ઈશાનમાં વાસ્તુ દોષ હોય તો હૃદય સંબંધિત બિમારી થઈ શકે…

માણસ જયારે કોઈના ઉપર આંખો મીંચીને ભરોસો કરે અને સામે વાળી વ્યક્તિ સતત એનો ફાયદો ઉઠાવ્યા કરે ત્યારે સમજાય છે કે હવે સંબંધ ગમે ત્યારે તૂટી શકે છે. કોઈનો ભરોસો પ્રાપ્ત થઇ શકે એના માટે પ્રયત્નો કરવાની જરૂર નથી. એ તો વ્યક્તિના વ્યવહાર માત્રથી આવે છે. પણ જો ભરોસો પ્રાપ્ત કરવામાં મહેનત કરવી પડે તો સમજવું કે ક્યાંક કશુક બરાબર નથી. કોઈને ગમતું કરવું જોઈએ પરંતુ કોઈનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે ગમતું કરવું એ કદાચ સ્વાર્થ સભર હોઈ શકે. અને સ્વાર્થ પતે એટલે ગમતા માણસો પણ બદલાઈ જાય. ભોળા હોવું એ એ ખાસિયત ગણી શકાય. પરંતુ ભોળા માણસને મુર્ખ સમજી અને એનો ઉપયોગ કરવો એ આવડત ન જ ગણાય. એને વિકૃતિ જ ગણી શકાય. પોતાના સ્વાર્થ માટે અન્યનું ખરાબ વિચારવું એ નકારાત્મક બાબત જ ગણાય.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: મારા બે મિત્રો છે. એક ખુબ પોપ્યુલર છે. એકના સંબંધો કોઈની સાથે લાંબા ટકતા નથી. પહેલી વ્યક્તિ પોતાના કામ માટે સંબંધો બાંધે છે. અને બીજી વ્યક્તિ સંબંધ સાંચવી જાણે છે. બંને માં ફર્ક એટલો છે કે પહેલી વ્યક્તિ સારું સારું બોલી જાણે છે. એ બધાને ગોળગોળ ફેરવી પોતાનું કામ કઢાવી શકે છે. એ પહેલા કોઈના વિષે વાત કાઢીને સહાનુભુતિ દેખાડે અને પછી એ એકબીજાની વાતો એકબીજાને કહી દે છે. જેનાથી સંબંધો બગડે અને બધાને લાગે કે એના વગર નહિ ચાલે. બીજો મિત્ર કોઈ કહે એ પહેલા મદદ કરે છે. પણ જે હોય એ મોઢે કહે છે. એ બધીજ રીતે ઘસારો વેઠે છે પણ તોએ લોકો પહેલા મિત્રને વધારે માન આપે છે. મારી દ્વિધા એ છે કે આ બે માંથી સારું કોણ ગણાય?

જવાબ: સારા હોવું, સાચા હોવું અને પોપ્યુલર હોવું એ સમાનર્થી નથી જ. બનાવટ કરનારની પાછળ દુનિયા ભાગે છે. અને એટલે જ ખોટા લોકો ફાવે છે. પણ સાચા લોકો જો પોતાનામાં વિશ્વાસ રાખે તો એમને કોઈ દુખ ન થાય. મોટા ભાગે લોકો શું કહેશે એ ચિંતામાં જ લોકો દુખી થતા હોય છે. તમારો સવાલ જ તમારો જવાબ છે. જે વ્યક્તિ નુકશાન કરે છે એ મીઠડી હોય તો પણ સારી ન જ ગણાય. જે વ્યક્તિ ભલી છે એ ભલે ગુસ્સે થાય પણ એ જ મિત્રતા નિભાવી શકે. ગપ્પા મારવા માટે ઘણા મળી જાય. જે સાથ આપે એ જ સાચો મિત્ર ગણાય. જરૂર હોય ત્યારે બહાના કાઢે અને સ્વાર્થ હોય ત્યારે પ્રેમ દેખાડે એ મિત્ર ન જ ગણાય.

સવાલ: મારા પપ્પાને વારંવાર હૃદયની તકલીફ થઇ જાય છે. છાતીમાં દુખે. પરસેવો થાય. હાથપગ પાણીપાણી થઇ જાય. વળી રીપોર્ટ નોર્મલ આવે છે. ડોક્ટર કહે છે કે એમની તબિયત સારી જ છે. તો શું આ સમસ્યા વાસ્તુ આધારિત હોઈ શકે?

જવાબ: સહુથી પહેલા તો બીજા ડોક્ટરને બતાવવાની સલાહ છે. જો બંને ના મત પ્રમાણે બધુજ નોર્મલ છે. તો પછી એમને કોઈ એલર્જી કે અન્ય તકલીફ નથીને એ પણ જોઈ લેવું પડે. હૃદય એ ઇશાન સાથે જોડાયેલું છે. ઈશાનના અમુક દોષના લીધે આવું થઇ શકે. તમારા ઘરના ઈશાનમાં બે વાસ્તુ દોષ છે. એટલે આવું થવાની સંભાવના ગણી શકાય. તમારા પિતાજીને પાણી વધારે આપો. પ્રાણાયામ કરાવો. ઈશાનમાં આછો ગુલાબી રંગ કરવો. શિવપૂજા કરો. ચોક્કસ સારું લાગશે.

સુચન: ચિત્રોમાં પણ ઉર્જા હોય છે. તેથી જોયા જાણ્યા વિના કોઈ પણ ચિત્ર ઘરમાં ન લગાવાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)