મિત્રો કેવા હોવા જોઈએ? આપણી ભૂલો પર ઢાંક પીછોડો કરે એવા, કે પછી ભૂલો સુધારવા મદદ કરે એવા? આફતના સમયે સાથે ઉભા રહે એને મિત્રો કહેવાય, પરંતુ ગુનો કર્યા બાદ છાવરવા માટે સાથે ઉભા રહે એ મિત્રો ન જ કહેવાય. અને જો એવા લોકોને મિત્ર કહેવાય તો ભવિષ્યના સમાજની કલ્પના પણ બિહામણી લાગશે. કેટલાક લોકો કર્ણનું ઉદાહરણ પણ આપશે. કે એણે દુર્યોધનનો સાથ આપ્યો. પણ એના માટે મહાભારત વિષે પુરતી માહિતી જોઈએ. શું પાંડવોએ કે કુંતીએ કર્ણનો સ્વીકાર કર્યો હતો? શું કર્ણ દુર્યોધનની રહેમ નજરમાં જીવતો હતો? શું કર્ણ ખરાબ હતો? વળી મહાભારત એ યુદ્ધ હતું. જેમાં બંને પક્ષે ઘણું બધું એવું થયું હતું જે યોગ્ય ન ગણાય. યુદ્ધના નિયમો રોજબરોજના જીવનમાં ન જ લવાય. જે વ્યક્તિત્વને સુધારવામાં મદદ કરે એ મિત્ર કહેવાય. નહિ કે માત્ર પાર્ટીઓમાં સાથે ફરે એ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારી એક મિત્ર ગરીબ ઘરની છે. એની એક મિત્રનો મિત્ર ધનવાન છે પણ એને કોઈ પસંદ નથી કરતુ. માત્ર એના પપ્પાએ મોઢે ચડાવેલ છે. એક વખત મારી મિત્ર એની મિત્ર સાથે પેલા ધનવાન માણસની પાર્ટીમાં ગઈ. જ્યાં એક ગુનાહિત કાર્ય થયું. મારી મિત્રએ રોકવા પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહી. એણે સાચી વાત જણાવી દીધી. હવે લોકો મહેણાં મારે છે કે એની હૈસિયત નહોતી તોએ એ આવી પાર્ટીમાં ગઈ હતી. જેના પૈસે લહેર કરતી હતી એને જ ફસાવી દીધો. મારી મિત્ર પણ તકલીફમાં છે. શું ગરીબ હોવું એ ગુનો છે? વળી એ કોઈની પાર્ટીમાં આમંત્રિત હતી. એ માણસ ગુનો કરશે એની જાણ પહેલેથી થોડી જ હોય? જેણે ગુનો કર્યો એને સહાનુભુતિ મળે છે અને મારી મિત્રને લોકો ગમે તેવું કહે છે. એનો પરિવાર પણ શરમમાં છે. મને ડર છે કે એ કોઈ ખોટું પગલું ન ભરે. એને સમજાવવા મારે શું કરવું જોઈએ.
જવાબ: કોઈની ઝાકઝમાળથી અંજાઈને મિત્રો ન બનાવાય. જોકે તમારી વાત પરથી તમારી મિત્ર સંપૂર્ણ રીતે પેલા માણસના કરતૂતોથી અજાણ હોય એવું લાગે છે. ગરીબ હોવું એ ગુનો નથી જ. માનસિક ગરીબી એ ચોક્કસ ગુનો છે. વળી ભૂલ અને ગુનો એ બંને અલગ પ્રક્રિયા છે. મિત્ર ભૂલ કરે તો ટોકવો જોઈએ. એ ફસાયો હોય તો બચાવવો જોઈએ. પણ પૈસાથી મુલ્યો તો ન જ વેંચાય. એ અત્યંત દુખદ બાબત છે કે ધન અને સત્તા એ માણસની ઓળખ બની રહ્યા છે. માનવીય મુલ્યોની સમજણ ઓછી થઇ રહી છે. એમાં કેટલાક અંશે અંગ્રેજી સાહિત્ય પણ જવાબદાર છે. સોસીયલ મીડિયા પર વાયરલ થતી વિડીયો પણ દર્શાવે છે કે લોકો ભૌતિકતાથી અંજાઈ રહ્યા છે. તમારી મિત્રને સમજાવજો કે આ વાત એના કરતા જેણે ગુનો કર્યો છે એના માટે વધારે શરમજનક છે. જીવન આમ ન જ ખોઈ દેવાય. એને મહામૃત્યુંન્જય મંત્ર કરવાની સલાહ છે.
સવાલ: મારા એક મિત્રે લગ્નની લાલચ આપીને મારા પર દુષ્કર્મ કર્યું. હું હવે પવિત્ર નથી. મારી જાત પર ગુસ્સો આવે છે. ખુબ નકારાત્મક વિચારો આવે છે. પેલો માણસ છુટથી ફરે છે. મને શરમ આવે છે. કશું જ સમજાતું નથી.
જવાબ: શારીરિક સંબંધ બન્ને એ બાંધ્યો છે. તો શરમાવાનું તમારે એકલા કેમ? વળી કૌમાર્ય ભંગ થવાથી તમે હતાશામાં જતા રહો એ પણ ખોટું છે. વ્યક્તિનું સ્વમાન એના મનમાં હોય છે. માત્ર કૌમાંર્યમાં નહિ. કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. પણ કોઈ દગો દે તો એના માટે પોતાને ગુનેહગાર ન સમજાય. આખી ઘટનાને ભૂલી અને નવેસરથી જીવવાનું શરુ કરો. જીવન સાચેજ ખુબ સુંદર છે. સમય જતા એ વ્યક્તિ અને ઘટના એની મેળે મનમાંથી નીકળી જશે. પણ, હા, હવે પછી આમ વિચાર્યા વિના કોઈને સમર્પિત ન થશો. બીજું કે ચાર જાણીતી વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કર્યા હોય તો કશું પણ ખોટું થાય એની સંભાવના ઘટે. શિવલિંગ પર કેવડા અને ચંદનના અત્તરથી અભિષેક કરો.
સુચન: સોમવારે ઉપવાસ કરવાથી નકારાત્મક વિચારો ઓછા આવે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)