હકારાત્મકતા માટે ઘરમાં આ વસ્તુ હોવી ખૂબ જ જરુરી

“કેમ છો? આપણે તો વિચાર્યું પણ ન હતું કે આવો નિર્ણય લેવાશે. મજા પડી ગઈ. બસ, હવે બધું જ સારું થઇ જશે.” સામાન્ય રીતે કોઈ આવી વાત કરે તો સામે વાળાને પણ સારું લાગે. અને આસપાસ હકારાત્મક લોકો રહેતાં હોય તો કોઈ પણ માણસ હકારાત્મક વિચારધારા તરફ ખેંચાય. હકારાત્મક વિચારધારા ઉભી કરવા માટેના ક્લાસ પણ ચાલે છે. અને એ માત્ર એક કલાકની ક્લાસ ખરેખર હકારાત્મક બનાવી શકશે તેવા સવાલો પણ ઉદભવે. પણ જો હકારાત્મક વિચાર સાથે આ વિચાર કરવામાં આવે તો? તો કદાચ કોઈ ક્લાસની જરૂર પણ ન રહે.

ઘરમાં પૂર્વનો અક્ષ હકારાત્મક હોય ત્યારે વ્યક્તિની વિચારધારા હકારાત્મક બને છે. એક ભાઈ કોઈ પણ સંજોગોમાં નકારાત્મક ન વિચારતા. “ હશે. આવું તો થાય.” કહીને વાતને ખંખેરી નાખે. જેનો જન્મ થયો છે તેને સમસ્યા તો આવવાની જ છે. કોઈ તેને જોઇને ગભરાઈ જાય તો કોઈ હતાશ થઇ જાય. કોઈ રોકકળ કરી મુકે તો કોઈ તેને ગણે પણ નહીં. સમસ્યાને બિલોરી કાચમાં જોવામાં આવે ત્યારે તે મોટી લાગે તે સ્વાભાવિક છે. પહેલાંના જમાનામાં માણસો વાતને સમજવા પ્રયત્ન કરતાં. તેમની ધીરજ પણ સારી હતી. કદાચ ત્યારે વાતાવરણમાં વધારે ઓક્સીજન હતો તે પણ એક કારણ હોઈ શકે. વળી કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક અખતરા વિનાનું જીવન તેઓ જીવતાં હતાં. પશ્ચિમમાંથી આવેલા વિચારો પર આપણે ક્યારેય સવાલો ન કર્યા.

હકારાત્મક વિચારધારા માટે સારા હવા ઉજાસની ખૂબ જ જરૂર હોય છે. ભારતીય વાસ્તુમાં સારા હવા ઉજાસ માટેના નિયમો ખૂબ જ સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યાં છે. યોગ અને ધ્યાનને ખૂબ જ મહત્વ આપવામાં આવતું. સવારે જયારે વાતાવરણમાં ઓક્સીજન વધારે હોય ત્યારે પ્રાણાયામ કરવામાં આવતાં. શ્વાસ કેવી રીતે લેવો તેની પણ સમજ આપણે ત્યાં હતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમાન ગણવામાં આવતા. જીવનના આ દરેક કર્મને યોગ્ય રીતે સમજાવવામાં આવતાં. દરેક કર્મની સાચી સમજણ સમાજના ઉત્થાનમાં મદદરૂપ થતી.

એક પરિવારમાં બધાનો સ્વભાવ તણાવમુક્ત હતો. કોઈ પણ સમસ્યા તેમને અસર ન કરતી. ભૂકંપ આવ્યો તો તેઓ એ સ્વીકારી લીધું અને જે ગયું તે વિસરાવી પાછા ઉભા થઇ ગયાં. પરિવારનો સંપ પણ ઘણો. પૂર આવ્યું તો જે માલ બગડ્યો તેનો નિકાલ કરીને પાછા સેટ થઇ ગયાં. જયારે બધાં રડતા હોય ત્યારે આ પરિવાર હવે શું કરવું? તેનો વિચાર કરીને પાછો કાર્યરત થઇ જતો. બાળકોના ભણતર માટે તેમને અન્ય જગ્યાએ જવાનું થયું. ધીમે ધીમે દેખાદેખી શરુ થઇ. નાની નાની વાતમાં મોટામોટા તણાવ થવા લાગ્યાં. એક દીકરો અલગ રહેવા જતો રહ્યો. જે પરિવારને દુઃખ શું તેની સમજણ ન હતી તે હવે કઈ થશે તો નહીંને? જેવી ખોટી ચિંતામાં રાચવા લાગ્યો. તેમના પહેલા ઘરમાં મોટાભાગની વ્યવસ્થા વાસ્તુ આધારિત હતી. જેના કારણે તેઓ હકારાત્મક હતાં. નવા મકાનમાં ઈશાનમાં પાર્કિંગ હતું. નવી ગાડી લેતાં ઈશાનમાં વજન વધતું ગયું.

પૂર્વમાં જમીનથી ઉપરના ભાગમાં પાણીની ટાંકી હતી. કપડાં ધોવાની વ્યવસ્થા પણ પૂર્વમાં જ હતી. ઉત્તર કરતાં વાયવ્યથી નૈરુત્યનો ભાગ નીચો હતો. નૈરુત્યમાં કમ્પાઉન્ડ વોલ નીચી હતી. પૂર્વમાં ઊંચા વૃક્ષો હતા અને આંગણામાં કરેણનું ઝાડ હતું. આ વ્યવસ્થા નકારાત્મકતા આપવા પૂરતી હતી. સતત કારણ વિનાનો ભય, આડંબર, દેખાડો,ઈર્ષા જેવી લાગણીઓ સાથે જીવતાં એ લોકો પોતાનું પહેલાંનું જીવન પણ ભૂલી ગયાં. પૈસાના અને જમીનના ભાગલા સુધી વાત પહોંચી ગઈ. જે પરિવાર સન્માનપૂર્વક જીવતો તેના માટેનો આર્થિક બાબતનો વિશ્વાસ લોકમાનસમાં ઓછો થવા લાગ્યો. પોતાના જ પરિવાર માટે સ્પર્ધાની ભાવના જાગવા લાગી. અંતે તેઓએ પોતાના મૂળ મકાનમાં પાછાં જવાનો નિર્ણય લઇ લીધો.

કોઈ જગ્યાએથી જતા રહેવું તે પણ યોગ્ય નથી. પોતાના જરૂરી કામ પડતાં મૂકીને જગ્યા છોડી દેવી તે પણ નકારાત્મકતાની નિશાની છે. ભારતીય વાસ્તુમાં કોઈ પણ પ્રકારની તોડફોડ વિના કે કોઈ પણ પ્રકારના માનવ સર્જિત સાધનો ,પૂતળાંઓ કે પોસ્ટર લગાવ્યા સિવાય પણ હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવાના નિયમો છે. તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો કોઈ પણ સમસ્યામાંથી હકારાત્મક નિરાકરણ સુધી પહોંચી શકાય છે. સમસ્યાથી ગભરાવાને બદલે તેને સમજવામાં આવે અને હકારાત્મક વિચાર સાથે તેનો વિચાર કરવામાં આવે તો તેનું નિરાકરણ મળશે જ. આ પ્રકારની હકારાત્મકતા માટેના નિયમો વાસ્તુશાસ્ત્રમાંથી મળે છે.