તત્કાળ પ્રશ્નવિદ્યા: અસામાન્ય પ્રશ્નના જવાબ મેળવવાની સરળ ચાવીઓ

જ્યોતિષશાસ્ત્ર પ્રશ્ન ઉપર નભતું શાસ્ત્ર છે, પ્રશ્ન હોય તો આ શાસ્ત્ર દ્વારા પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. પ્રશ્ન ના હોય અથવા પ્રશ્ન સામાન્ય બુદ્ધિથી જાણી શકાય એમ હોય તો જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે કે જે પ્રશ્નો સામાન્ય બુદ્ધિથી જાણવા અસંભવ છે અને જેના રહસ્ય કે ફળ અકબંધ છે, તેને જ્યોતિષશાસ્ત્રની મદદથી ઉકેલી શકાય તેમ છે, તેમાં જ જ્યોતિષની ખરી ઉપયોગીતા સાબિત થશે.

અહી કેટલીક ચાવીઓ આપેલી છે, જેના દ્વારા તમે જે તે સમયે ઉપસ્થિત પ્રશ્નનો જવાબ આસાનીથી મેળવી શકશો. જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે તો તેનો જવાબ મેળવવા, તમારે એક ફળ, પૂછનારનું નામ અને એક સંખ્યા, તે પૂછનાર વ્યક્તિ પાસેથી લઇ લેવી. ફળનું નામ અને પૂછનારનું નામ આ બંનેના અક્ષરોનો સરવાળો કરવો (અ) અને એક સંખ્યા જે પૂછનાર વ્યક્તિ પાસેથી લીધી છે તેને બે વડે ગુણવી (બ), આ બંને સંખ્યા અ અને બ નો સરવાળો કરીને, તેમાં ૧૩ ઉમેરવા, આવનાર આંકને ૯ વડે ભાગીને જો શેષ,

૧: આર્થિક આવક વધે, પૈસાથી પ્રશ્ન ઉકેલાય.

૨: પ્રશ્ન પાછળ પૈસા જાય, આવક ઉભી રહે.

૩: શારીરિક બળ અને મહેનત વડે કાર્ય સિદ્ધ થાય, આરોગ્ય વધે.

૪: શત્રુને લીધે કાર્ય બગડે, શત્રુથી બચવું.

૫: પ્રેમમાં સફળતા અર્થાત વિજાતીય પાત્રથી લાભ.

૬: નજીકના માણસને નુકસાન થાય, કાર્યમાં મદદ જતી રહે.

૭: સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય, બધી રુકાવટ ચાલી જાય.

૮: કાર્યમાં નુકસાન અને શરીરે કષ્ટ મળે.

૦: લોકચાહના મળે, કાર્ય વેળાસર પૂર્ણ થાય.

જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે, ત્યારે તેની શારીરિક અને માનસિક ગતિવિધિથી પણ તમે તેના પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. જેમ કે, કોઈ જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે ત્યારે તે જો ઉપર તરફ જોઇને પછી પ્રશ્ન કરે તો તેની કાર્ય સફળતા નિશ્ચિત જાણવી. જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે, ત્યારે જો તે નીચે જોઇને પછી પ્રશ્ન કરે તો તેનું કાર્ય વિલંબમાં જ રહેશે. જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે ત્યારે જો તેના શરીર પર કોઈ અસામાન્ય સંવેદના કે ખુજલી થાય ત્યારે તેનું કાર્ય સંશય યુક્ત છે, પણ તે કાર્ય વિલંબથી સિદ્ધ તો થશે તેમ જાણવું. જયારે કોઈ આગંતુક તમને કોઈ પ્રશ્ન કરે, ત્યારે જો તે જમણી અને ડાબી બાજુએ જોઇને પછી પ્રશ્ન કરે તો તેની કાર્ય સફળતા મુશ્કેલ જાણવી.

કોઈ પ્રશ્નનો જવાબ મેળવવા, પ્રથમ પ્રશ્ન માટે આવનારને તેનો પ્રશ્ન સ્પષ્ટ કરવા કહેવું, પછી તેની પાસે ફળ, ફૂલ, નદી કે દેશનું નામ પૂછવું. આ નામનો પહેલો સ્વર જો અ, એ, આ, ઈ કે ઓ હોય તો પ્રશ્નમાં સફળતા મળશે. ઉ, ઊ કે અં પ્રથમ સ્વર હોય તો કાર્ય સફળતા પર પ્રશ્ન લાગી જશે.

જો તમે થોડું જ્યોતિષ જાણતા હોવ તો માત્ર પ્રશ્નકુંડળી જોઇને પ્રાશ સમયની ઉદિત લગ્નરાશિ જાણી લેવી, રાશિઓ મુખ્યત્વે ત્રણ ગુણોમાં વહેંચાયેલી છે, ચર, સ્થિર અને દ્વિસ્વભાવ.

ચર રાશિઓ: મેષ, કર્ક, તુલા, મકર

સ્થિર રાશિઓ: વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ

દ્વિસ્વભાવ રાશિઓ: મિથુન, કન્યા, ધન, મીન

જો પ્રશ્ન ચર સંજ્ઞક હશે એટલે કે ગતિ વિષયક કે બદલાવ માટેનો પ્રશ્ન હશે જેમ કે યાત્રા થશે કે નહિ? અને જો પ્રશ્ન સમયે ચર રાશિનું લગ્ન હશે તો યાત્રા થશે જ. એથી ઉલટું જો સ્થિર રાશિનું લગ્ન હશે તો યાત્રા નહિ થાય. દ્વિસ્વભાવ રાશિનો પ્રથમ અડધો ભાગ સ્થિર અને બીજો અડધો ભાગ ચર સંજ્ઞક જાણવો. આમ માત્ર ઉદિત લગ્ન રાશિથી પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે કે મારી સંપતિ બચશે કે નહિ? તો તે સમયે જો ઉદિત લગ્ન સ્થિર રાશિનું હોય તો સંપતિ બચશે, ચર લગ્નમાં સંપતિ જવાનો ભય રહેશે. આમ કોઈ પણ પ્રશ્નને ચર અને સ્થિર સંજ્ઞામાં વહેંચીને જવાબ મેળવી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]