બદલે વૃક્ષો વાવવાનું કામ કરત. આપણે વાઈફાઈ વિના જીવી શકીશું પણ ઓક્ષિજન વિના જીવન શક્ય છે ખરું? છેલ્લા કેટલા બધા સમયથી વૃક્ષારોપણમાં તમે કેટલા વડ, પીપળા કે લીંબડા વાવ્યા? વાંસ, સપ્તપર્ણી કે ગુલમહોર એ વૃક્ષો જેટલો ઓક્સીજન આપી શકશે? વળી કોનોકાર્પાસ જેની વાવણી અઢળક પ્રમાણમાં થઇ છે એ તો કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે. અન્ય દેશોમાં જે પ્રતિબંધિત છે એવા મસાલા પણ આપણે રાજી થઈને ખાઈએ છીએ. જે ખોરાક કેન્સર કરે તે પ્રતિબંધિત ન હોય તો એને સ્વાસ્થ્યના ભોગે પણ ખાવો જરૂરી છે? જીવન આપણું પોતાનું છે. અને રોગને ભોગવવાનો પણ દરેકને પોતાને હોય છે. એ સમજવું ખુબ જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: ઘરનું જમવાનું શબ્દ હવે લુપ્ત થઇ રહ્યો છે. કેટલીક એપ્લીકેશન દ્વરા ખાવાનું ઓર્ડર કરીને જે આવ્યું તે લુશ્પુશ ખાઈ લેવું એને ભોજન થોડું જ કહેવાય? મારા ઘરે એક મહેમાન આવ્યા હતા. અમે ઘરે ભારતીય ભોજનની વ્યવસ્થા કરી હતી. પણ એમને એક જાણીતા રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવવું હતું. મેં કહ્યું કે આપણે ત્યાં જ જતા રહીએ. પણ એમને ભીડમાં જવું નહતું. અંતે અમે ઓર્ડર કર્યું. રેસ્ટોરન્ટનો એપમાં લખેલો નંબર ખોટો હતો. રાઈડરને ફોન કર્યો કે અલગ રીતે ખાવાનું બનાવવાનું છે. એણે કહ્યું કે હું પહોંચીને વાત કરાવી દઈશ. અમે હેલ્પ ડેસ્કમાં વાત કરી. એ માણસે કહ્યું કે મેં સમજાવી દીધું છે. હું વિદ્યાર્થી છુ. મને ફાઈવ સ્ટાર આપો, મને માર્કસમાં કામ આવશે. અમે આપી દીધા.
ખાવાનું આવ્યું તો એ અડવાથી જ ઠંડુ લાગતું હતું. મેં રાઈડરને પૂછ્યું તો એણે કહ્યું કે રેસ્ટોરન્ટમાં પહેલેથી પેક થયેલું પડ્યું હોય છે. એ લોકો કશું સાંભળતા નથી. એ પાર્સલ મુકીને જતો રહ્યો. અમે ટેબલ સેટ કરતા હતા એ દરમિયાનમાં મહેમાનનું નાનું બાળક ભૂખ્યું થયું હોવાથી એણે પાર્સલ ખોલીને થોડું ખાઈ લીધું. થોડી વારમાં એને પેટમાં દુખવા લાગ્યું અને ઉલટી થઇ. બધું જ ખાવાનું વાસી હતું. લગભગ બે હજાર રૂપિયા આપ્યા પછી આવું ખાવાનું? મારા મિત્રે એપમાં ફરિયાદ કરી તો એમણે જણાવ્યું કે તમે પહેલેથી ફાઈવ સ્ટાર આપેલા છે. બાળકને દવાખાને લઇ જવાનું થયું. ખાવાનું ફેંકી દીધું. અને એપ વાળા એકની એક વાત કરતા રહ્યા કે આ રેસ્ટોરન્ટ દિવસના પાંચ હજાર લોકોને ખાવાનું આપે છે. કોઈ ફરિયાદ કરતુ નથી. ફોટા જોઇને ખાવાનું ફ્રેશ લાગે છે. ફોટામાં વાસ થોડી આવે. વળી પેકિંગ પર ગાર્નીશિંગ કર્યું હોય તો સારું જ લાગે.
શું ઘરનું ખાવાની સીસ્ટમ ખોટી છે? એક સમયે પાંચ હજાર લોકોને ફ્રેશ ખાવાનું આપી શકાય? આના માટે કોઈ કાયદો ન હોવો જોઈએ? આપણા લોકોને આ કયો ઝુવાળ ચડ્યો છે જે પૈસા આપીને મુર્ખ બનતા શીખવાડે છે.
જવાબ: ઘરના ભોજન જેવું ઉત્તમ ભોજન એક પણ નથી. એમાં મસાલા ઉપરાંત ભાવ પણ ભરેલો હોય છે. જે લોકો પોતાનો નંબર જ ખોટો આપતા હોય એમનો વિશ્વાસ કરાય? વળી તમે ઉતાવળમાં દયા ખાઈને સ્ટાર આપ્યા એ પણ ભૂલ છે. એપ્લીકેશન વાળા પોતે પૈસા કમાવા બેઠા છે. એ તો અમે માત્ર તમે કોન્ટેક્ટ કરાવીને છુટી ગયા કહી શકે. આના માટે સાચે જ કાયદા જરૂરી છે. એપ્લીકેશન વાળા બંને બાજુ કમીશન લે છે. વળી આટલા મોટા દેશમાં નવા નવા લોકો મળી રહેશે. માત્ર સારા રીવ્યુ જરૂરી હોય છે. બને ત્યાં સુધી ઘરે જ બનાવી ને ખાવ. અને તમારું આ ઉદાહરણ આપીને અન્યને પણ પ્રેરો. તમારા મિત્રના બાળકને કશું થઇ ગયું હોત તો કોઈ રીફંડ એની ખોટ પૂરી ન કરી શકત.
સુચન: રેસ્ટોરન્ટનું કિચન જોવાનો અધિકાર દરેકને છે. તમારું ખાવાનું કઈ રીતે બને છે તે જોવાનો આગ્રહ રાખો. જો એ તમને લાઈવ કેમેરામાં બતાવી શકે તો એ લોકો પારદર્શક છે એની ખાતરી થાય. માત્ર પૈસા કમાવા માટે બનેલું અન્ન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)