ગ્રહો અને રાશિના તત્વમિલાપના ઊંડાણને માપવું એ છે…

જ્યોતિષમાં તત્વનું મહત્વ વધુ છે, એમ કહી શકાય કે ચાર તત્વથી સંસાર રચાયો છે. તત્વના વધારા ઘટાડા સાથે જ દરેક કાર્યને વેગ મળે છે. મનુષ્યનું મન આ ચાર તત્વોના પ્રમાણે અનુભવ કરે છે. જેમ કે, તોફાન અને યુદ્ધ જેવી ઘટનાઓ ગ્રહોમાં અગ્નિતત્વનો વધારો સૂચવે છે. બૌધિક ક્રાંતિ અને વ્યાપાર રોજગાર વધવા, વાયુતત્વનો વધતો પ્રભાવ છે. પૃથ્વીતત્વ નબળું પડે તો ભૂસ્ખલન અને હોનારત સર્જાય છે, પૃથ્વીતત્વ બળવાન બનતા, કૃષિદ્વારા ધન-ધાન્યનો વિકાસ થાય છે. ગ્રહોમાં જલતત્વ નબળું પડતા પૃથ્વી પર જળસ્રોત દ્વારા હોનારત સર્જાય છે જેમ કે, પુર આવવા વગેરે.

સામાન્ય રીતે કુંડળીના ભાવ અને કારક ગ્રહોને અભ્યાસ કરવાથી ભવિષ્ય બાબતે જાણકારી મળે છે. કર્મ માટે શનિને અચૂક જોવો, ધન, પુત્રમાટે ગુરુનો અભ્યાસ કરવો, શરીર અને પુરુષાર્થ માટે મંગળનો અભ્યાસ કરવો, મન અને ધન માટે ચંદ્રનો અભ્યાસ કરવો, બુદ્ધિ અને વાણી માટે બુધનો અભ્યાસ કરવો, લગ્ન અને સંપતિ માટે શુક્રનો અભ્યાસ કરવો, પ્રતિષ્ઠા અને આરોગ્ય માટે સૂર્યનો અભ્યાસ કરવો જોઈએ. આ ગ્રહોનું મૂળતત્વ પોષાય છે કે નહિ તે જોઈ લેવું જોઈએ.

અગ્નિતત્વ સાથે પૃથ્વીતત્વ ખુબ સુંદર તાલમેલ આપે છે, ઘણું કાર્ય થાય છે.અગ્નિતત્વ સાથે વાયુતત્વ અસંતુલિત બની જાય છે, મનુષ્યએ પોતાના વિચારો, ક્રોધને કાબુમાં રાખવો પડે છે. અગ્નિતત્વ સાથે જલતત્વ સંયોજાય તો મનુષ્ય લાગણીશીલ બનતા કાર્ય પાર પડતું નથી, કાર્ય લાગણીઓને લીધે સિદ્ધ થતું નથી.પૃથ્વીતત્વ સાથે વાયુતત્વ જોડાય તો મનુષ્ય અતિધીમે વર્તે છે અને જલ્દી સફળ થઇ શકતો નથી.વાયુતત્વ સાથે જલતત્વ જોડાય તો મનુષ્ય કલ્પનાશીલ અને નબળો બની જાય છે.પૃથ્વીતત્વ સાથે જળતત્વ જોડાય તો મનુષ્યની લાગણીઓને વાચા મળતી નથી પરંતુ તે એક સફળ સામાજિક વ્યક્તિ બની શકે છે.

શનિ અને શુક્ર પૃથ્વી તત્વની રાશિઓમાં અર્થાત વૃષભ, મકર અને કન્યા રાશિઓમાં ખુબ બળ પામે છે. તેઓ આ રાશિઓમાં પોતાના ગુણોને સફળ વ્યક્ત કરે છે. શનિ મકાન અને શુક્ર વૈભવી વાહન આપે છે. શનિ અને શુક્ર જો જલતત્વમાં જાય તો પણ પોષણ પામે છે. જેમ કે, શુક્ર મીન રાશિમાં ખુબ બળ પામે છે. શુક્ર કર્ક અને વૃશ્ચિક રાશિમાં પણ બળ પામે છે, તેના સ્ત્રી ગુણનો જળ તત્વમાં ખુબ વિકાસ થાય છે.

બુધએ બુદ્ધિનો કારક ગ્રહ છે, બુધનીબુદ્ધિ તેના વાયુ તત્વને આભારી છે. બુધ જો વાયુ તત્વની રાશિમાં હોય, અર્થાત મિથુન, તુલા કે કુંભ રાશિમાં હોય તો તેના વાયુ તત્વનો ખુબ વિકાસ થાય છે. બુધ આ ત્રણ રાશિઓમાં જાતકને ખુબ બુદ્ધિમાન બનાવે છે. જે જાતકની કુંડળીમાં વાયુતત્વનો વિકાસ થયો હોય તે જાતક બેશક ખુબ બુદ્ધિમાન હોય છે જ.

સૂર્ય, મંગળઅને ગુરુ અગ્નિતત્વને રજુ કરે છે. તેમાં સૌથી વધુ અગ્નિતત્વ સૂર્યમાં રહેલું છે. પછી મંગળમાં અને ત્યારબાદ ગુરુમાં અગ્નિતત્વ સૌથી ઓછું પણ ‘પવિત્ર’ અગ્નિતત્વ રહેલું છે. હવે આ ત્રણેયમાંથી કોઈ પણ એક કે વધુ ગ્રહો જો મેષ, સિંહ, કે ધન રાશિમાં હોય તો તેમનું અગ્નિતત્વ ખુબ વિકાસ પામે છે અને ગ્રહોનું ફળ પૂર્ણ રૂપે મળે છે.સૂર્ય, મંગળઅને ગુરુ જો વાયુ તત્વની રાશિઓમાં હોય તો પણ તેઓનું ફળ વધુ મળે છે. સૂર્ય, મંગળઅને ગુરુ જળતત્વની રાશિઓમાં ફળદાયી રહેતા નથી.

ચંદ્ર જલતત્વ ધરાવે છે, તે પૃથ્વીની સૌથી નજીક હોઈ અને મનુષ્યના મન પર શાસન કરતો હોઈ, તે કોઈપણ રાશિમાં જાય પરંતુ તેની અસર મનુષ્ય પર વધુ પડે છે. છતાં ચંદ્ર જો વૃશ્ચિકમાં જાય તો આપણે તેને નબળો માનીએ છીએ, ચંદ્ર વૃશ્ચિકમાં બળ ચોક્કસ પામે છે પરંતુ તે બળ ‘નકારાત્મક’ બળ હોય છે. વૃશ્ચિકમાં ચંદ્ર નકારાત્મક બને છે, જયારે કર્ક અને મીનમાં સકારાત્મક ઉર્જાવાન બને છે. વૃશ્ચિકરાશિનું સ્થાન કાલપુરુષ કુંડળીમાં ‘અષ્ટમ’ છે અને એટલે જ સકારાત્મક રાશિ ગણવામાં આવતી નથી. વૃશ્ચિકમંગળની રાશિ હોવા છતાં અનુભવે જોયું હશે કે વૃશ્ચિકનો મંગળ વધુ તકલીફ કરતો નથી. તેનું ફળ તે સ્વગૃહી હોવા છતાં પણ ઓછું મળે છે, તેનું કારણ મંગળ પોતે અગ્નિ થઈને જલ તત્વમાં આવવાથી ફળદાયી રહેતો નથી.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]