શું તમે ક્યારેય ધર્મ પરિવર્તનનો વિચાર કર્યો છે? વિશ્વમાં સહુથી પહેલા ધર્મના નિયમ બન્યા એ નિયમો માનવ જાતિને સુવ્યવસ્થિત જીવન આપવા માટે બન્યા. કુદરત અને અન્ય જીવો સાથે સંતુલિત જીવનના નિયમો જે માણસને સુખી બનાવવા સક્ષમ હોય એ નિયમોને ધાર્મિક નિયમો કહેવામાં આવતા. જેમાં દરેક પદાર્થ અથવા જીવનું એક ચોક્કસ સ્થાન છે અને તેમને સન્માન આપવું જરૂરી છે એની સમજણ હતી. જે તત્વો જીવન સાથે જોડાયેલા હતા એની પૂજા થતી હતી. આહાર, વિહાર અને વિચાર ત્રણેયની સાચી સમજણ પણ એમાં હતી. એમાં વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાજ વિજ્ઞાન પણ જોવા મળે છે. આ ધર્મના કોઈ અધિપતિ ન હતા. કે પોતાને મોટા દેખાડવાની ક્યાંય હોડ પણ ન હતી. જો આ ધર્મનું પરિવર્તન કરીએ તો પછી માણસ તરીકે જીવવાના નિયમો બદલાય. આવું તો કોને ગમે? આપણા આવાજ નિયમોમાંના રહેણાંક સાથે જોડાયેલા નિયમો એટલે વાસ્તુ નિયમો. જે પોતાના મકાન થકી સુખી થવાના નિયમોનું જ્ઞાન આપે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મને ક્યારેક એવું થાય છે કે મારે ધર્મ બદલી નાખવો છે. ક્યારેક એવું થાય છે કે કોઈ એવી જગ્યાએ જતી રહું જ્યાં સાચા નિયમોથી જીવતા લોકો મળે. દુર ક્યાંક જંગલમાં, સાવ એવા વાતાવરણમાં જ્યાં પ્રદુષણ નથી, જ્યાં માનવ મન પણ સાફ છે. ભલે એમની પાસે ધન વૈભવ નથી પણ જીવનનું સુખ અને સમજણ છે. સ્વાર્થી માણસો અને ધતીગો થી હું થાકી ગઈ છુ. આ રીલ્સની દુનિયામાં સાવ અજ્ઞાની માણસ પણ જ્ઞાન દર્શાવી શકે છે. અને સાચું ખોટું જાણ્યા વિના બધા મંડી પડે છે. આપણી પૌરાણિક વાર્તાઓને સમજ્યા વિના કોઈ પણ તર્ક સાથે રજુ થઇ રહી છે. વિવિધ ધર્મના લોકો પોતાની લીટી મોટી કરવા ભાગી રહ્યા છે. જેમણે સંસાર છોડ્યાનો દાવો કરે છે એમનાથી માયા છૂટતી નથી. સંતો કરોડોના આશ્રમો માં રહે છે. આ ક્યાંનો સન્યાસ છે? ગુરુત્વ ધરાવતા ગુરુ ઘટી ગયા છે. તમારા પર વિશ્વાસ છે. તમે સાચી સલાહ આપો એવી અપેક્ષા છે.
જવાબ: બહેન શ્રી. આપણા દેશમાં આત્માને મહત્વ આપવામાં આવ્યું છે. હું તમારી થાળીમાં એક હજાર વાનગી મુકું તો તમે એમાંથી કેટલી ખાઈ શકશો? જે તમને સહુથી વધારે પ્રિય છે એ પહેલા લેશો. આ જ રીતે આપણી આસપાસ ઘણું બધું ન ગમતું થતું હશે. એની સામે થોડુક આપણને ગમતું પણ થતું હશે. બસ, એના તરફ નજર કરો. આજના સમાજની દિશા ભૌતિકતા ભણી વધારે જોવા મળે છે. જેમાં તમારા જેવા લાગણી પ્રધાન લોકો વિચલિત થાય એવું બની શકે. પણ શું તમે આ બધું બદલવા સક્ષમ છો? વળી ધર્મ એટલે જીવવાના નિયમો. બની શકે અન્યના એ નિયમોની સમજણ અલગ હોય. તમે જેને ધર્મ માંનો છો એને માની અને ચાલ્યા કરો. કોઈ અન્ય વિચારધારા સાથે જોડાવાથી તમે તમારા મૂળભૂત વિચારો બદલી શકશો? તમારા ઘરનું દ્વાર વાયવ્યમાં છે. તેથી વિચારો વધારે આવે છે. દરરોજ શિવપૂજા કરો. વહેલા ઉઠો અને પાણી વધારે પીવો. ચોક્કસ સારું લાગશે.
સુચન: સારા કર્મોથી પણ સકારાત્મક ઉર્જા મળે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)