વિશ્વાસ અને શ્રદ્ધા બંને જીવનને પ્રાણ આપે છે. તત્વોમાં પ્રાણ પુરવાનું કામ કરે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે પ્લોટલંબ ચોરસમાં ઇશાન ઉત્તર વધેલો હોય તેવો છે.પ્લોટની એન્ટ્રી આજ ભાગમાંથી છે. પશ્ચિમમાંથી પૂર્વ તરફ જતાં પગથિયાંના કારણે ઇશાનનો ભાગ ઉપર આવે છે. જેના કારણે ખૂબ જ માનસિક તણાવ ઉદભવે. હૃદય અને મન બંનેને લગતી તકલીફો આવે. બીમારીઓ પણ હૃદયને લગતી આવી શકે. અહી ઇશાનમાં સેવનનું વુક્ષ આવેલું છે. ઇશાનમાં કોઈપણ વૃક્ષ ન હોવું જોઈએ.
એ એક ખોટી માન્યતા છે કે ઇશાનમાં સેવનનું વૃક્ષ વાવવું સારું ગણાય. એનાથી ખૂબ જ તણાવ ઉદભવે છે. અને નવી પેઢીને લગતી તકલીફ આવી શકે. વળી પ્લોટના આકારના લીધે આર્થિક રીતે પણ તણાવ રહે. પૂર્વ કરતાં પશ્ચિમમાં અને ઉત્તર કરતાં દક્ષિણમાં માર્જીન વધારે છે. જે યોગ્ય નથી. મકાનમાંથી પૂર્વ મધ્યમાં એકભાગમાં થોડો ભાગ બહાર આવેલો છે જે માનસન્માન માટે યોગ્ય નથી.ઘરનું મુખ્ય દ્વાર ઇશાનના પદનું છે જેનાથી યોગ્ય માણસો ન મળવાના લીધે ઉદભવતી સમસ્યાનો સામનો કરવો પડે.
લિવિંગ રૂમ ઉત્તરથી વાયવ્ય સુધી છે જેના લાભાલાભ મળે. ઘરમાં કોઈ પણ વાત યોગ્ય સમયે ન થાય. અને જયારે વાત થાય ત્યારે તેનું રૂપ બદલાતાં ઉગ્રતા આવે. જો કે અહીની સીટીંગ અરેન્જમેન્ટ યોગ્ય છે તેથી સમસ્યાનું પ્રમાણ ઓછું રહે. ટીવી જોતી વખતે મુખ ઉતરમાં રહે છે. તેથી સ્વભાવ ભૌક્તિકતાવાળો થઇ જાય. ઇશાનમાં વરંડા છે તે સારું ગણાય. લિવિંગ રૂમમાં ઘણાં બધાં દરવાજા છે જે આ જગ્યાની ઊર્જા ઓછી કરે. રસોડું યોગ્ય જગ્યાએ છે પરંતુ રસોઈની દિશા યોગ્ય નથી. દક્ષિણ તરફ મુખ રાખીને રસોઈ કરવાથી ગુસ્સો અને અકળામણ વધારે થાય અને પગ નો દુખાવો રહે. ફ્રીજ પૂર્વની દીવાલ પર છે જે યોગ્ય ન ગણાય. સ્ટોર રૂમનું સ્થાન યોગ્ય છે. અહી વિવિધ સ્ટોરેજ રાખવાનો હોય તો તેના નિયમો સમજીને પછી યોગ્ય ગોઠવણ કરવી જરૂરી છે.પૂર્વમાં યુટીલિટી એરિયા યોગ્ય ન ગણાય. તે બે પેઢી વચ્ચે મતમતાંતર સર્જી શકે. આવી જ સમસ્યા દક્ષિણમાં ટોઇલેટ આવે ત્યારે થઇ શકે છે. બેડરૂમ યોગ્ય જગ્યાએ છે. અહી સૂવાની વ્યવસ્થા યોગ્ય છે પણ નૈરુત્યમાં વરંડા ખાલીપો આપે છે. પશ્ચિમમાં ટોઇલેટ હોઈ શકે. બ્રહ્મમાં દાદરો યોગ્ય ન જ ગણાય. તે માનસિક તકલીફ ઉપરાંત નવી પેઢીને લગતી તકલીફ આપી શકે. વાયવ્યમાં વરંડા યોગ્ય ગણાય. પરંતુ તેના માપ પ્રમાણ યોગ્ય નથી.
આજ મકાનમાં સુખી થવા માટે ભારતીય વાસ્તુમાં નિયમો છે. સર્વ પ્રથમ સૂચન પછીના નકશા પ્રમાણે રચના કરી અને ઇશાનમાં અગિયાર તુલસી, પૂર્વમાં ત્રણ આમળાં, અગ્નિમાં બે ચંદન, નૈરુત્યમાં બે નારીયેળી, નૈરુત્ય પશ્ચિમમાં સેવન, વાયવ્યમાં બે બીલીના છોડ વાવી દેવા. લિવિંગ રૂમના સેન્ટર ટેબલ પર તાંબાના વાસણમાં પીળાં ફૂલ અને ગુલાબ રાખવા. બેડરૂમના વરંડાને પરદાથી કવર કરી દેવો. સૂર્યને જળ ચડાવવું. ગણેશજીને ગોળ ધરાવીને પ્રસાદ લઇ લેવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબ જળ, ચોખા, શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા. વડીલોને માન આપવું.